કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): લોકસભામાં શિળાયુ સત્ર દરમિયાન ‘કોમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા’ના કે. સુબ્બારાયને (K SUBBARAYAN) પ્રશ્ન કર્યો હતો કે દેશનો ઇતિહાસ (Country History) નવીન રીતે લખાઈ રહ્યો છે? અને આ કાર્ય ‘ધ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ’[ICHR] દ્વારા થઈ રહ્યું છે. આ અંગે કેન્દ્રિય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને (Dharmednra Pradhan)સસંદમાં જવાબ વાળતાં કહ્યું હતું કે, “ICHR દ્વારા કોઈ પણ પ્રોજેક્ટ લોન્ચ કરવામાં આવ્યો નથી. બસ તેમાં ‘કેટલીક જગ્યા ભરવાની’ જ વાત છે.” કેન્દ્ર સરકારે આમ કહીને ઇતિહાસના પુર્નલેખનની વાત ખારીજ કરી દીધી. જોકે, તે પછી કૉંગ્રેસના મનીષ તિવારીએ આ મુદ્દે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને ICHR અલગ-અલગ નિવેદન આપી રહ્યાં છે તેમ કહ્યું. મનીષ તિવારીનું કહેવું હતું કે ICHRએ જાહેરમાં અનેક વાર નિવેદન આપ્યું છે ‘અમે ઇતિહાસને ફરી લખી રહ્યા છીએ. અમે દેશના ઇતિહાસના બાર ગ્રંથો તૈયાર કરી રહ્યા છીએ અને મહદંશે તેમાંથી પ્રથમ ગ્રંથ માર્ચ 2023માં પ્રકાશિત થશે. અને આ પ્રોજેક્ટ પાછળ અંદાજે સો જેટલાં ઇતિહાસકારો કામ કરી રહ્યા છે’.

નવા ઇતિહાસની વાત આવી ક્યાંથી અને તેની ચર્ચા કેમ સંસદ સુધી પહોંચી, તેનું એક કારણ છે દિલ્હીના લલિતકલા અકાદમી ખાતે યોજાયેલી ICHRની પ્રદર્શની. આ પ્રદર્શનીનો વિષય હતો : ‘મધ્યકાલિન ભારત કા ગૌરવ : અલ્પજ્ઞાત ભારતીય રાજવંશો પર આધારીત પ્રદર્શની, 8વી-18વી શતાબ્દી તક’. તેના કન્ટેન્ટમાં એક પણ મુસ્લિમ શાસકનો ઉલ્લેખ નહોતો. હવે જ્યારે આ વિશે ICHRના સેક્રેટરી અશોક કદમને પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે ‘ભારતીય રાજવંશોમાં તેઓ મુસ્લિમ રાજવંશોને ગણતા નથી. મુસ્લિમો મધ્યપૂર્વમાંથી આવ્યા હતા અને તેમનું ભારતની સંસ્કૃતિ સાથે કોઈ લેવાદેવા નહોતા.’ તેઓ આટલેથી અટકતા નથી, બલકે તેઓ એમ સુધ્ધા કહે છે કે, ‘ઇસ્લામ અને ખ્રિસ્તી ધર્મ ભારતમાં મધ્યકાલીન યુગમાં આવ્યા અને તેમણે ભારતની શૈક્ષણિક અને સાંસ્કૃતિ ધરોહરને નુકસાન પહોંચાડ્યું છે.’ આ પ્રદર્શનીમાં 50 અત્યાર સુધી અજાણ રહેલાં રાજવંશોના બેનર લગાવવામાં આવ્યા હતા, જેમાં મરાઠા, અહોમ, ચોલા, મણિક્યા, કચવાહા, હિંદુ શાહી અને અન્ય પણ છે. આ પ્રદર્શની રાજ્યના વિદેશ અને શિક્ષણ મંત્રી રાજકુમાર રંજનસિંઘે ખુલ્લી મૂકી હતી. મંત્રીએ અહીં એવું નિવેદન આપ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું કહેવું છે કે હવે ‘કોલોનિયલ હેન્ગઓવર’થી બહાર નીકળવું જોઈએ.

વર્તમાન કેન્દ્ર સરકારનો ખ્યાલ આઝાદીથી અત્યાર સુધી ઇતિહાસને પવિત્ર કરવાનો છે. પરંતુ ઇતિહાસને એ રીતે જોવાતો નથી એવું ‘જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી’માં 2004 સુધી ભણાવનાર ઇતિહાસકાર હર્બન્સ મુખિયાનું માનવું છે. તેઓએ મધ્યકાલીન યુગ સંદર્ભે અનેક પુસ્તકો લખ્યા છે. તેમને જ્યારે દિલ્હીમાં યોજાયેલી પ્રદર્શની વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે “આ રીતે ઇતિહાસને ફરી લખીને આપણે ફરી 1818માં પહોંચી જઈએ, છીએ જ્યાં જેમ્સ મિલ્સ આપણને છોડી ગયા.” સ્કોટલેન્ડના ઇતિહાસકાર જેમ્સ મિલ્સે ‘હિસ્ટ્રી ઑફ બ્રિટીશ ઇન્ડિયા’ નામે ત્રણ ગ્રંથો લખ્યા છે અને તેમના દૃષ્ટિથી લખાયેલા ઇતિહાસની હંમેશા ટીકા થઈ છે. 19મી સદીની શરૂઆતમાં લખેલા તેમના ગ્રંથોમાં તેમણે ઇતિહાસને હિંદુ, મુસ્લિમ અને બ્રિટિશ એમ ત્રણ ભાગમાં વહેંચીને લખ્યો છે.

હર્બન્સ મુખિયાનું માનવું છે કે ઇતિહાસવિદ્યામાં પરિવર્તન આવી શકે છે, પણ અત્યારે જે પ્રેક્ટિસ થઈ રહી છે તે વેગળી છે. 1947 પછી જે ઇતિહાસ લખાયો તેમાં મહંદેશ બ્રિટીશ કાળ-સંસ્કૃતિથી મુક્ત થઈને ઇતિહાસ લખાયો. જ્યારે હવે તે ફરી બ્રિટીશ કાળમાં સરી પડીને ઇતિહાસ લખવા જેવું છે. અને ખરેખર તો ઇતિહાસમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ પણ શાસકને હિંદુ કે મુસ્લિમ તરીકે જોતા નથી.

ICHR જ્યારે ઇતિહાસ બદલવા જઈ રહી છે ત્યારે તેની આટલી ચર્ચા થવાનું કારણ તે કેન્દ્રના શિક્ષણ મંત્રાલય અંતર્ગત આવે છે. અને તે સ્વાયત્ત રીતે કાર્ય કરે છે, મતલબ કે સરકારના વલણ મુજબ તેનું કાર્ય ઘડાતું નથી. હવે જો ICHRમાં આ રીતે ઇતિહાસ લખાય તો તે ઇતિહાસ શાળાના પાઠ્યક્રમોમાં પણ આવશે અને જ્યાં જ્યાં સરકારના હસ્તક ઇતિહાસ લખાયો છે ત્યાં સર્વત્ર તે જ ઇતિહાસની ચર્ચા થશે. બદલાઈ રહેલા આ ઇતિહાસ વિશે ‘ધ પ્રિન્ટ’ ન્યૂઝ પોર્ટલમાં વિગતવાર અહેવાલ આવ્યો છે તેમાં અંતરા બરુઆએ પોતાના અનુભવ લખ્યા છે. તેઓ લખે છે કે, “ICHRને એક નવું સ્વરૂપ મળ્યું છે અને કેસરી રંગ તેને વિશેષ બનાવે છે. જ્યારે તમે સેક્રેટરી અશોક કદમના ઓફિસમાં પ્રવેશો છો તો કેટલીક બાબતો પર તમારું ધ્યાન પડે તે સ્વાભાવિક છે. જેમ કે દિવાલોને ચમકદાર કેસરી રંગથી રંગી નાંખવામાં આવી છે. સાવરકરની મૂર્તિ સામે જ મૂકવામાં આવી છે. તેની બાજુમાં ‘આરએસએસ’ના પૂર્વ સરસંઘચાલક એમ. એસ. ગોલવલકર. અને પુસ્તકાલયના બહારનો કેટલોક ભાગ અને અન્ય ખંડ પણ કેસરી રંગથી રંગવામાં આવ્યા છે.” કદમ જ્યારે આ વિશે વાત કરે છે ત્યારે તેઓ કહે છે કે, “આ મરાઠા અને રાજપૂતોનો રંગ છે. અને આપણે દેશનું ગર્વનું પ્રતિનિધિત્વ કરવા અર્થે સક્ષમ નથી. આપણું દસ્તાવેજિકરણ અને પુસ્તકો અંગ્રેજોના કાળને દર્શાવે છે.” જોકે કદમની આ વાતને દિલ્હી વિશ્વવિદ્યાલયમાં 30 વર્ષથી વધુ ઇતિહાસ ભણાવનારાં અમર ફારુકી ખારીજ કરતાં કહે છે કે, “ઇતિહાસના પુસ્તકોમાં મુઘલોને માન આપવામાં આવ્યું નથી. મુઘલ અને મધ્યકાલીન ભારતીય ઇતિહાસકાર ઇરફાન હબીબે મુગલોની ટીકા કરી હોય તેવા અનેક લખાણો લખ્યા છે.” ફારૂકી આ ઉપરાંત કહે છે કે, “તમે બી.ડી. ચટોપાધ્યાય, એમ.બી. સાહૂ અને આર.એસ. શર્માનું કામ જોશો તો તેમણે સૌએ ક્ષેત્રીય ઇતિહાસ પર ખાસ્સું સંશોધન કર્યું છે અને તે ઇતિહાસને અનેક દૃષ્ટિથી પણ જોયો છે. ICHRની વાત કરીએ તો તેની સંશોધનની મર્યાદા છતિ થઈ છે. અને ઇતિહાસમાં ઝડપથી સંશોધન થાય તેવી કોઈ બાબત હોતી નથી, આ કામ ધીરજ માંગી લે તેવું છે.”
હવે તેની સામે ICHRના સેક્રેટરી અશોક કદમ એમ કહે છે કે, દિલ્હીમાં પ્રદર્શન કરવાનું કારણ વિદેશી આક્રમણોકારો સામે થયેલા વિરોધ દર્શાવવાનો છે, જેમાં દેશનું સર્વોત્તમ માનસ પ્રદર્શિત થાય છે. કદમ કહે છે કે, પૂરો દેશ મુઘલો સામેના વિરોધમાં સામેલ હતો. અને તેઓ પોતે પણ મરાઠા દ્વારા ઔરંગઝેબ સામે કરેલી 17 વર્ષના યુદ્ધ પર સંશોધન કરી રહ્યા છે. તેમનો દાવો છે કે અત્યાર સુધી મુઘલો પર લખવાની ફેશન હતી. મરાઠા અને અન્ય રાજવંશોને નબળા દર્શાવવામાં આવ્યા. જેમ કે અહોમો વંશે 600 વર્ષ શાસન કર્યું અને મુઘલોએ દોઢસો વર્ષ. પણ અહોમો વિશે ખૂબ ઓછું લખાયું છે. અને એટલે જ કેન્દ્ર સરકારના પ્રોજેક્ટમાં અહોમોના જનરલ લાચિત બોરફુકન સૌથી ઉપર મૂકવામાં આવ્યા છે. ગત્ વર્ષે જ તેમની 400મી જન્મજયંતિ પર દિલ્હીમાં બે દિવસની ઊજવણી કરવામાં આવી હતી. બોરફુકને મુઘલોના શાસનના વધતા વ્યાપને અટકાવવામાં સફળ રહ્યા હતા.
બદલાતા ઇતિહાસ વિશે ઇતિહાસકાર ઇરફાન હબીબ જણાવે છે કે, “મધ્યકાલીન ભારતનો ઇતિહાસ કોઈ રીતે માત્ર હિંદુ કે માત્ર મુસ્લિમ શાસકોનો નહોતો. જે મુસ્લિમ શાસકોનો યુગ કહેવાય છે તે સમય માત્ર મુસ્લિમ શાસકોનો જ માત્ર નહોતો. એવા ઘણા મુસ્લિમ શાસકો હતા જેમણે રજપૂતો સાથે મળીને રાજ કર્યું. વહિવટ કરવો તે સહયારી બાબત હતી. અને આ મુદ્દે જે કંઈ ઇતિહાસ સાથે ચેડાં થઈ રહ્યાં છે તે યોગ્ય નથી.” આ વિશે દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અપૂર્વાનંદ મહત્ત્વની વાત કરે છે. તેઓ કહે છે કે, “દરેક યુગમાં જ્યારે ઇતિહાસ લખાય છે ત્યારે તેની મર્યાદા હોય છે. તેમાં કોઈ ભાગ સઉદ્દેશથી કાઢી નાંખવાનો કે ઉમેરણ કરાતો નથી. સૌથી અગત્યનું એ છે કે સદીઓના આ ઐતિહાસિક જુદી જુદી ઘટનાઓને એક ચિત્રની જેમ જોવું જોઈએ. જ્ઞાન હંમેશા સર્વાંગી બાબતોમાંથી મળે છે, નહીં કે એકાંગી.” આ મુદ્દે હજુય ચર્ચા અવિરત રીતે ચાલી રહી છે અને તે અટકશે ત્યારે જ જ્યારે તેમાં એકતરફી વાત નહીં થાય. એ તો નિશ્ચિત છે કે અચ્છા અચ્છા વ્યક્તિ-સમાજ-દેશને આવી એકતરફી રજૂઆતે ડૂબાડી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796