નવજીવન ન્યૂઝ. મુંબઈ: Maharashtra Politics : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર ઉથાલ-પથાલ જોવા મળી છે, ગઈકાલે NCP ના દિગ્ગજ નેતા અજિત પવારે (Ajit Pawar) શિંદે સરકારમાં સામેલ થઈ સૌ કોઈને ચોંકાવી દીધા છે. તેઓ શિંદે સરકારમાં જોડાતા જ તેમને નાયબ મુખ્યમંત્રીનું (Deputy CM) પદ પણ મળી ગયું હતું. એટલે કે શિવસેના બાદ હવે NCPમાં પણ બે ભાગ જોવા મળી રહ્યા છે. અજિત પવારની સાથે તેમના નજીકના ધારાસભ્યોને પણ મંત્રી પદમાં સ્થાન મળ્યું હોવાનું જાણવા મળ્યું છે. અજિત પવારે 30થી વધુ ધારાસભ્ય સાથે શિંદે સરકાર જોડાઈ જતા NCPમાં મોટું ભંગાણ સર્જાયું છે. જેના કારણે હાલ NCPમાં ‘એક સાંધે ત્યાં તેર તૂટે’ તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. અજિત પવારને ગઈકાલે રાજ્યપાલે નાયબ મુખ્યમંત્રીના શપથ લેવડાવ્યા હતા. તેઓ વિધાનસભાના વિપક્ષના નેતા હતા. પાર્ટીમાંથી ભત્રીજાએ બળવો કરતા શરદ પવાર (Sharad Pawar) માટે આ મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે.
અજિત પવારે NCPમાંથી અલવિદા કહેતા પાર્ટીના કાર્યકર્તાઓમાં તેમના અને તેમની સાથે ગયેલા ધારાસભ્યને લઈને ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે NCPના કાર્યકરોએ અજિત પવારની તસવીર પર કાળો કૂચડો મારી વિરોધ નોંધાવ્યો હતો. અજિત પવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે, તેમણે રાષ્ટ્ર હિત અને મહારાષ્ટ્રના વિકાસની પ્રગતિને ધ્યાનમાં રાખીને તેમણે વિકાને સમર્થન કર્યું છે. જેના કારણે તેમને તમામ પાર્ટીઓનું સમર્થન મળ્યુ છે. અજિત પવારે કહ્યું હતું કે, અમારી સાથે તમામ ધારાસભ્યોનો સહકાર છે.
છેલ્લા ઘણાં સમયથી અજિત પવાર પાર્ટીના નેતૃત્વથી નારાજ ચાલી રહ્યા હતા, NCPના સ્થાપના દિવસની ઉજવણીમાં પ્રમુખ શરદ પવારે મોટી જાહેરાત કરી હતી. શરદ પવારે તેમની પુત્રી સુપ્રિયા સુલે અને પાર્ટીના ઉપાધ્યક્ષ પ્રફુલ પટેલને કાર્યકારી પ્રમુખ તરીકે જાહેર કર્યા હતા. જ્યારે ભત્રીજા અજિત પવારને લઈને કોઈ જાહેરાત કરવામાં આવી ન હતી, જેના પગલે તેઓ ઘણાં નારાજ થયા હતાં. બીજી તરફ શરદ પવાર અને રાહુલ ગાંધીની વધી રહેલી નજીકતાને લઈને પણ તેઓ નારાજ ચાલી રહ્યા હતા. જેના કારણે તેમણે શિંદે સરકાર સાથે બંધ બારણે બેઠક કરી બગાવતી શૂર આલાપ્યા છે. અજિત પવારે સાથે છગન ભૂજવલ, દિલીપ વાલ્સે પાટીલ, હસન મુશરફ, ધનંજ્ય મુંડે, ધર્મરાવ બાબા આત્રરામ, અદિતિ તટકરે, સંજય બંસોદે સહિતના NCP ધારાસભ્ય જોડાયા છે.
દેશમાં આગામી લોકસભાની ચૂંટણી પહેલા એકનાથ શિંદેના માસ્ટર સ્ટ્રોકથી શિવસેના વધુ મજબૂત બનાવી દીધી છે. ગઈકાલે થયેલા ઉલટફેરથી ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને શરદ પવારની NCP માટે હવે ફરીથી સત્તામાં આવવા લોઢાના ચણાં ચાવવા જેવી સ્થિતિ બની છે. હાલ NCP પાસે 22 આસપાસના ધારાસભ્યો બચ્યા છે. જે લોકસભાની ચૂંટણી સમય સુધી જાળવી રાખવા NCP માટે એક મોટો પડકાર હશે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








