કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):“આપણે ક્યાં રોકાણ કર્યું છે અને કયા શૅર દ્વારા અપેક્ષા મુજબ ફાયદો થયો છે – એ વાત ભલે આપણે અતિશોયક્તિથી કરીએ, પરંતુ બિનજરૂરી ખર્ચ કરવાની ટેવ, જેમ કે આપણે દિવસમાં બે વાર મોંઘી કૉફી કેમ પીએ છીએ. તેની ચર્ચા કરવાની આપણે તસ્દી લેતા નથી. રોકાણને લઈને આપણી ચિંતા આપણું પોતાનું વધતાં વજન જેવી છે. આપણે એ વાત પર ધ્યાન નથી આપતા કે રોકાણ અને સંતુલિત આહાર આપણી રોજબરોજની આદતમાં સમાવિષ્ટ થઈ જાય. પરંતુ જ્યારે આપણું વજન ખૂબ વધી જાય અથવા તો બેંક બેલેન્સ ખૂબ ઘટે, ત્યારે જ આપણે તે વિશે વિચારવાનું શરૂ કરીએ છીએ.” – પૈસા વિશે મુદ્દાની આ વાત લખનાર છે ઉદ્યોગ સાહસિક અને ઇન્ફોસિસના સહસ્થાપક નંદન નિલેકાણી (Nandan Nilekani) છે. મોનિકા હાલન લિખિત ‘લેટ્સ ટોક મની : યૂ વર્કડ હાર્ડ ફોર ઇટ, નાઉ મેક ઇટ વર્ક ફોર યૂ’ નામના પુસ્તકમાં નંદન નિલેકાણીએ આ ભૂમિકા બાંધી છે. ‘લેટ્સ ટોક મની…’ના લેખિકા મોનિકા હાલન (Monika halan) વ્યક્તિગત આર્થિક બાબતો વિશે લખીને વાસ્તવિકતાનો પરિચય કરાવવા માટે જાણીતા છે. મોનિકા આર્થિક બાબતો વિશે લખતા રહ્યા છે, તેઓ વક્તા છે અને ‘લેટ્સ ટોક મ્યૂચ્યુઅલ ફન્ડ’ અને ‘લેટ્સ ટોક લિગસી’ જેવાં તેમના પુસ્તકો બેસ્ટ સેલિંગ કેટેગરીમાં આવે છે.
સામાન્ય લોકોના આર્થિકચક્ર સરળતાથી ચાલી શકે તેવી ઉપયોગી વાતો મોનિકા હાલને લખી છે અને એટલે જ તેમના આ પુસ્તકની કૉપી એક લાખથી વધુ વેચાઈ ચૂકી છે. આ પુસ્તક પ્રકાશિત થયાને પાંચ વર્ષથી વધુ થયા છે પરંતુ મોનિકા હાલનનો પ્રસિદ્ધિ ગ્રાફ હવે ધીરે ધીરે ઊંચકાઈ રહ્યો છે. ‘લેટ્સ ટોક મની…’ પુસ્તકના પ્રથમ પ્રકરણ ‘ધ મની ઓર્ડર’માં તેઓ લખે છે : “વાસ્તવમાં આપણે જીવનભર એવું વિચારીએ છીએ કે આપણે પોતાના પૈસાનું યોગ્ય રોકાણ કર્યું નથી. આ અપરાધભાવ આપણને એ વિચારવા પર મજબૂર કરી દે છે કે સંભવત્ આપણી બચત યોગ્ય રીતે રોકાણ નથી કરી રહ્યા. એકલતામાં આ વિચાર આપણને વધુ ડરાવે છે. આપણે વિચારવા લાગીએ છીએ કે આપણે રોકાણથી વધુ લાભ કમાવી શકતા હતા. આપણે બાળકો માટે પૂરતા નાણાંની બચત કરી નથી. એ ઉપરાંત એ પણ ભય આપણને સતાવે છે કે વૃદ્ધાવસ્થામાં માતા-પિતાની સંભાળ માટે પૂરતા પૈસા આપણી પાસે હશે કે નહીં? કોઈ કટોકટીમાંથી કેવી રીતે નિકળીશું? આવું વિચારી વિચારીને આપણે રોકડ નાણાં ઘરમાં મૂકીએ છીએ. આ રોકડ વધતી જાય છે. આ જોઈને કોઈ એક રોકાણકાર આવીને આપણી સામે વધુ ને વધુ પૈસા કમાવવાની આકર્ષક યોજનાઓ મૂકે છે. ધ્યાન રાખજો. તે તમારી ચિંતાઓ અને અપરાધબોધને સારી રીતે જાણે છે. તમારી આ મનોસ્થિતિનો લાભ ઊઠાવીને – એવી યોજનાઓ તમારી સામે મૂકે છે કે તમે તેની જાળમાં ફસાઈ જાઓ છો. તમારા પૈસાને એ પોતાના લાભના હિસાબથી કેટલીક યોજનાઓમાં મૂકી દે છે. પછી થાય છે શું? આખરે તમને ખબર પડે છે કે તમારું રોકાણ નિષ્ફળ ગયું છે અને બૅંક કે ફિક્સ્ડ ડિપોઝિટથી પણ ઓછા લાભ તમને મળ્યા છે.”
પૈસાને લઈને મહદંશે માર્કેટમાં લોભામણી યોજનાઓ મૂકાય છે. પૈસા અંગે કશુંક લખાય છે ત્યારે પણ તેમાં – ઓછા સમયમાં વધુમાં વધુ કેવી રીતે કમાવવા – તે જ પિરસવામાં આવે છે. પણ મોનિકા હાલન વાચકોને વાસ્તવિકતાથી નજીક રાખવા માંગે છે અને તે માટે તેમણે સામાન્ય લોકોને લાગુ પડે તેવા દાખલાઓ મૂક્યા છે. તેમણે એટલે પુસ્તકના પ્રથમ પ્રકરણમાં એવું લખ્યું છે કે, “આ પુસ્તક તમને ઝડપથી શ્રીમંત બનવાના નુસખા નથી આપતું.” તદ્ઉપરાંત તેમણે માર્કેટની કેટલીક મર્યાદાઓ પણ દર્શાવી છે, જે ગ્રાહકોને છેતરે છે. તેઓ લખે છે : “આજકાલ ‘ખરીદદાર સાવધાન રહો’નો નારો બુલંદ છે. તમે યોગ્ય સ્થાને રોકાણ કરો છો કે નહીં તેની જવાબદારી તમારા પર નાંખવામાં આવી છે. બજારનું નિયંત્રણ કરનારાઓએ આ જવાબદારી તમારા પર નાંખી છે. આ કેટલું હાસ્યાસ્પદ છે. આ બાબતને એક ઉદાહરણ દ્વારા સમજીએ. તમે કાર ખરીદવા જાઓ છો અને ત્યાં તમે એવું પૂછશો કે કાર પૂરી રીતે સુરક્ષિત છે કે નહીં? ત્યારે કાર વેચનાર કારનું બોનટ ઉઠાવીને તમને એવું કહશે કે તમે જ આ વિશે ખાતરી કરી લો.”
તેઓ એક અન્ય પ્રકરણમાં કટોકટી વખતની બચત વિશે વાત કરે છે. મોનિકાનો અનુભવ છે કે લોકો લાંબાગાળાના રોકાણથી ડરે છે. આ ડર છે તેનું કારણ એક જ કે કોઈ કટોકટીની સ્થિતિ આવશે તો શું થશે? જો તે સમયે પૈસા લાંબા ગાળના રોકાણમાં લાગ્યા હશે તો કટોકટીની વેળાએ તેનો ઉપયોયગ થઈ નહીં શકે. એટલે લોકો પૈસા બેંક અથવા એવા વિકલ્પમાં રોકાણ કરે છે જ્યાં જરૂરિયાત વેળાએ પાછા મેળવી શકાય. હવે મોનિકા લખે છે : “આ ડર વાજબી છે. આપણી સૌની સામે આવી સ્થિતિ આવે છે, જ્યારે આપણને અચાનક પૈસાની જરૂરિયાત પડે. આવી સ્થિતિ માટે પૈસા બચાવીને રાખવા શક્ય છે. સાથે પોતાની આવકને પણ ભવિષ્ય માટે બચાવીને રાખી શકાય.” હવે સવાલ એ આવે છે કે કટોકટી માટે કેટલી રકમ બચાવીને રાખવી. તેના તર્ક સાથે મોનિકા લખે છે કે, “સામાન્ય નિયમ મુજબ છ મહિનાના ખર્ચ જેટલી રકમ કટોકટી ભંડોળમાં રાખવી જોઈએ. ઘર ખર્ચનો અર્થમાં તમામ બાબત આવે છે. જેમ કે, ભાડું, ઇ.એમ.આઈ. સ્કૂલ ફી, રોજબરોજનો ખર્ચ વગેરે. આપણે જો આપણા મહિનાના ખર્ચનું આયોજન કર્યું હોય તે મુજબ છ ગણી રકમ કટોકટી ભંડોળ માટે રાખવી જોઈએ.” આ પૈસા રાખવા ક્યાં તે માટે પણ મોનિકા સૂચન કરે છે અને તેમના મુજબ પૈસા સેવિંગ્સ ખાતામાં ન રાખવા જોઈએ જ્યાંથી તમે તેને સરળતાથી ઉપાડી શકો. તેઓ કટોકટી ભંડોળને ફિક્સ્ડ ડિપોઝિટમાં રાખવાની સલાહ આપે છે. આ ઉપરાંત તેઓ મ્યૂચ્યુઅલ ફંડમાં પણ રોકાણ કરવાની સલાહ આપે છે, જોકે તેમાં એક શરત જોડે છે કે તે વિશે પૂરતી માહિતી હોવી જોઈએ.
આપણે પૈસાના બચતના કન્સેપ્ટને સારી રીતે જાણીએ છીએ. તે માટે સોના ખરીદવાથી માંડિને, ફિક્સ્ડ ડિપોઝિટ કરવી અને રોકડ બચત કરીએ છીએ. પરંતુ આ બચતને સમયસર કેવી રીતે ઉપયોગ કરવો, તે બચતને યોગ્ય સ્થાને કેવી રીતે રોકવી તેને લઈને મહંદશે જાગ્રતતા નથી. આ કિસ્સામાં આસપાસના લોકોના વાતો સાંભળીને રોકાણ કરવામાં આવે છે અને આવા રોકાણમાં લાભ થાય છે તો તેમાં રોકાણ કરનારનું કોઈ વિશેષ યોગદાન હોતું નથી. આને લઈને મોનિકા હાલને પુસ્તકમાં સ્વાસ્થ બાબતે થતા ખર્ચને લઈને આખું પ્રકરણ લખ્યું છે. તેઓ માને છે કે તમારા પૈસાને સુરક્ષિત રાખવા માટે સ્વાસ્થ્ય વીમો હોવો જરૂરી છે. જોકે તેઓ લખે છે કે યોગ્ય સ્વાસ્થ્ય વીમા માટે તેની તપાસ કરવી જરૂરી છે. સ્વાસ્થ્ય વીમા કેવા કરાવવા જોઈએ તે માટે પણ લેખિકાએ પૂરતી વિગતો આપી છે. જેમ કે તેઓ એક ઠેકાણે લખે છે કે, આ અંગે દિલ્હી, મુંબઈ કરતાં દક્ષિણના રાજ્યોની હોસ્પિટલ પર વધુ ભાર મૂકે છે. તેમના મુજબ કે દિલ્હી કરતા દક્ષિણના રાજ્યોમાં સ્વાસ્થ્યનો ખર્ચ સરખામણીએ ઓછો આવે છે. એટલે સ્વાસ્થ્ય વીમો કરાવવી વેળાએ હંમેશા તમારે વિચારવાનું છે કે તમે કેવાં પ્રકારની સ્વાસ્થ્ય સુવિધાની અપેક્ષા રાખો છો? જેમ કે દિલ્હીના એક ટોપ કહી શકાય તેવા હોસ્પિટલમાં ડિલક્સ રૂમનું ભાડું દસ હજાર સુધીનું છે, જ્યારે તેનાથી નીચલા સ્તરની કોઈ હોસ્પિટલમાં તે ખર્ચ ચોથા ભાગનો થઈ જાય છે. હેલ્થ પોલિસી માટે પણ તેઓ ‘ફેમિલિ ફ્લોટર’ પોલિસીના લાભ વધુ ગણાવે છે.
આવી નાની નાની અનેક બાબતો છે, જેને આપણે રોજબરોજના જીવનમાં નજરઅંદાજ કરીએ છીએ. તેના પર થોડું ધ્યાન રાખીએ તો મસમોટી મુસિબતોમાંથી પણ માર્ગ નીકળી શકે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796