પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): બરવાળા લઠ્ઠાકાંડના મુદ્દે ગુજરાત સરકારે આકરું વલણ અપનાવી આ તપાસમાં આઈપીએસ અધિકારી નિર્લિપ્ત રાયને અને અમદાવાદ જિલ્લા લઠ્ઠાકાંડની જ્યોતિ પટેલને તપાસ સોંપતા તપાસનો ધમધમાટ અને અસરકારકતા વધી છે. 50થી વધુ લોકોના લઠ્ઠાકાંડમાં મોતને મામલે પોલીસે એમોસ કંપનીના માલિક કેમિકલ કિંગ સમિર પટેલને આરોપી બનાવી સદોષ મનુષ્યવધની આઈપીસી 304ની કલમ દાખલ કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે બરવાળા કોર્ટને પોલીસે રિપોર્ટ મોકલી 304ની કલમ ઉમેરવાની માગણી કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, સમિર પટેલ કેમિકલ કિંગ હોવાની સાથે પૂર્વ મંત્રીનો પુત્ર છે તેમજ અનેક રાજનેતાઓ સાથે તેની પ્રત્યક્ષ તથા પરોક્ષ ભાગીદારી છે. આમ રાજકીય વગ હોવા છતાં આમ નિર્લિપ્ત રાયે સમિર પટેલ પર હાથ નાખવાની હિંમત કરી છે.
બરવાળા લઠ્ઠાકાંડમાં દારુ હતો કે કેમિકલ તે મુદ્દે પોલીસ અને નશાબંધી આબકારી વિભાગ એક બીજા પર જવાબદારી ઢોળી રહ્યા છે પરંતુ આ મામલે તપાસ કરી રહેલા સ્ટેટ મોનિટરિંગ સેલ (એસએમસી)ના એસપી નિર્લિપ્ત રાયની તપાસમાં સ્પષ્ટ થયું હતું કે, બરવાળા પહોંચેલું મિથાઈલ આલ્કોહોલ એમોસ કંપનીમાંથી જ નિકળ્યું હતું. આ મામલે એમોસ કંપનીના માલિક સમિર પટેલનો પક્ષ મુકવાની તક આપવાના ભાગ રૂપે સમિર પટેલને સમન્સ પણ મોકલવામાં આવ્યું હતું, પરંતુ તે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો.
પોલીસને મળેલા પુરાવા અને નિવેદનોને આધારે નિર્લિપ્ત રાયે સમિર પટેલ દેશ છોડી ન દે તે માટે લુક આઉટ નોટિસ જાહેર કરવાની પણ અરજી આપી હતી. મિથાઈલ આલ્કોહોલ અત્યંત ઝેરી કેમિકલ હોવા છતા તે મામલે દાખવવામાં આવેલી ઈરાદા પૂર્વકની અથવા અજાણતા દાખવેલી બેદરકારીને કારણે 50 કરતા વધુ ગરીબોના મોત થતા તેમણે સમિર પટેલને આરોપી બનાવી સદોષ મનુષ્યવધની કલમ ઉમેરવાનો નિર્ણય કર્યો હતો. આ મામલે તેમણે બરવાળા કોર્ટને એક રિપોર્ટ પણ મોકલી આપ્યો છે.
નિર્લિપ્ત રાયે અમારા નવજીવન ન્યૂઝના સંવાદદાતા સાથે વાત કરતાં જણાવ્યું કે, હાલમાં સમિર પટેલને આરોપી બનાવ્યા છે અને અન્ય ડિરેક્ટર્સની ભૂમિકા તપાસવામાં આવી રહી છે. જો તપાસમાં તેમની સંડોવણી સામે આવશે તો તેઓને પણ આરોપી બનાવવામાં આવશે.








