Wednesday, April 22, 2026
HomeGeneralહકારાત્મકતા અને નકારાત્મકતાનો કાયમ ગુણાકાર જ થાય છે તમારે બેમાંથી એકની પસંદગી...

હકારાત્મકતા અને નકારાત્મકતાનો કાયમ ગુણાકાર જ થાય છે તમારે બેમાંથી એકની પસંદગી કરવાની છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ.અમદાવાદ): ખરેખર આપણે શું જોવું છે તેની ઉપર આખી વાત નિર્ભર હોય છે, ક્રાઈમ રિપોર્ટીંગમાં ત્રણ દસકા પસાર કર્યા પછી મારૂ મન પણ કંઈક આવું જ થઈ ગયું હતું, તમામ ઘટનાઓ હું શંકાની નજરે જોતો, ઘટના પાછળ પણ પણ કોઈક બીજી ઘટના હશે તેવું મને લાગતું હતું, કોઈક માણસ સારૂ કરે તો પણ તેના સારાપણા પાછળ પણ તેનો કોઈક ફાયદો હશે તેવું હું માનતો હતો. આમ મન સતત નકારાત્મક બાબતથી ઉભરાઈ રહ્યું હતું. નજર સામે પણ કોઈ સારી ઘટના ઘટે તો પણ હકારાત્મક બાબતની નોંધ લેવાનું મન જાણે ભુલી ગયું હોય તેવું થઈ ગયું હતું. ત્રીસ વર્ષમાં ત્રણ લાખ કરતા વધુ નકારાત્મક સ્ટોરીઝ લખી હશે, જેમાં સામાન્ય જનતા, પોલીસ, રાજકારણીઓ સહિત અનેકોનો સમાવેશ થાય છે. પત્રકારનું કામ લોકોની સાથે અને લોકો માટે સરકાર અને તંત્રની સામે રહેવાનું છે તે બહુ સ્પષ્ટ છે પરંતુ આ સ્પષ્ટતા વચ્ચે પણ બધુ જ કંઈ ખરાબ થઈ રહ્યું હતું તેવું પણ ન્હોતુ. અનેક સારી ઘટનાઓ મારી નજર સામેથી પસાર થઈ ગઈ, પણ મને તે બાબતને પણ સમાચાર કહેવાય તેની સમજ હોવા છતાં હું સમજવા તૈયાર ન્હોતો.

મેં પહેલા જ વાકયમાં કહ્યું પહેલા તો આપણે શું જોવું છે તેવું આપણું મન નક્કી કરી લે છે અને પછી તેવું જ આપણે શોધવાનો પ્રયત્ન કરીએ છીએ. મારા જીવનમાં ગાંધીજી સ્થાપિત નવજીવનની ભૂમિકા મહત્વની રહી, કોઈના કહ્યા વગર ઢાળ તરફ જ પાણી વહે તેમ મેં મારા થતાં પરિવર્તનને અનુભવ્યું છે, ત્રણ દાયકા સુધી મેં જે પ્રકારનું રિપોર્ટીંગ કર્યુ તે વ્યર્થ હતું તેવુ પણ નથી, કદાચ તે ત્યારના સમયની માંગ હતી. 2006માં મેં પોલીસના બનાવટી એન્કાઉન્ટર ઉપર લખવાનું શરૂ કર્યું. સ્વભાવીક છે બીજા ક્રાઈમ રિપોર્ટર કરતા મારી કામ અને રિપોર્ટીંગની આક્રમતા વધારે તીવ્ર હતી જેના કારણે જેઓ પણ આ ઘટના સાથે સંકાળાયેલા હતા તેમની મારી તરફની નારાજગી હોવી સ્વભાવીક છે. મને બહુ મોડે સમજાયું કે જ્યારે પણ આપણે રિપોર્ટીંગ કરીએ ત્યારે તેમાં બદલાની ભાવના હોવી જોઈએ નહીં, કારણ જ્યારે બદલાની ભાવના ઉમેરાય ત્યારે પત્રકારત્વમાં દ્વેષ ભળે છે. જેઓ એન્કાઉન્ટર સાથે સંકળાયેલા અધિકારીઓ અને પદાધિકારીઓ હતા તેમણે મને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે નુકસાન પહોંચાડ્યું અથવા નુકસાન કરવાનો પ્રયત્ન કર્યો.

- Advertisement -

પણ હવે જ્યારે આ અધિકારી-પદાધિકારી અંગે લખવાનું આવે છે ત્યારે હું પોતાને સમજાવું છું કે જો તેઓ સારૂ કામ કરે છે તો તેમના સારા અંગે પણ એટલી જ આક્રમતાથી સારી બાબતને પણ મુકવાની છે, અને જો તેમનાથી કોઈ ચુક થાય તો ચાલો હવે પાડી જ દઈએ તેવા ભાવથી પોતાને દુર રાખવાનો છે. નવજીવનમાં ગાંધીનો સમજતો ગયો તેમ તેમ સમજાયું કે ગાંધીના જીવનના ત્રણ તબ્બકા હતા, દક્ષિણ આફ્રિકામાંથી ભારત આવ્યા ત્યાં સુધી લડાઈની આક્રમતા હતી, બીજા તબક્કે 1919માં નવજીવન શરૂ કર્યા પછી પોતાની કલમ દ્વારા અંગ્રેજોને પડકાર્યા પણ ત્રીજા તબ્બકામાં ગાંધીને સમજાયું કે લડવા અને લખવા કરતા સંવાદ વધારે શ્રેષ્ઠ છે કે, હું પહેલા બે તબક્કામાંથી પસાર થઈ ગયો, હવે મને લાગે છે, મારે લોકોના જીવનમાં સારુ થતાં જોવું છે. તો હવે મારી નજર કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર અનાયસે સારી ઘટનાઓ શોધે છે. નકારાત્મક ઘટનાઓ ચાર પગે દોડી લોકો સુધી પહોંચી જાય છે, પરંતુ હકારાત્મક ઘટનાને પગ નથી તેને તમારે જ ટેકો આપી લોકો સુધી લઈ જવી પડે છે.

હું પણ એક લાંબો ગાળો એવું માનતો હતો કે દંડો લઈ ફરતી પોલીસ ચોર લુંટારૂઓને પકડવા સિવાય કઈ રીતે લોકોના જીવનમાં સારૂ કરી શકે, પણ છેલ્લાં પાંચ વર્ષમાં મેં ગુજરાત પોલીસની બદલાતી માનસિકતા જોઈ છે. પોલીસની ખાખીમાં રહેલા માણસને બીજા માણસને બચાવતા મેં જોયા છે. પછી તે જુનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ હોય કે અમદાવાદના ઈન્સપેકટર કે ડી જાડેજા અને ખંભાત, પીઆઈ ખાંટ કે પછી ડીવાયએસપી વી જે રાઠોડ હોય આ પ્રકારના અધિકારીઓ અને કર્મચારીઓની સંખ્યા હવે નાની રહી નથી રોજની અસંખ્ય ઘટનાઓ એવી ઘટે છે જેમાં પોલીસ દંડો છોડી પોતાની સત્તા અને વગનો ઉપયોગ કરી લોકોની મદદે આવે છે. આવી ઘટનાઓ હું જ્યારે પણ જાણું અને તેના અંગે લખુ ત્યારે સૌથી પહેલા તો મને સારૂ લાગે છે મારા મનમાં કોઈના જીવનમાં સારૂ થયાનો હાશકારો થાય છે. આવી સારી ઘટનાઓ અંગે જ્યારે સોશીયલ મીડિયા ઉપર લખાય ત્યારે પાંચ-પચ્ચીસ સારી કમેન્ટ આવે છે પણ જો પોલીસની નકારાત્મક સ્ટોરી લખાય તો કમેન્ટ્સની વણઝાર આવે છે કારણ પોલીસ સારૂ કરી શકે તેવું આપણું મન જોવા જ તૈયાર નથી.

થોડા દિવસ પહેલા મારી ફોન ઉપર વિશ્વ હિન્દુ પરિષદના નેતા ડૉ કૌશીક મહેતા સાથે વાત થઈ તેમની સાથે મીત્રતાને પણ ત્રણ દાયકા થઈ ગયા. તેમણે મને કહ્યું તમારા રિપોર્ટીંગના બદલાતા પ્રકારને જોયો છે હવે તમારી ભાષામાં એક પ્રકારની હકારાત્મકતા આવી છે. આ બધુ અઘરૂ કામ છે. કોઈ માણસ સારૂ કામ કરે ત્યારે તેની કદર ભાષા દ્વારા પણ કરવી તેમાં પણ બહાદુરી જોઈએ છે. મને કૌશીક મહેતાની વાત સાંભળી સારૂ લાગ્યું કારણ આટલી બારીક બાબતની નોંધ બહુ ઓછા રાખે છે. પત્રકાર તરીકે કે પછી એક નાગરિક તરીકે આપણે આપણા અને આસપાસના લોકોના અધિકારો માટે સજાગ થઈ લખીએ અને બોલીએ તે જેટલુ જરૂરી છે એટલુ જ્યારે પણ અધિકારી, રાજનેતા અને તંત્ર સારૂ કરે ત્યારે તેમની કદર કરવી જરૂરી છે કારણ હકારાત્મક અને નકારાત્મકમાં ક્યારે બાદબાકી થતી નથી કાયમ તેનો ગુણાકાર જ થાય છે એટલે કોઈ એક ખરાબ અનુભવને સર્વ સામાન્ય માની લેવો નથી અને સારૂ થાય તો ગાઈ વગાડી બીજા સુધી પહોંચવાનું છે કારણ સારાઓનો ગુણાકાર થાય તે પણ એટલો જરૂરી છે.

- Advertisement -

સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો

  1. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
  2. જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
  3. 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
  4. દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ
પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular