Thursday, April 30, 2026
HomeGujaratBREAKING: જૂનાગઢમાં કથિત લઠ્ઠાકાંડ, ચૂંટણી પ્રચારમાં દારૂબંધીના બણગા ફૂંકતી સરકાર માટે મુશ્કેલી...

BREAKING: જૂનાગઢમાં કથિત લઠ્ઠાકાંડ, ચૂંટણી પ્રચારમાં દારૂબંધીના બણગા ફૂંકતી સરકાર માટે મુશ્કેલી વધશે કે શું?

- Advertisement -

મિલન ઠક્કર (નવજીવન ન્યુઝ. જૂનાગઢ): ચૂંટણી પ્રચાર પૂરો થવાના આરે છે અને મતદાનને હવે લગભગ ત્રણ જ દિવસ બાકી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં કથિત લઠ્ઠાકાંડ (Junagadh Latthakand)ના સમાચાર સામે આવી રહ્યા છે. બરવાળામાં થયેલા લઠ્ઠાકાંડ (Barvala Latthakand)નો ભોગ બનેલા પરિવારમાં હજી તો માતમનો માહોલ શમ્યો નથી ત્યાં જૂનાગઢમાં ફરી એક લઠ્ઠાકાંડની શક્યતા ઊભી થઈ છે. સૂત્રોએ આપેલી માહિતી મુજબ સોમવારની રાતે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ચાર દર્દીને લાવવામાં આવ્યા હતા. તે તમામની ફરિયાદ એક સરખી જ હતી કે, તેમને ઉલટીઓ ખૂબ થાય છે. તેમાંથી બે વ્યક્તિના મૃત્યુ થયા હોવાની પણ જાણકારી સૂત્રો પાસેથી મળી રહી છે. બીજા બે દર્દી હાલ સારવાર હેઠળ છે. તેઓના ડોક્ટરી રિપોર્ટ સામે આવે પછી જ નક્કર હકીકત સુધી પહોંચી શકાય.

પ્રાપ્ત વિગતો અનુસાર અન્ય દર્દીઓ પણ આવી રહ્યા છે. જેમની તકલીફ પણ આવી જ છે. જોકે આ મામલે જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ડૉ. સોલંકી અને નયના મેડમ સાથે ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પણ કોઈ કારણસર તેઓ ઉપાડી રહ્યાં નથી. અમારા સ્થાનિક પત્રકાર શૈલેષ નાઘેરાને બનાવની જાણ થતા તેઓ સિવિલ હોસ્પિટલ પહોંચી ગયા હતા. પરંતુ સિવિલના અધિકારીઓ તેમ,જ પોલીસ કર્મચારીઓ દ્વારા તેમને સિવિલમાં પ્રવેશ આપવામાં આવ્યો નહિ અને જણાવ્યું હતું કે, પત્રકારોને પ્રવેશ કરવાની ઉપરથી મનાઈ છે.

- Advertisement -

વધુ વાંચો- સુરેન્દ્રનગરમાં સ્મૃતિ ઈરાનીને મહિલાઓએ ભોંઠા પડવા જેવી સ્થિતિમાં મુક્યા

આ ઘટના પછી લોકોમાં એવી ચર્ચાએ પણ જોર પકડ્યું છે કે, ચૂંટણી પ્રચારમાં દારૂબંધીના બણગા ફૂંકતી સરકાર કદાચ આ ઘટનામાં પણ ભીનું સંકેલી લેવા માગતી હોય! અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર મહિના અગાઉ થયેલા બરવાળાના આવા જ કિસ્સામાં સરકાર ઘેરાઈ હતી. પછી ‘લઠ્ઠાકાંડ’ને ‘કેમિકલ કાંડ’ નામ પણ આપવામાં આવ્યું હતું અને લગભગ પંદર લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી.

ઈશ્વર ન કરે પણ, જો આ લઠ્ઠાકાંડ પણ ઘાતકી સ્વરૂપ ધારણ કરે તો ચૂંટણી સમયે સરકારનું પલ્લુ સત્તા બાજુ કે નાગરિકો બાજુ નમે છે એ જોવું રહ્યું. ચૂંટણીમાં સરકાર પર લઠ્ઠાકાંડનું જોખમ ઝળુંબે છે, તેમ,જ મોરબીની દુર્ઘટના મામલે પણ સરકાર પર માછલા ધોવાય રહ્યાં છે ત્યારે સરકાર પણ જૂનાગઢ મામલે સતર્ક થયાના અહેવાલ મળી રહ્યા છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular