નવજીવન ન્યૂઝ. વિસનગર: આગામી ટુંકા દિવસોમાં ભાજપે પાલીકા-પંચાયતમાં પોતાનાં મેયર અને પ્રમુખ બદલવાની કવાયત હાથ ઘરી છે. જે માટે કલેક્ટરે રોટેશન મુજબ મહીલા, સામાન્ય કે અનામત સીટો જાહેર કરી દીધી છે. તે માટે ભાજપે જીલ્લા કક્ષાએ સેન્સ પ્રકીયા પણ શરૂ કરી છે. નિમણૂક કરવામાં આવેલા નિરીક્ષકો દાવેદારોની પેનલ તૈયાર કરીને પ્રદેશ કક્ષાએ રિપોર્ટ સોંપશે અને પ્રદેશ પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં દાવેદારો પર આખરી મહોર લાગશે. તેવામાં મહેસાણાના (Mehsana) વિસનગરમાં (Visnagar) આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના હોમ઼ ટાઉનમાં તાલુકા પંચાયત પ્રમુખને લઈને સમસ્યા ઉભી થઈ છે. વિકાસ કમિશ્નરે સ્થાનિક સ્વરાજની અનામત કેટેગરી જાહેર કરતા વિસનગર તાલુકા પંચાયતમાં (Visnagar Taluka Panchayat) પ્રમુખ અનુસુચિત જાતિની મહિલા હવે અઢી વર્ષના બીજા તબક્કા માટે તાલુકા પ્રમુખ બનશે. હાલ ભાજપના 17 સભ્યોની બહુમતી હોવા છતા કોંગ્રેસના મહિલા સભ્યને ફરજીયાત પ્રમુખ પદ આપવાની નોબત આવી છે. જેને લઈને ભાજપ કે આરોગ્ય મંત્રીના હોમટાઉનમાં કોકડુ ગુંચવાયુ છે.
સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં પ્રમુખની પ્રથમ અઢી વર્ષની ટર્મ પુરી થતી હોવાથી ચુંટણી પંચે તેની તૈયારીઓ પૂર્ણ કરી દીઘી છે. આગામી 15 સપ્ટેમ્બરના રોજ પ્રમુખ અને ઉપપ્રમુખની ચુંટણી પ્રક્રિયા થવાની હોવાથી વિસનગર તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ મેળવવા લોબીંગ શરૂ થઈ ગયું હતું. હાલમાં રહેલા તાલુકા પંચાયતના પ્રમુખ સુમિત્રા પટેલની મુદત પુરી થતી હતી. આથી બીજા અઢી વર્ષની ટર્મ માટે પટેલ સમાજના પ્રમુખ બને તેવી પુરેપુરી શક્યતા જણાતી હતી. જેમાં સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન અંકિત પટેલ, ઉદલપુરના બાવન કડવા પાટીદાર સમાજના સદસ્ય મુકેશ પટેલ અને જેતલવાસણા સીટના બીપીન પટેલ 6 મહિનાથી પ્રમુખ પદ મેળવવા માટે દોડધામ મચાવી હતી. તેમજ વિસનગરના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી ઋષિકેશ પટેલ સામે પોતાની દાવેદારીનો નોંઘાવી રહ્યા હતા.
તેવામાં વિકાસ કમિશ્નરે પ્રમુખ પદ માટે જાહેર કરેલા રોટેશનમાં વિસનગર તાલુકા પંચાયત પ્રમુખની સીટ અનુસુચિત જાતિ મહિલા માટે અનામત ફાળવવામાં આવી હતી. હવે તાલુકા પંચાયતમાં અઢી વર્ષના બીજા તબક્કાના પદ માટે અનુસૂચિત જાતિની મહીલા ઉમેદવાર અનામત જાહેર થઈ છે. પરતું ભાજપની 17 સીટોમાં એક પણ અનુસૂચિત જાતિના મહીલા સભ્ય નથી. જો વાત વિસનગર તાલુકા પંચાયતની સીટોની કરીયે તો, કુલ 24 સીટો પૈકી ભાજપની 17, કોંગ્રેસની 6 અને આપની 1 સીટ છે. આ કુલ 24 સીટોમાંથી કોંગ્રેસ પાસે જ એક અનુસૂચિત જાતિના મહીલા સભ્ય છે, આથી હવે કોગ્રેસને તેનો ફાયદો થશે અને ભાજપ પાસે બહુમતી હોવા છતાં વિસનગર તાલુકા પંચાયતનું પ્રમુખ પદ ગુમાવવું પડશે.
નવા રોટેશન જાહેર થતા અત્યારે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે. હવે ભાજપ પાસે અનુસૂચિત જાતિના એક પણ મહિલા સભ્ય નહીં હોવાથી તાલુકા પંચાયતની પુદગામ સીટના કોંગ્રેસના મહિલા સદસ્ય પુષ્પા ચંદ્રેશકુમાર વણકર તાલુકા પંચાયતના બીનહરિફ પ્રમુખ બનશે.
પ્રશાંત દયાળનાં છ યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








