Wednesday, April 22, 2026
HomeBusinessશિયાળુ દુરમ વ્હાઈટ ઘઉંના ભાવ જુલાઈ ૨૦૨૪ની ઉંચાઈએ પહોચી ગયા

શિયાળુ દુરમ વ્હાઈટ ઘઉંના ભાવ જુલાઈ ૨૦૨૪ની ઉંચાઈએ પહોચી ગયા

- Advertisement -

ભારત, ઓસ્ટ્રેલીયા, આર્જેન્ટીનામાં લણણી સમયે સમસ્યા સર્જાશે તો ભાવ વધારાને નવી હવા મળશે

ભારતમાં કમોસમી વરસાદ અને કરાને લીધે રવિ ઘઉની આવક અને પ્રાપ્તિ ખુબ ધીમી

ઇબ્રાહિમ પટેલ (નવજીવન ન્યૂઝ.મુંબઈ): આખા વિશ્વમાં ઘઉં પાક માટે નકારાત્મક હવામાન, ઈરાન યુધ્ધને લીધે ખાતરની ઉપલબ્ધિમાં ઘટાડો, અને દરિયામાં ઉદ્ભ્વનારી આગામી અલ-નીનો ઘટનાએ ભાવને તેજીના પાટે ચઢાવી દીધા છે. આ બધા મુદ્દાઓ આગામી લણણીની મોસમ પર પણ પ્રભાવ પાડશે. ગત સપ્તાહે શિકાગો મર્કન્ટાઇલ એક્સચેન્જ પર જુલાઈ ઘઉં વાયદો, છેલ્લા બે મહિનામાં સૌથી મોટો પાંચ ટકાનો સાપ્તાહિક ઉછાળો દાખવતો હતો. અમેરિકન વાવેતર વિસ્તારમાં નકારાત્મક હવામાન અને ઈરાન યુદ્ધની શાંતિ મંત્રણા ઘોંચમાં પડવાના ભયે આ વાયદો સોમવારે વધુ ઉંચે ૬.૧૦ ડોલર પ્રતિ બુશેલ (૨૫.૨૧૬ કિલો) બોલાઈ, મંગળવારે ૬.૦૮ ડોલર ટ્રેડ થયો હતો. ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલીયા, યુરોપ, અને કાળા-સમુદ્રનાં દેશમાં અત્યારે દુષ્કાળ અને સુકા હવામાનની સ્થિતિ છે, જેણે પુરવઠા સ્થિતિને ભયમાં મૂકી છે.

શિયાળુ દુરમ વ્હાઈટ ઘઉંના ભાવ તો જુલાઈ ૨૦૨૪ની ઉંચાઈએ પહોચી ગયા છે. અલબત્ત, જાગતિક બજારમાં હાલમાં માલભરાવો વધુ જણાતો હોઈ, તેજીની વર્તમાન દોડને બ્રેક લાગે તેવી શક્યતા છે. જો કે ભારત, ઓસ્ટ્રેલીયા, આર્જેન્ટીનામાં લણણી સમયે જો કોઈ સમસ્યા સર્જાશે તો ભાવ વધારાને નવી હવા મળશે. શક્યતા એવી પણ છે કે ઓસ્ટ્રેલીયામાં ૨૦૨૬/૨૭ની મોસમમાં ઘઉંનું એકરેજ વાવેતર સાતવર્ષના સૌથી નીચા સ્તરે જાય. આનું કારણ છે, ખાતર અને ઉર્જાની અછતે વધેલા ઉત્પાદન ખર્ચ કરતા ભાવ નીચા હોઈ, વાવેતરના સંયોગો નબળા પડી શકે છે. ઘઉંના મહત્વના ઉત્પાદક દેશોમાં ગણના પામતા યુરોપમાં પ્રવર્તતો દુષ્કાળ અને કાળા સમુદ્રના કેટલાંક દેશમાં સુકું હવામાન ઘઉંના પુરવઠા બાબતે ચિંતા ઉપજાવે તેવા છે.

- Advertisement -

યુક્રેનમાં ડિસેમ્બર ૨૦૨૫મા આગામી વર્ષ ૨૦૨૬ના ઘઉં પાકનો અંદાજ, ૨૩૯ લાખ ટન મુકવામાં આવ્યો હતો, હવે આ આંકડો ૨૩૫ લાખ ટન મુકવામાં આવે છે. ભારતમાં માર્ચ એપ્રિલમાં બજાર થતા શિયાળુ (રવિ) ઘઉં પાકનું ૨૦૨૬નું અનુમાન, ૨૦૨૫ વર્ષ કરતા સહેજ વધુ ૧૧૩૫થી ૧૧૪૦ લાખ ટન મુકવામાં આવ્યું હતું. પણ કામોસમી વરસાદ અને બરફના કરા પડવાને લીધે, મંડીઓમાં આવકોની ગતિ ધીમી પડી ગઈ હોવાથી આ અનુમાનને પહોચી શકાય તેમ નથી. ભારત સરકારનો આ અંદાજ ૧૨૦૦ લાખ ટન છે, જે વધુ પડતો માનવામાં આવે છે. વેપારીઓ એવું માને છે કે ઉત્તરના રાજ્યોમાં ઉપજ-ઉતારા (યીલ્ડ) નબળા રહેવાની ધારણા પર પાકના અંદાજો ઘટાડવામાં આવ્યા છે. સરકારે વર્તમાન મોસમ માટે ઘઉના લઘુત્તમ ટેકાના ભાવ, ક્વિન્ટલ (૧૦૦ કિલો) દીઠ રૂ. ૨,૫૮૫ ઠરાવ્યા છે.

૧ એપ્રિલથી શરુ થયેલી ભારતીય ઘઉં મોસમમાં અત્યાર સુધીમાં આવકો ૩૪.૭૪ લાખ ટન થઇ ગઈ છે, પણ ઘઉં પ્રાપ્તિના ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડીયા (એફસીઆઈ)ના આંકડા કહે છે કે માત્ર ૧૫.૩ લાખ ટન જ સરકારી ખરીદી થઇ શકી છે. ૨૦૨૫-૨૬ની રવિ મોસમમાં બરાબર આ જ સમયે આવકો ૯૨.૭૨ લાખ ટન અને એફસીઆઈની પ્રાપ્તિ ૫૦.૦૮ લાખ ટન થઇ હતી. ભારત સરકારે ૨૦૨૬-૨૭ની વર્તમાન રવિ મોસમ માટે ૩૦.૩ લાખ ટન ઘઉં પ્રાપ્તિનો લક્ષ્યાંક રાખ્યો છે. રાજસ્થાનમાં ૧૦ માર્ચ ૨૦૨૬થી સરકારી ઘઉં ખરીદી શરુ થઇ ગઈ હતી, પંજાબ, મધ્યપ્રદેશમાં ૧ એપ્રિલથી શરુ થઇ હતી.

(અસ્વીકાર સુચના: commoditydna અને ઇબ્રાહિમ પટેલ દ્વારા કરાયેલ આ એનાલીસીસ માત્ર શૈક્ષણિક હેતુ માટે જ છે. ઈન્ટેલીજન્ટ વાંચકોને વિનંતી છે કે તેઓ કોઈ નવા સોદા કે પોઝીશન સ્થાપિત કરે, તે અગાઉ પોતાની વિવેક બુદ્ધિથી બજારનું આકલન કરે.)

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular