નવજીવન ન્યૂઝ.મોરબીઃ મોરબી બ્રિજ દુર્ઘટનામાં 132થી લોકોએ જીવ ગુમાવ્યો છે. ત્યારે સમગ્ર મામલો હાલ હાઈકોર્ટમાં પહોંચ્યો છે. હાઈકોર્ટે સુઓમોટો લીધા બાદ આજે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકાર સામે નારાજગી વ્યક્ત કરી હતી. દુર્ઘટનામાં મૃતકોને આપવામાં આવેલા વળતરને લઈને હાઈકોર્ટે 4 લાખ પૂરતું ન હોવાનું જણાવી ઓછામાં ઓછુ 10 લાખનું વળતર ચૂંકવવું જોઈએ તેમ કહ્યું હતું.
મોરબી પુલ દુર્ઘટના અંગે હાઈકોર્ટે સવાલ કર્યો હતો કે, ઓરેવા ગ્રુપના સંચાલકો સામે શું પગલા લેવામાં આવ્યા? સાડા પાંચ વર્ષ સુઘી કોઈ એગ્રિમેન્ટ વગર ઓરેવા ગ્રુપને બ્રિજ કેમ વાપરવા દીધો? પાંચ વર્ષ સુધુ નગર પાલીકા કેમ ચૂપ રહી? મૃતકોની જ્ઞાતિ જાતિ લખવાની શું જરૂર છે? તમામ મૃતકોને સમાન રીતે જ ગણાય, દુર્ઘટનામાં માતા-પિતા ગુજરી ગયા હોય તેવા બાળકોને સરકારે 3 હજાર ચૂકવશે તેના અંગે હાઈકોર્ટે કહ્યું કે, આ વળતર પૂરતું નથી, 3000માં તો બાળકના પુસ્તકો, સ્કૂલના યુનિફોર્મ નહીં આવે. બ્રિજ દુર્ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલાને 50 હજાર અને મૃતકોના પરિવારજનોને આપવામાં આવેલું 4 લાખ વળતર ઓછું છે. રાજ્ય સરકાર નવું એફિડેવિટ ફાઈલ કરે, જેથી વળતર વધારી શકાય.
હાઈકોર્ટમાં સરકાર તરફથી એડવોકેટ જનરલે જણાવ્યું હતું કે, મોરબી બ્રિજ દુર્ઘટનામાં માતા-પિતા ગુજરી ગયા હોય તેવા કુલ 7 બાળકો છે. આ બાળકોને પ્રધાનમંત્રી રાહત કોષ, મુખ્યમંત્રી રાહત કોષ અને ખાનગી દાતા દ્વારા મળેલા દાનમાં પ્રતિ બાળક 37 લાખ રૂપિયા ચૂકવવામાં આવશે, જેમાં અદાણી ફાઉન્ડેશન દ્વારા પ્રતિ બાળક 25 લાખ અપાયા છે, મોરબીના રાજવી પરિવારે તમામ મૃતકોને 1 લાખ વળતર ચૂકવ્યું છે.
હાઈકોર્ટે મોરબી બ્રિજ દુર્ઘટનાની ગંભીરતા દાખવી રાજ્યના તમામ બ્રિજનો સર્વે કરવા આદેશ આપ્યો છે, તમામ બ્રિજ યુઝ કરવા માટે ફિટ છે કે નહીં તે અંગેનુ સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે, જે બ્રિજનું રિનોવેશન કરવાની જરૂર હોય તેને તાત્કાલીક કરવામાં આવે. 10 દિવસમાં તમામ બ્રિજના સર્વેનો રિપોર્ટ રજૂ કરવા આદેશ આપવામાં આવ્યો છે. મોરબી બ્રિજ દુર્ઘટના અંગે હાઈકોર્ટે હુકમ કર્યો છે કે, SITની તપાસનો રિપોર્ટ સીલ બંધ કવરમાં રજૂ કરવામાં આવે, SITની તપાસ ઠીક ન લાગી તો અન્ય એજન્સીને તપાસ સોંપી દેશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796