નવજીવન ન્યૂઝ. દીવ: ગુજરાતમાં દારૂબંધી હોવાના કારણે મોટા ભાગનો વર્ગ દારૂ પીવા માટે ગુજરાતની નજીક આવેલા સંઘ પ્રદેશ એવા દીવ અને દમણ જતાં હોય છે. પરંતુ હાલના સમયમાં જો દારૂ પીવા માટે થઈને દીવ જવાનું આયોજન કર્યું હોય તો પસ્તાવાનો વારો આવી શકે છે. જો આજથી ત્રણ દિવસ માટે દીવ જવાનો પ્લાનિંગ કર્યું હશે તો તમને ત્રણ દિવસ દારૂની મહેફિલ નહીં કરી શકો.
દીવમાં આજથી આગામી ત્રણ દિવસ એટ્લે કે 5થી 8 જુલાઇ સુધી દારૂબંધી લગાવવામાં આવી છે. દીવમાં નગરપાલિકાની ચૂંટણી હોવાના કારણે તંત્ર દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી દીવમાં આગામી ત્રણ સુધી દારૂનું વેચાણ થશે નહીં. વાઇન શોપ ત્રણ દિવસ સુધી બંધ રાખવામાં આવશે. દીવમાં ચૂંટણી હોવાના કારણે આચાર સંહિતા લાગુ કરવામાં આવી છે.
દીવ નગરપાલિકાની સામાન્ય ચૂંટણીમાં 7 જુલાઈએ મતદાન થશે. જ્યારે 9 જુલાઈએ મતદાનનું પરિણામ જાહેર કરવામાં આવશે. દીવ નગરપાલિકામાં 13 વોર્ડમાં ચૂંટણી થશે. આ ચૂંટણીમાં કુલ 19443 જેટલા મતદારો મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે દીવમાં દર વખતે ચૂંટણી સમયે દારૂબંધી રાખવામાં આવે છે. જેનું ફરજિયાત પણ પાલન કરવવામાં આવે છે.