Rajkot baby murder case reconstruction by Police: રાજકોટના કુવાડવા રોડ પર આવેલી એક સોસાયટીમાં 12 ઑક્ટોબરે સવા બે વર્ષની બાળકીનું પાંચમા માળેથી નીચે પટકાતાં મોત થયું હતું. શરૂઆતમાં બાળકીનું મોત અકસ્માતે થયું હોવાનું માનવામાં આવતું હતું, પોલીસ પાસે જ્યારે આ મામલો પહોંચ્યો ત્યારે માતા ખુબ રડતી હતી અને તેના પર કોઈને શંકા જાય જ નહીં તેવી એની એક્ટિંગ હતી પરંતુ જ્યારે આ ઘટનાનું સત્ય પોલીસ સામે આવ્યું ત્યારે માતાએ કેમ આ બાળકને નીચે ફેંકી દીધું તેનું કારણ જાણી સહુ પોલીસ સહીત લોકોમાં પણ આવી માતા પર ફીટકારનો ભાવ જન્મ્યો. પોલીસને સવાલ ત્યારે થયો જ્યારે તે બાળકી જ્યાંથી પડી તે સ્થાન પર તેમણે 4 ફૂટની દીવાલ જોઈ અને સવાલ થયો કે 2 વર્ષની બાળકી આટલી ઊંચી દીવાલ કેવી રીતે કૂદી શકે?
પોલીસ તપાસમાં તેની માતા મનીષા સામે જ બાળકીને નીચે ફેંકી દેવાનો આરોપ સામે આવ્યો છે. બાળકીના મોત બાદ માતા રડીને બેહોશ થઈ ગઈ હોવાનો ઉલ્લેખ પણ સામે આવ્યો હતો, જોકે તપાસ દરમિયાન પોલીસને ઘટનાને લઈને શંકા જતાં વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
બાળકીના પિતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમના લગ્ન બે વર્ષ પહેલાં થયાં હતાં અને ત્યારબાદ દીકરીનો જન્મ થયો હતો. શરૂઆતમાં લગ્નજીવન સામાન્ય હતું, પરંતુ વર્ષ 2024માં તેમના પિતાનું અવસાન થયા બાદ તેમનો કુરિયરનો વ્યવસાય છૂટી ગયો હતો. ત્યારબાદ પતિ-પત્ની વચ્ચે નાની-મોટી બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા. ઝઘડા વધતાં મનીષા આશરે દોઢ વર્ષ પહેલાં પોતાના પિયર જતી રહી હતી. પતિએ કુટુંબીજનો અને સમાજના આગેવાનો મારફતે તેને પરત લાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તે આવવા તૈયાર નહોતી. પિતાના જણાવ્યા અનુસાર, જ્યારે પણ તેઓ દીકરીને પોતાની પાસે મોકલવાની વાત કરતા ત્યારે મનીષા તેને મારી નાખવાની, પરંતુ પિતાને નહીં જ સોંપવાની વાત કરતી હતી.
ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, મનીષાના માતા-પિતા પણ તેને બીજા લગ્ન કરવા માટે દબાણ કરતા હતા. બાળકીને પોતાની સાથે નવા લગ્નજીવનમાં લઈ જવી પડે અને તેના ભરણપોષણની જવાબદારીનો પ્રશ્ન ઊભો થાય. સારા માગા નહીં મળે તેવી પણ તેને ચિંતા થતી હતી. બાળકને આમ તે પોતાનું નહીં પણ પોતાની સમસ્યા ગણવા લાગી હતી. આવી ચિંતાને કારણે મનીષાએ બાળકીને પાંચમા માળેથી ફેંકી દીધી હોવાનો આરોપ છે. જોકે, આ ઘટનામાં માતા સામેના આરોપો અને તપાસના તારણો અંગે અંતિમ ન્યાયિક નિર્ણય આવ્યો હોવાની માહિતી આપવામાં આવી નથી.
પોલીસે ઘટનાની તપાસ આગળ વધારતાં મનીષાને સોસાયટીમાં તે સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જ્યાંથી બાળકી નીચે પટકાઈ હતી. પોલીસ દ્વારા રેતી ભરેલી બેગનો ઉપયોગ કરીને ઊંચાઈ પરથી પડવાની પરિસ્થિતિનું પુનર્નિર્માણ કરવામાં આવ્યું હતું. બાળક જાતે નીચે પડે અને કોઈ તેને ફેંકે તો બંને પરિસ્થિતિમાં શું તફાવત હોઈ શકે તે જાણવા FSLની ટીમે પણ તપાસ કરીને રિપોર્ટ તૈયાર કર્યો હોવાનું જણાવાયું છે. આ કેસમાં રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. હવે આ કેસમાં આગામી સમયમાં મનિષાએ જે નવા જીવનના સપના જોઈને પોતાના સંતાનનો જીવ હણી લીધો તેને લાંબો સમય જેલમાં પણ વિતાવવો પડી શકે છે અને આ કારણે તેને ભવિષ્યમાં કોઈ સારા માગા આવે છે કે નહીં તેના પર પણ પ્રશ્નાર્થ મુકાઈ ગયો છે.
રાજકોટમાં બાળકને પાંચમાં માળેથી ફેંકી માતાએ નાટક રચ્યું, જીંદગીની નવી શરૂઆત હવે જેલમાં થશે
👇🏻








