કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ):આજે ગાંધીજયંતિ (Gandhi Jayanti) છે અને આ દિવસે ગાંધીજી અને તેમના જીવન અને કાર્યોને યાદ કરવાનો જાણે શિરસ્તો પડ્યો છે. આ શિરસ્તાને અનુલક્ષીને આજે વાત ગાંધીજીના (Mahatma Gandhi) જન્મસ્થાન કીર્તિમંદિરની (Kirti Mandir) કરવી છે. ગાંધીજીનો જન્મ પોરબંદરમાં થયો હતો અને તે સ્થળ ગાંધી પરિવારનું મૂળ ઘર કહેવાય છે. વિશ્વભરના પ્રવાસીઓ આ કીર્તિમંદીરની મુલાકાત લે છે. કીર્તિમંદિર આજે સચવાયેલું રહ્યું છે, તેનો શ્રેય ઉદ્યોગસાહસિક નાનજી કાલિદાસ મહેતાને જાય છે. નાનજી કાલિદાસ મૂળ પોરબંદરના અને તેમણે પૂર્વ આફ્રિકામાં જઈને ઉદ્યોગો સ્થાપ્યા. આજે પણ તેમના સખાવતથી નિર્માણ પામેલી સંસ્થાઓ પૂર્વ આફ્રિકી દેશોમાં અને ભારતમાં કાર્યરત છે. આઝાદી મળ્યા બાદ પોરબંદરમાં આવેલા ગાંધી જન્મસ્થાનને વિકસિત કરવાનું કાર્ય નાનજી કાલિદાસે ઉપાડયું હતું અને 1950ના અરસામાં ચાર લાખના ખર્ચે તે કાર્ય પૂર્ણ થયું. એ જ વર્ષે સરદાર પટેલના હસ્તે કીર્તિમંદિર ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. કીર્તિમંદિર પ્રવાસન સ્થળ તરીકે ખ્યાતિ પામેલું છે. તે વિશે ગાંધીજીના ભત્રીજા પ્રભુદાસ ગાંધીએ ‘જીવનનું પરોઢ’ પુસ્તકમાં સુરેખ રીતે આલેખન કર્યું છે. પોરબંદરનું ગાંધીજીનું આ ઘર કેવું છે તે તેમણે શબ્દોમાં વિગતે ઊતાર્યું છે.

પ્રભુદાસ ગાંધી ‘જીવનનું પરોઢ’ પુસ્તકના છેલ્લા પ્રકરણ ‘પોરબંદર અને અસલનું ઘર’માં લખે છે: “નકશામાં પોરબંદરનું સ્થાન 22 અક્ષાંશ અને 70 રેખાંશની પડખે આવેલું છે. દરિયાનાં મોજાં જ્યાં આગળ ધરતીને છેલ્લે છેલ્લે ભીંજવી જાય છે, ત્યાંથી ચાળીસપચાસ વારને અંતરે શહેરના અટ્ટાલિકાવાળાં મકાનો ઊભાં છે. એ મકાનોની વચ્ચે જ, ખુલ્લા સમુદ્રથી લગભગ પા માઈલને છેટે ઉત્તમચંદ ગાંધીનું મકાન આવેલું છે.” ઉત્તમચંદ ગાંધી એટલે ગાંધીજીના દાદા, જેઓ ઓતા ગાંધી તરીકે પણ ઓળખાતા હતા. પોરબંદરના ઘર વિશે આગળ પ્રભુદાસ લખે છે: “શહેરની માંડવી(બંદર)થી આગળ વધતા જ્યાં બજારનું કેન્દ્ર આવે છે, એ માણેકચોક કહેવાય છે. માણેકચોક દરવાજામાંથી વધુ અંદર જતાં શ્રીનાથજીની હવેલી આવેલી છે અને એ હવેલી પાછળ ગાંધીજીનું મૂળ મકાન છે. એ આખું મકાન નાનકડા આંગણાની ત્રણ બાજુએ બંધાયું છે. ચોથી બાજુ દીવાલ છે. ત્રણે બાજુએ એ ત્રણ-ત્રણ માળ ઊંચું ચણેલું છે અને એમાં અનેક નાનામોટા ઓરડાઓ અને બારીબારણાંઓ છે. આખા મકાનમાં બબ્બે ત્રણ-ત્રણ ઓરડાઓ મેળવીને એક-એક કુટુંબને જુદા રહેવાની સગવડ કરવામાં આવેલી છે. ઉત્તમચંદ ગાંધીના સાત દીકરાઓ અને સાત દીકરીઓના પાછા પુત્રો અને પૌત્રો આ વિશાળ મકાનમાં એકઠા મળીને સંયુક્ત રૂપે આજ એક સદી કરતાંયે વધુ વખતથી કુટુંબના વડીલની દોરવણી પ્રમાણે એકઠા રહેતા આવેલા અને આજે પણ ગાંધી કુટુંબની એક શાખાના સભ્યો એના થોડા ભાગમાં વસે છે ને બીજા ભાગોમાં ભાડૂતો રહે છે.” ‘જીવનનું પરોઢ’ પુસ્તક 1948માં લખાયું હતું; એટલે પ્રભુદાસ તે વખતે અહીં વસનારાં વિશે લખ્યું છે. હવે તો આ મકાન ‘ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ’ તરીકે ઓળખાય છે.

પ્રભુદાસ તે મકાનની વિગતને આ રીતે રજૂ કરે છે: “આજના જમાનામાં એ મકાન ઘોલકાં જેવાં અને સાવ સાધારણ ગણાય. પણ ઓતા બાપાના વખતમાં એ ઠીક ઠીક સારું સગવડવાળું ગણાતું. એટલે જ રાણા વિક્રમાદિત્યે [પોરબંદરના તત્કાલિન રાજા] પોતાના માનીતા દીવાનને એ મકાન ભેટ આપેલું. એ ત્રણ માળના ને ત્રણ બાજુએ બનેલા મકાનના વચ્ચેના ભાગમાં ભોંયતળિયાના એક ઓરડામાં ઉત્તમચંદ ગાંધીના પૌત્ર વિશ્વવંદ્ય મોહનદાસ ગાંધીનો જન્મ થયો. ગાંધી બાપુના જન્મના ઓરડા બહાર જે ઓસરી છે એ અસાધારણ છે. કારણ એની તળે પાણીનો એક વિશાળ હોજ આવેલો છે. એ હોજ ઉપર ત્રણ માળનું કમાન બાંધી તે પર ઓશરી ટેકવેલી છે અને એને માથે આખું ત્રણ માળનું મકાન આવેલું છે. ભોંયરાની ઊંડાઈ પંદર ફૂટ છે અને લંબાઈ પહોળાઈ 20 ફૂટ X 10 ફૂટ છે. પોરબંદર સમુદ્રકિનારે રહ્યું એટલે પીવાને મીઠું પાણી મેળવવું મુશ્કેલ પડે. કૂવા ખોદાવતાં દરિયાના પાણીના પ્રમાણમાં ઠીક ઠીક મીઠું પાણી મળે છે, પણ એ ભાંભળું હોય છે અને પીવામાં સ્વાદવિહોણું લાગે છે. ઉત્તમચંદ બાપાના મકાનના આ ભોંયરામાં વરસાદનું પાણી ઝીલી લેવાની ગોઠવણ છે. ચોમાસું બેસે ત્યારે સૌથી માથેની આગાશી ત્રણ ચાર વાર ધોઈ નાખવામાં આવે છે અને જે પરનાળામાંથી ભોંયરામાં પાણી જતું હોય એ પરનાળાના મોઢા આગળ ચૂનાની ઢગલી કરી દેવાનું એ ઘરમાં રહેનારાઓ ચૂકતા નથી. કેવળ એટલી સંભાળથી આજ સવાસો-દોઢસો વરસ થયાં એ ભોંયરું કામ આપી રહ્યું છે. એમાં ભેળું થતું ચોમાસાનું પાણી આખું વરસ પીવાને પૂરું પડી રહે છે, એટલું જ નહીં પણ વરસોના વરસ સુધી બીજા નાગરિકો પણ એ ગાંધીની ટાંકીનું પાણી એક એક ઘડો લઈ જતા. કારણ એ પાણી વિના પોરબંદરમાં તુવેરની દાળ ચડે નહીં ને પોરબંદરીને રોજ સાંજે તુવેરની છૂટી દાળ, ઓસાણ ને ભાતનું વાળું કર્યા વિના સંતોષ વળે નહીં.”
જોકે ઓસરી સંબંધે પ્રભુદાસ ‘ઐતિહાસિક’ શબ્દ ઉલ્લેખે છે; તેનું કારણ બાળમોહનના મનનાં સત્યાગ્રહ ઊગ્યો, એણે ચોરીના પ્રાયશ્ચિતરૂપે નાનકડી ચિઠ્ઠી લખીને પિતાશ્રીના હાથમાં મૂકી, પિતાશ્રીની આંખમાંથી આંસુની ધાર વહી, બાળમોહને એ આંસુ સદાને માટે હૈયામાં સદાને સારું સંઘરી લીધા અને પોતે આજીવન સાચો મોહન બન્યો એ પ્રસંગ ઓસરી ઉપર બન્યો હતો. કબા ગાંધી એટલે ગાંધીજીના પિતા કરમચંદ ગાંધીની બેસવાની પાટ એ જ ઓસરી પર ઢાળેલી રહેતી. આ ઘર સાથે બીજી પણ એક ઘટના જોડાયેલી છે. ગાંધીજીના દાદા ઓતા બાપા એક વખત અહીંના રાણીની સામે થયેલા. રાણીને આ પસંદ ન પડ્યું અને તેમણે ઓતા બાપાના આ ઘર ઉપર તોપનો મારો ચલાવેલો. ત્યારે તોપના ગોળાથી ભીંતમાં અનેક જગ્યાએ ગાબડાં પડ્યા હતા. પ્રભુદાસે જ્યારે આ ઘરની મુલાકાત લીધી હતી, ત્યારે તે ગાબડાં પૂરીને સરખાં કરી લીધા હોવા છતાં તે દિવાલ સમથળ થઈ નહોતી તેથી તેના નિશાન દેખાતા હતા. પ્રભુદાસ કીર્તિમંદિરમાં આવેલી સૌથી ઉપલા માળે આવેલી ઓરડીનો ઉલ્લેખ સરસ રીતે કરે છે: “બીજી જગ્યા તે સૌથી ઉપલે માળ આવેલી એક સુંદર હવા-અજવાસવાળી ઓરડી. એ ઓરડીમાં જૂની રીતના ભિત્તિચિત્રો – ફ્રેસ્કો પેઇંટિંગ – પણ છે. આટલે વરસે પણ એમાંના ફૂલ અને પક્ષીનો રંગ ઊજળો રહ્યો છે. ક્યાંક ભીંતનાં પડ સહેજ ઊખડી જતાં નવી ઢબે જે ચૂનો ધોળ્યો છે, એ ત્યાં સરખો લાગતો જ નથી.”
આ મકાન નિર્માણ ક્યારે પામ્યું તેનો ચોક્કસ ઉલ્લેખ પ્રુભદાસ ગાંધી કરતા નથી. પ્રભુદાસ સવાસો-દોઢસો વર્ષ અંદાજે જણાવે છે. પરંતુ ‘વિશ્વકોશ’ના પોર્ટલ પર જ. મૂ. નાણાવટીએ જે માહિતી આપી છે મુજબ આ મકાન ગાંધીજીના પ્રપિતામહ હરજીવન ગાંધીએ ઇ.સ. 1777માં વેચાતું લીધું હતું. પછી તળમાંથી લગભગ 123.50 ચો.મી. ઉપર તે નિર્માણ કરાવેલું. જોકે આ નિર્માણકાર્ય પાછળ નાનજી કાલિદાસની દૃષ્ટિ છે; પણ આ વિચાર તેમને સ્ફૂર્યો તે દક્ષિણ આફ્રિકાના રાજકીય આગેવાન જેન હેન્ડ્રિક હોફમેયરના કારણે. નાનજી કાલિદાસ તેમની આત્મકથામાં લખે છે : “મારે દક્ષિણ આફ્રિકા જવાનું થયું ત્યારે ત્યાં લૉર્ડ હૉફમેયરની મુલાકાત મને થયેલી. તેઓ સેટલમેન્ટ માટે હિંદ આવ્યા હતા. ત્યારે મહારાણા સાહેબના આગ્રહથી પોરબંદર બાપુનું જન્મસ્થાન જોઈ, તેમને હર્ષ અને શોક બંને થયાં. જગતના એક અવતારી પુરુષની જન્મભૂમિ જોઈને આનંદ થયો. પણ અંધારો ઓરડો, અંધારી ગલી અને આસપાસની દુર્ગંધ જોઈને તેમને પારાવાર દુઃખ થયું. તેમણે કહ્યું, “તમને આ મહાપુરુષની મહત્તાની કિંમત નથી. બીજો કોઈ દેશ હોય, તો અહીં કરોડો રૂપિયા ખર્ચી નાખ્યા હોય, તમારા દેશને એમણે શું આપ્યું છે અને શું આપી રહ્યા છે, તેની કિંમત નથી. આ સ્થળે સુંદર ચિરંજીવ સ્મારક થવું જોઈએ.” આ સાંભળી મારા મનમાં બહુ લાગી આવ્યું. આ પહેલાં પણ મારા મનમાં જન્મસ્થાન સ્મારક કરવાનો મનોરથ ઊંડે ઊંડે ઊઠતા હતા. આ વિચારથી તેને બળ મળ્યું. મેં નિશ્ચય કર્યો કે બાપુજી રજા આપે, તો સ્મારક કરવું.” આ રીતે કીર્તિમંદિરનું નિર્માણ થયું.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796