Thursday, September 10, 2026
HomeGujaratઅમદાવાદની 3 સ્કૂલો બાદ ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેઇલ મળતા...

અમદાવાદની 3 સ્કૂલો બાદ ગાંધીનગર કોર્ટને પણ બોમ્બથી ઉડાવવાની ધમકી, ઈ-મેઇલ મળતા તંત્ર દોડતું થયું

- Advertisement -

Ahmedabad school bomb threats: અમદાવાદમાં ફરી એક વખત સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેઇલ મળતાં ભારે ચકચાર મચી છે. બોપલની DPS સ્કૂલ, વેજલપુરની ઝાયડસ સ્કૂલ અને થલતેજની ઉદગમ સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. સ્કૂલના ઈ-મેઇલ આઇડી પર થ્રેટ મેઇલ આવ્યા બાદ પોલીસ સહિતની સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી હતી.

ધમકીભર્યા ઈ-મેઇલની જાણ થતાં ઝાયડસ સ્કૂલ ખાતે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયર બ્રિગેડની ટીમો પહોંચી ગઈ હતી. તકેદારીના ભાગરૂપે સ્કૂલ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને રજા આપી દેવામાં આવી હતી. વાલીઓને મેસેજ કરીને બાળકોને શાળાએથી લઈ જવા માટે સૂચના આપવામાં આવતા મોટી સંખ્યામાં વાલીઓ સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.

- Advertisement -

અમદાવાદના DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, તમામ સ્કૂલોને તેમના ઈ-મેઇલ આઇડી તપાસવા માટે જણાવવામાં આવ્યું છે. જે સ્કૂલને ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોય તેણે તાત્કાલિક પોલીસને જાણ કરવાની રહેશે. સાથે જ બાળકોને સુરક્ષિત રીતે સ્કૂલની બહાર કાઢી પોલીસની તપાસમાં સહકાર આપવા માટે પણ સ્કૂલોને સૂચના આપવામાં આવી છે. ઝાયડસ સ્કૂલમાં ધમકી મળ્યા બાદ વિદ્યાર્થીઓને તાત્કાલિક રજા આપી દેવામાં આવી હતી. વાલીઓને બાળકોને લઈ જવા માટે જાણ કરવામાં આવતા તેઓ ભયના માહોલ વચ્ચે સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. ફાયર વિભાગની બે ગાડીઓ, પોલીસની ટીમ અને 108ની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી. સમગ્ર સ્કૂલ પરિસરને ખાલી કરાવી સુરક્ષા તપાસ હાથ ધરવામાં આવી હતી.

આ દરમિયાન ગાંધીનગરમાંથી પણ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. ગાંધીનગર સ્થિત ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેઇલ મળ્યો હોવાનું સામે આવ્યું છે. સવારના સમયે અજાણ્યા શખ્સ દ્વારા કોર્ટના ઈ-મેઇલ પર ધમકીભર્યો મેલ મોકલવામાં આવ્યો હતો. ઈ-મેઇલ મળતાની સાથે જ કોર્ટ સંકુલમાં સુરક્ષાને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું હતું. સુરક્ષાના ભાગરૂપે ગાંધીનગર કોર્ટ પરિસરને ખાલી કરાવવામાં આવ્યું હતું. કોર્ટમાં હાજર ન્યાયાધીશો, વકીલો, અસીલો અને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા હતા અને તમામને સલામત અંતરે ખસેડવામાં આવ્યા હતા. સમગ્ર ઘટનાને પગલે કોર્ટ પરિસરમાં પણ ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો.

અમદાવાદની ત્રણ સ્કૂલો અને ગાંધીનગર કોર્ટને મળેલી આ ધમકીઓને પગલે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે. હાલ ધમકીભર્યા ઈ-મેઇલ પાછળ કોણ છે અને તેમાં કરવામાં આવેલી ધમકી કેટલી ગંભીર છે તે અંગે તપાસ ચાલી રહી છે. સ્કૂલોમાં બાળકોની સુરક્ષાને પ્રાથમિકતા આપી તપાસ હાથ ધરવામાં આવી રહી છે, જ્યારે ગાંધીનગર કોર્ટમાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

Follow on Social Media
Urvish Patel
Urvish Patelhttps://www.navajivan.in
A journalist with over 10 years of experience in print, electronic, and digital media. He has worked with renowned media organizations such as Divya Bhaskar, (GujaratTAK) TV Today, ETV Bharat, and Mera News, bringing extensive expertise in news reporting and content creation.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular