નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમા રવિવારે અને સોમવારે આવેલા વરસાદના કારણે અમદાવાદની જે પરિસ્થિતી થઈ હતી તેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની આકરી ટીકા કરવામાં આવી રહી હતી, ત્યાર બાદ આજે અમદાવાદ કોંગ્રેસનાં નેતાઓ અને કાર્યકર્તાઓ દ્વારા અમદાવાદ કોર્પોરેશનની ઓફિસ આગળ ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદર્શનમાં મોટા પ્રમાણમાં કોંગ્રેસનાં કાર્યકર્તાઓ જોડાયા હતા.
AMCના વિપક્ષના નેતા શહેજાદ ખાન અને અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીની આગેવાનીમાં આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ભાગ લીધો હતો. બે દિવસના વરસદમાં અમદાવાદની જે સ્થિતિ થઈ હતી તેના કારણે અમદાવાદનાં લોકોને ભારે નુકશાન થયું હતું. બે દિવસ સુધી પાણીનો નિકાલ થયો ન હતો જેના કારણે AMCની પ્રિ મોનસૂન કાર્યવાહીની પોલ ખુલ્લી પડી ગઈ હતી.
આજે અમદાવાદ કોર્પોરેશન ઓફિસ આગળ અમદાવાદ કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હિતેશ બારોટ અને ડેપ્યુટી મેયર ગીતાબેન પટેલને એક આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જોડાયા હતા જેના કારણે રોડ ઉપર ટ્રાફિકજામના દૃશ્યો પણ સર્જાયા હતા. જેના કારણે મોટી સંખ્યામાં પોલીસ કાફલો કોર્પોરેશન ઓફિસ ખડકી દેવામાં આવ્યો હતો.
AMCના વિપક્ષના નેતા શહેજાદ ખાન પઠાણે જણાવ્યુ હતું કે, “અમદાવાદમા બે દિવસના વરસદમાં દરેક વોર્ડ અને વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું. AMC દ્વારા ગટર સફાઈ માટે કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે પણ તેનું પરિણામ શૂન્ય મળ્યું છે. આ AMCની પ્રિ મોનસૂન કાર્યવાહી સંપૂર્ણ નિષ્ફળ રહી છે.”
અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ નીરવ બક્ષીએ જણાવ્યુ હતું કે, “આજે ગુજરાત હાઈકોર્ટમાં રિપોર્ટ મુકાયો છે કે 80 ટકા રોડ ખરાબ છે. શહેરની આવી ખરાબ પરિસ્થિતિ છે જે લોકોને નુકસાન થયું છે તેઓને વળતર આપવામાં આવે. અન્ય કોર્પોરેટર્સએ રજુઆત કરી હતી કે આજે પણ અનેક વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. અધિકારીઓને સૂચના આપવામાં આવે કે પાણીનો ઝડપી નિકાલ કરવામાં આવે.”








