નવજીવન ન્યૂઝ ગાંધીધામ: કચ્છના કંડલા સ્થિત દીનદયાળ બંદરની જેટી નજીક એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કેમિકલ ખાલી કરીને પરત ફરી રહેલા એક જહાજમાં અચાનક વિસ્ફોટ થતાં અફરાતફરી મચી ગઈ હતી. બ્લાસ્ટ એટલો શક્તિશાળી હતો કે જહાજની ઓઇલ ટેન્ક ફાટી ગઈ હતી, જેના કારણે જહાજ એક તરફ નમી ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ જહાજ દીનદયાળ પોર્ટ પર કેમિકલ ખાલી કરીને આઉટર તુણા બોય તરફ જઈ રહ્યું હતું, તે દરમિયાન આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં જ કોસ્ટ ગાર્ડ અને પોર્ટ તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી.
તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરીને જહાજ પર સવાર તમામ 21 ક્રૂ મેમ્બર્સને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા છે. સદનસીબે, આ દુર્ઘટનામાં કોઇ જાનહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
જહાજમાં વિસ્ફોટ બાદ તેને સીધું કરવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ તેમાં સફળતા મળી ન હતી. જોકે, હજુ સુધી જહાજમાં બ્લાસ્ટ થવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી અને તે અંગે તપાસ ચાલી રહી છે.








