નવજીવન ન્યૂઝ, અમરેલી : અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પ્રેમ લગ્ન કરનારા યુવકનું અપહરણ અટકાવવા વચ્ચે આવેલી માતા પર અપહરણકારોએ કાર ચઢાવી દેતાં મોત (Mother killed for going to stop son’s kidnapping) નિપજ્યું હતું. આ મામલે 9 જણા સામે અપહરણ અને હત્યાનો ગુનો નોંધી પીપાવાવ પોલીસે (Pipavav Police Amreli) ત્રણ મહિલા સહિત 7 આરોપીઓને પકડ્યા છે.
અમરેલી જિલ્લાના રાજુલા પંથકમાં પ્રેમ પ્રકરણના મામલામાં અપહરણ અને હત્યાની ઘટના (Murder in Rajula over love affair) ઘટી છે. પ્રેમ લગ્ન કરનારા ભાવેશ ભીલનું યુવતીના પરિવારજનો દ્વારા અપહરણ કરવામાં આવ્યું હતું. પુત્રને અપહરણકર્તાઓ કારમાં ઉપાડી જતા હતા તે સમયે ભાવેશની માતા જીતુબહેન ભીલે (ઉ. 50) પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકે કાર જીતુબહેન પર ફેરવી દઈ તેમને કચડી નાંખ્યા હતા. હત્યા કર્યા બાદ આરોપીઓ ભાવેશને ઉપાડીને મહુવા લઈ ગયા હતા. જ્યાં તેને પટ્ટા વડે માર માર્યો હતો. આ મામલો પોલીસ પાસે પહોંચતા પીપાવાવ પોલીસ દોડતી થઈ ગઈ હતી અને 9 આરોપીઓ સામે અપહરણ તથા હત્યાનો ગુનો નોંધી 7 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.








