કિરણ કાપૂરે (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): ‘અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયા’ના પૂનાની ઓફિસમાં કામ કરતી 26 વર્ષની અન્ના સેબેસ્ટિયન પેરાઇલ નામની યુવતીનું એક મહિના અગાઉ કાર્ડિઆક અરેસ્ટથી અવસાન થયું હતું. તે પછી અન્નાની માતા અનિતાએ ‘અન્સ્ટ એન્ડ યંગ’ કંપનીના ચેરમેન રાજીવ મેમાનીને પત્ર લખ્યો કે તેમની દીકરી કંપનીમાં કામ કરવાની શૈલી અને જે રીતે કામનું ભારણ હતું તે કારણે મૃત્યુ પામી છે. કંપની સતત અન્નાના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહી. અન્નાની માતા અનિતા તે પત્રમાં લખે છે, “હું આ પત્ર લખતાં દુખ અનુભવી રહી છું, જેણે પોતાની પ્રેમાળ દીકરી ગુમાવી છે. ભારે હૃદયે આ શબ્દો લખી રહી છું. અમારી વાત સૌ સુધી પહોંચાડવી જરૂરી છે કારણ કે કોઈ અન્ય પરિવારને આવી પીડામાંથી પસાર ન થવું પડે.” અન્ના સેબેસ્ટિયન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટના પદે હતી અને તેમની માતા પત્ર જાહેરમાં આવ્યો પછી ‘શ્રમ મંત્રાલય‘ દ્વારા પણ આ કેસની તપાસ કરવા અર્થે ખાતરી આપવામાં આવી છે.

કોચ્ચીમાં રહેતી અન્ના ચાર મહિના પહેલાં જ પૂનામાં ‘અર્ન્સ્ટ એન્ડ યંગ ઇન્ડિયા’માં જોડાઈ હતી અને તેનું અવસાન થયું. અન્ના અભ્યાસમાં હંમેશા અવ્વલ રહેતી અને તેથી તેણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની પરીક્ષા પણ સારાં માર્ક્સે પાસ કરી હતી. અન્નાને અઠવાડિયાથી છાતીમાં દુખાવો હતો. બે મહિના પહેલાં જ્યારે તેના માતા-પિતા અન્નાને પુનામાં મળવા આવ્યા ત્યારે તેની શારીરિક તપાસમાં તેનો ‘ઇસીજી’ સામાન્ય આવ્યો હતો. ડોક્ટરે બધું સામાન્ય છે તેમ કહ્યું હતું. પરંતુ સાથે એમ પણ કહ્યું કે અન્નાની ઉંઘ પૂરી થતી નથી અને તે પૂરતા પ્રમાણમાં આહાર લઈ રહી નથી. અન્ના અત્યાર સુધી તેના જીવનમાં આયોજન કરીને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો અભ્યાસ પૂરો કરી શકી. પરંતુ કારકિર્દીમાં ટકી રહેવા માટે તેણે પોતાના જીવથી કિંમત ચૂકવી. દેશભરમાં કંપનીમાં કામ કરતાં કર્મચારીઓ અને અન્ય ક્ષેત્રમાં મજદૂર તરીકે કામ કરનાઓની સ્થિતિ મહદંશે આવી છે. બધી જગ્યાએ એક હદનું દબાણ છે અને પ્રમાણમાં વળતર ઓછું છે. અન્ના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હતી અને તેના માતા-પિતા તેમની પીડા શબ્દોમાં અભિવ્યક્ત કરી શક્યા એટલે આ વાત જાહેરમાં આવી; બાકી આવી અનેક અન્ના ગુમનામીમાં કામના દબાણ હેઠળ મૃત્યુ પામવા સુધી પહોંચતી હશે.

અન્નાનો પૂરો કેસ ચર્ચવાનું કારણ હાલમાં આવેલો ‘ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન’[આઈએલઓ]નો રિપોર્ટ છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે આંકડા સાથે દર્શાવવામાં આવ્યું છે કે ભારત સહતિ દક્ષિણ એશિયાના તમામ દેશોમાં કર્મચારીઓની સ્થિતિ બદતર છે. ભારતમાં મોટા ભાગની કંપનીઓમાં સમયના કલાકો નિર્ધારીત નથી. ઓવરવર્ક કરાવવાની બાબતમાં ભારત દુનિયામાં પાંચમા ક્રમે આવે છે. ‘આઈએલઓ’ના રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં પચાસ ટકા જેટલાં કર્મચારીઓ અઠવાડિયાના 46.7 કલાકથી વધુ કામ કરે છે. દક્ષિણ એશિયામાં આ રીતે કર્મચારીઓ પાસે વધુ કામ કરાવનારો દેશ ભૂતાન છે. દક્ષિણ એશિયામાં આ ટ્રેન્ડ છે, કારણ કે અહીંયા બેરોજગારી છે, કર્મચારીઓ-મજદૂર પ્રત્યેના કાયદાઓ સખ્ત નથી. કંપનીઓ સ્પર્ધામાં ટકી રહેવા માટે કર્મચારીઓ-મજદૂર પાસે વધુ કામ કરાવે તેમાં કશુંય ખોટું જોતી નથી. આ યાદીમાં ભારત, ભૂતાન સહિત તેમાં બાંગ્લાદેશ, પાકિસ્તાન છે અને તદ્ઉપરાંત યુનાઇટેડ આરબ અમિરાત[યુએઇ] પણ છે. ‘યુએઈ’માં પણ આ સ્થિતિ જોવા મળે છે તેનું કારણ અહીંયા પણ મહદંશે ભારત, પાકિસ્તાન કે નેપાળ જેવાં દેશોમાંથી જનારો વર્કફોર્સ છે.

આ બાબતનું આદર્શ ચિત્ર જોવું હોય તો આપણે યુરોપના દેશો તરફ નજર કરવી પડે. યુરોપમાં કાર્ય-જીવન-સંતુલનને ખૂબ મહત્ત્વ આપવામાં આવે છે. નેદરલેન્ડ અને નોર્વે જેવા દેશોમાં અઠવાડિયામાં સરેરાશ કર્મચારી 32 કલાકની આસપાસ કામ કરે છે. જર્મનીમાં પણ આ દર 35 કલાકની આસપાસ છે. જાપાન જેવાં અતિ પ્રગતિશીલ દેશમાં પણ પાંત્રીસ કલાકની આસપાસ સરેરાશ કર્મચારીએ કામ કરવાનું આવે છે. ભારતમાં આટલી આદર્શ સ્થિતિ તો કલ્પવી મુશ્કેલ છે અને તે મુશ્કેલ એટલાં માટે પણ લાગે છે; કારણ કે ‘ઇન્ફોસિસ’ કંપનીના સહસંસ્થાપક નારાયણમૂર્તિ જેવાં વ્યક્તિઓ અઠવાડિયાના સિત્તેર કલાક કામ કરવાની વાતને સામાન્ય માને છે. તેઓ પોતાનું ઉદાહરણ આપીને એમ કહે છે કે તેઓ અઠવાડિયાના છ દિવસ ઓફિસે સવારે 6 :30ની આસપાસ પહોંચી જતા હતા અને ઘરે આવતા તેમને રાતરે 8:30 થઈ જતા. નારાયણમર્તિએ જ્યારે આ રીતે કામ કરવાની તરફેણ કરી હતી ત્યારે તેમનો વિરોધ પણ થયો હતો. આ વિરોધ થવાના અનેક કારણ હતા, પરંતુ તેમાંનું એક કારણ અહીંયા મૂકીએ કે, છેલ્લા દસકામાં ‘આઈટી’ સેક્ટરના ‘સીઇઓ’ના પગારધોરણમાં 835 ટકાનો વધારો થયો છે. તેની સામે નવાસવા ‘આઇટી’માં પ્રવેશનારાના પગારમાં આ સમય દરમિયાન વધારો 50 ટકા સુધી પણ નથી પહોંચ્યો.
આપણા દેશમાં કયા સેક્ટરમાં કર્મચારીઓ સૌથી વધુ કલાકો કામ કરે છે તે જોઈએ તો તેમાં સૌથી ઉપર ‘આઇટી’ સેક્ટર આવે છે. બીજા ક્રમે વિજ્ઞાન અને ટેકનોલોજીનું, તે પછી સ્વાસ્થ્ય ક્ષેત્ર આવે છે. મેન્યુફેક્ચરીંગ, શિક્ષણ અને કન્સ્ટ્રક્શન જેવાં ક્ષેત્રોમાં પણ સરેરાશ અઠવાડિયાનું કામ 45 કલાકની આસપાસ છે. હજુ સુધી ખેતીમાં આ સ્થિતિ આવી નથી. ખેતીમાં સરેરાશ કામના કલાકો 38ની આસપાસ છે. આ માહિતીમાં સૌથી આશ્ચર્યજનક એ છે કે મહદંશે દરેક ક્ષેત્રમાં પુરુષ-મહિલાના કામ કરવાના કલાકો સરખા છે, માત્ર એક મેન્યુફેક્ચરિંગનું ક્ષેત્ર છોડીને.
‘આઈએલઓ’ના રિપોર્ટમાં એવી ઘણી માહિતી છે જે વર્તમાન સરકારને યોગ્ય લાગી નથી. ‘આઈએલઓ’ના રિપોર્ટ મુજબ દેશમાં સૌથી વધુ બેરોજગાર શિક્ષિત યુવાનો છે અને તેની ટકાવારી 83 ટકાની આસપાસ છે. એટલું જ નહીં આ રિપોર્ટ એવો પણ દાવો કરે છે કે છેલ્લા બે દાયકામાં શિક્ષિત બેરોજગારીનો દર બમણો થયો છે. આનું એક કારણ એ પણ આપવામાં આવે છે કે યુવાનો કૌશલ્ય યોગ્ય રીતે હસ્તગત કરતા નથી. અન્ય એક રિપોર્ટ મુજબ 75 ટકા યુવાનોને યોગ્ય રીતે ઇમેઇલ કરવા કે ડોક્યુમેન્ટ મોકલતા પણ આવડતું નથી. 60 ટકા યુવાનો કમ્પ્યૂટરમાં કોપી-પેસ્ટ જેવું સામાન્ય કામ પણ કરી શકતા નથી. યુવાનો અસક્ષમ બતાવતા અને તેમની બેરોજગારીના આંકડા આવ્યા ત્યારે તે અંગે ભારત સરકારે રિપોર્ટ અંગે ખેદ વ્યક્ત કર્યો હતો. ભારત સરકારના શ્રમ અને રોજગાર વિભાગના સેક્રેટરી સુમિતા દ્વારાએ કહ્યું હતું કે, અમે આ રિપોર્ટ તૈયાર કરવાનો હિસ્સો હતા તેમ છતાં જ્યારે તે જાહેર કરવામાં આવ્યો તે પહેલાં અમારી સાથે કોઈ મસલત કરવામાં ન આવી. આ અંગે સુમિતા દ્વારાએ રિપોર્ટ તૈયાર કરવાની પદ્ધતિ પર જ પ્રશ્ન ખડાં કર્યા છે.
‘આઈએલઓ’નો રિપોર્ટ અને બીજી તરફ કેન્દ્ર સરકારના વિભાગોની દલીલને મૂકીએ તો બંનેની દલીલ યોગ્ય લાગી શકે. પરંતુ સામાન્ય રીતે સરકારી પરીક્ષામાં કે અન્ય કોઈ ખાનગી કંપનીમાં જે રીતે નોકરી સામે યુવાનોનો ધસારો રહે છે તે પરથી ખ્યાલ આવી શકે કે દેશમાં બેરોજગારી કેટલી હોઈ શકે. હાલમાં આ બાબતે ઉત્તર પ્રદેશમાં પોલીસ કોન્સ્ટેબલમાં આવેલી અરજીઓની ખૂબ ચર્ચા થઈ હતી. ઉત્તર પ્રદેશના પોલીસ વિભાગે 60 હજાર ભરતી માટે અરજી મંગાવી હતી, તેમાં 48 લાખ જેટલી અરજીઓ આવી હતી. એ પ્રમાણે મુંબઈમાં વિમાનમથકે બે હજાર કર્મચારીઓની ભરતી માટે પચ્ચીસ હજાર યુવાનો ઉમટ્યા હતા. ગુજરાતમાં પણ સરકારી નોકરી મામલે અરજીઓની સ્થિતિ આવી જ હોય છે. ગુજરાતમાં 2021માં પોલીસમાં ‘એલઆરડી’ની ભરતી આવી હતી. આ ભરતીમાં સાડા નવ લાખ અરજીઓ આવી હતી. એ રીતે હાલમાં પણ પોલીસ વિભાગની ભરતીમાં અરજીઓનો આંકડો લાખોમાં પહોંચ્યો છે. મહદંશે આ દરેક રાજ્યની સ્થિતિ છે. વિદેશ જવાની દોડધામ મચી છે, નોકરીઓમાં અપૂરતુંમ વળતર મળે છે – તે પરથી પણ આનો અંદાજો આવી શકે કે નોકરી-ધંધાની બાબતમાં દેશની સ્થિતિ સારી નથી. દેશમાં બેરોજગાર કે કર્મચારીઓ-મજદૂરોના કામ લેવા બાબતની સ્થિતિ જોવા માટે ‘આઈએલઓ’ જેવી સંસ્થાના રિપોર્ટ એક ઓવરવ્યૂ આપી શકે, પરંતુ તે સ્થિતિથી રૂબરૂ થવા આપણી આસપાસ દેખાતા માહોલ પરથી એક અંદાજો લગાવી શકાય.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796