નવજીવન ન્યૂઝ.કચ્છ: ગુજરાતના સરહદી જિલ્લા કચ્છમાં બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF) દ્વારા ગુરુવારે વહેલી સવારે હરામીનાળા વિસ્તારમાંથી દસ બોટમાં સવાર ચાર પાકિસ્તાની ઘુસણખોરોને ઝડપી લેવામાં આવ્યા છે. અગાઉથી મળેલા ઇન્ટેલ ઈનપુટ આધારે સંવેદનશીલ હરામીનાળામાં ઉભી કરવામાં આવેલી ટ્રાઈ જંક્શન પોસ્ટ પાસે સીમા સુરક્ષા દળના એક સ્પેશ્યલ એમ્બુશ ગ્રુપ બોર્ડર પોસ્ટ 1165 અને 1166 વચ્ચે તૈનાત હતું ત્યારે સવારના અંધારામાં ભારતમાં ઘૂસવાની પેરવી કરી રહેલા ઘુસણખોરોને દબોચી લેવામાં આવ્યા હોત.

ગુજરાત બીએસએફ ફ્રન્ટિયર તરફથી આપવામાં આવેલી સત્તવાર વિગતો પ્રમાણે, કચ્છની ઈન્ડો-પાક બોર્ડરે આવેલી બોર્ડર પોસ્ટ 1165 અને 1166 પાસે એક ખાસ એમ્બુશ દળ ગોઠવવામાં આવ્યું હતું. જૂન મહિનાની ટાઇડ દરમિયાન પાકિસ્તાની માછી,રો અહીંથી પ્રવેશ કરતા હોય છે એટલે બીએસએફ દ્વારા અગાઉથી અહીં જાપ્તો રાખવામાં આવ્યો હતો. દરમિયાન ગુરુવારે વહેલી સવારે પાકિસ્તાન તરફથી મુવમેન્ટ જોવામાં આવતા તેઓ એલર્ટ થઈ ગયા હતા. જેવા પાક માછીમારો કચ્છ બોર્ડરથી પ્રવેશ કર્યો કે તરત જ સીમા સુરક્ષા દળના જવાનોએ તેમને ઘેરી લીધા હતા. ચારે બાજુથી ઘેરાઈ ગયેલા પાકિસ્તાનીઓએ ભારતીય જવાનોને સરન્ડર થઈ ગયા હતા. ગાંધીનગર સ્થિત બીએસફના સેકન્ડ ઈન કમાન્ડ દ્વારા કરવામાં આવેલી સત્તાવાર જાહેરાત મુજબ પકડાયેલી 10 બોટ માછીમારીની છે. તેમજ ઝડપાયેલા ઘૂસણખોરો પાસેથી પ્રાથમિક તપાસમાં હાલ કશું જ મળ્યું નથી. તેમ છતાં તકેદારીના ભાગરૂપે સમગ્ર એરિયામાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે.
હાઈ ટાઇડ દરમિયાન થાય છે વધુ ઘૂસણખોરી
હરામીનાળામાં કરવામાં આવેલા ખાસ ઓપરેશન અંગે ગુજરાત BSF ફ્રન્ટિયરના IG જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, જૂન મહિનામાં ભરતી આવે તે દરમિયાન ઘૂસણખોરી થતી હોય છે. બોર્ડર પોસ્ટ 1165 પાસે એક નવી ચેનલ મળી આવી છે. જેને લીધે અમને અંદાજ હતો કે, અહીંથી ઘુસવાનો પ્રયાસ થશે અને તેના કારણે જ અમે બીઓપી 1165 અને 1166 વચ્ચે જુદી જુદી ટીમને તૈનાત કરી દીધી હતી. ઘુસણખોરોને એમ હશે કે, વહેલી સવારે અહીં કોઈ નહીં હોય અને આપણે સલામત નીકળી જઈશું, પણ તેઓ જેવા આગળ આવ્યા કે તરત જ આપણા જવાનોએ તેમને દબોચી લીધા હતા.