નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ અગાઉ પત્નીની આત્મહત્યાની ઘટના પછી હવે આરજે કૃણાલના પિતાએ પણ આપઘાત કરી લીધો જેમાં પોલીસ તપાસ દરમિયાન ચોંકાવનારી બાબતો સામે આવી રહી છે. અમદાવાદના જગતપુર રેલવે સ્ટેશન પર તેમણે આપઘાત કરી લીધો હતો. કૃણાલના પિતાએ કરેલા આપઘાતના મામલે તેની મૃતક પત્ની ભૂમિના માતા-પિતા અને બીજા બે વ્યક્તિઓ સામે આપઘાતની દુષ્પ્રેરણા મામલે પોલીસે ગુનો દાખલ કર્યો છે.
વર્ષ 2016માં જાન્યુઆરી મહિનામાં કૃણાલની પત્ની ભૂમિ પંચાલે સચિન ટાવર પરથી પડતુ મુકી દીધું હતું અને તેના જીવન ટુંકાવી દેવાના કેસમાં આનંદનગર પોલીસે કૃણાલ દેસાઈ, તેની માતા અને પિતા ઈશ્વર દેસાઈ સામે તે વખતે આત્મહત્યાની દુષ્પ્રેરણા સંદર્ભે ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી હતી. હવે આ ઘટનામાં કૃણાલના પિતાએ આત્મહત્યા કરી લીધી છે જેમાં મૃતક ભૂમિ પંચાલના પિતા પ્રવિણ પંચાલ, માતા કવિતા પંચાલ, રમેશ પંચાલ અને ભુવાજી લક્ષમણ દેસાઈ નામના વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે. પોલીસે આ કેસમાં કૃણાલના પિતાએ લખેલી 7 પાનાની અંતિમચીઠ્ઠી કબજે કરી છે.
અંતિમચીઠ્ઠીમાં ઉલ્લેખ કર્યો છે કે, ભૂમિના સ્યૂસાઈડ કેસમાં સમાધાન માટે તેઓ ભૂમિના માતા પિતાને વાત થતાં તેઓ સહીત કુલ 4 લોકો તેમની પાસેથી 1 કરોડ રૂપિયાની માગણી કરતા હતા. આખરે 75 લાખમાં સમાધાન કરવાનું નક્કી કર્યું હતું. આ જ વર્ષે 5 જુલાઈ સુધી રૂપિયા આપી દેવાના હતા પરંતુ તેઓ આપી શક્યા નહીં. જેને કારણે ઈશ્વરભાઈને ફાંસીની સજા માટે તૈયાર રહેવાની ધમકી આપવા લાગ્યા હતા. આ અંગેનો પણ તેમણે પોતાની સ્યૂસાઈડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો.








