નવજીવન ન્યૂઝ, ડેસ્ક : ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામ (Local body election result Gujarat) આવ્યા ત્યારથી છોટા ઉદેપુર તાલુકા પંચાયત ભારે ચર્ચામાં છે. કારણ કે, આ પંચાયતમાં ટાઈ પડી હતી. ભાજપ અને આમ આદમી પાર્ટીના 13-13 સભ્યો ચૂંટાઈને આવતા સત્તા મેળવવા તમામ પ્રયાસો થઈ રહ્યાં હતાં. આજે પોલીટેકનિક કોલેજ કેમ્પસમાં આવેલી તાલુકા પંચાયત કચેરી ખાતે મતદાન કરવા પહોંચેલા AAP ના ત્રણ સભ્યોને પોલીસની હાજરીમાં જ બુકાનીધારીઓ ઉઠાવી ગયા હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવ્યો છે. જે આરોપના કારણે છોટા ઉદેપુર તાલુકા પંચાયતની ચૂંટણી વિવાદમાં (Chhota Udepur Taluka Panchayat elections in controversy) આવી ગઈ છે.
છોટા ઉદેપુર તાલુકા પંચાયતમાં સત્તાનું ગણિત ખૂબ જ રસપ્રદ હતું. અહીં કુલ બેઠકોમાંથી આમ આદમી પાર્ટી 13 સભ્યો અને ભારતીય જનતા પાર્ટીના 13 સભ્યો હતા. બંને પક્ષો પાસે સરખા સભ્યો હોવાથી પ્રમુખ પદની ચૂંટણીમાં ભારે રસાકસી જામી હતી. ‘આપ’ના તમામ 13 સભ્યો જ્યારે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા ત્યારે સમગ્ર વિવાદની શરૂઆત થઈ હતી. આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા સદસ્યોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, તાલુકા પંચાયત કેમ્પસમાં 10થી 12 બુકાનીધારી અસામાજિક તત્ત્વો પહેલેથી જ હાજર હતા. ‘આપ’ના સભ્યો જેવા ત્યાં પહોંચ્યા કે તરત જ આ બુકાનીધારીઓએ તેમના પર હુમલો કર્યો હતો. અન્ય સભ્યોને માર મારીને તેમાંથી 3 સભ્યોને બળજબરીપૂર્વક ખાનગી વાહનોમાં બેસાડીને ઉઠાવી ગયા હતા.
બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ આમ આદમી પાર્ટી દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપોને પાયાવિહોણા ગણાવીને નકારી કાઢ્યા છે. આ ચૂંટણીમાં ભાજપનો વિજય થયો છે. પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા ચૂંટાયા છે. જ્યારે ઉપ પ્રમુખ તરીકે સુરજીભાઈ રાઠવા વિજેતા બન્યા છે.








