નવજીવન ન્યૂઝ.અરવલ્લીઃ ગુજરાતી અભિનેત્રી અને મોડેલ એવી યશવી પટેલ સામે ધનસુરા તાલુકાના ચોગામડા કંપાના જીનેશ પટેલે પ્રેમજાળમાં ફસાવી રૂપિયા લૂંટી લીધા હોવાના સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરવા સાથે રૂપિયાની લેતી-દેતી મામલાના સ્ક્રીનશોર્ટ વાયરલ કરી ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી આપી હતી. સમગ્ર મામલો હની ટ્રેપનો હોવાના આક્ષેપ પણ થયા હતા. આ હનીટ્રેપ મામલામાં હવે નવો વળાંક આવ્યો છે. જેમાં વડોદરાની યશવી પટેલે ત્યાંના પાણીગેટ પોલીસ સ્ટેશનમાં માર્ચ મહિનામાં જીનેશ પટેલ અને તેના બે મિત્રો સામે ધાકધમકી, હત્યાની ધમકી અને સોશ્યલ મીડિયામાં બદનામ કરવાની ધમકી મામલે ફરિયાદ નોંધાવતા જીનેશ પટેલે તેને ખોટી રીતે બદનામ કરવા ઝીરો નંબરથી ફરિયાદ નોંધાવી હોવા, ખોટા આક્ષેપ કર્યા અને આ અંગે ધનસુરા પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.
યશવી પટેલે ધનસુરા પોલીસ સ્ટેશન ખાતે જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલ સામે ગુનો નોંધવા અરજી કરી હતી અને ધનસુરા પોલીસ જીનેશ પટેલનું ઉપરાણું લેતી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો. જેને કારણે પોલીસ સ્ટેશનમાંથી જ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરી તેની સાથે થયેલા હનીટ્રેપના આક્ષેપ પાયા વિહોણા હોવાનું પણ યશ્વીએ જણાવ્યું હતું.
યશવી પટેલે કહ્યું હતું કે, હું ગુજરાતી ફિલ્મની અભિનેત્રી હોવાને કારણે ધનસુરા તાલુકાના ચોગામડા કંપાના જીનેશ પટેલે ઇન્સ્ટાગ્રામથી સંપર્ક કરી સમાજના નામે મદદ કરવાની વાત કરી હતી. ઉપરાંત મારી મમ્મી બીમાર થતા રૂ. 35 હજારની મદદ કર્યા પછી તેણે મારા બેંક ખાતામાં ટુકડે ટુકડે જાણ બહાર 2 લાખ રૂપિયા આપ્યા પછી હોટેલ પર મળવા બોલાવી હતી જોકે મેં ના પાડી દીધી હતી. બાદમાં જીનેશ પટેલ એક તરફી પ્રેમ કરતો હોવાનું મને ખબર પડતાં મેં તેનો સંપર્ક ઓછો કરી નાખ્યો હતો. હવે તેણે રૂપિયા પરત કરવા ઉઘરાણી ચાલુ કરી દીધી અને જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલે ફોન પર ધમકીઓ પણ આપી હતી. મેં તેણે જમા કરાવેલા બે લાખ રૂપિયા પરત આપી દીધા હતા. તેમ છતાં જીનેશ પટેલ સાથે કોર્ટ મેરેજ કરી લેવા દબાણ શરૂ કરવામાં આવ્યું હતું જ્યારે હું દબાણને વશ ના થઈ તો ધનસુરા પોલીસ સાથે ઓળખાણ હોવાની ધમકીઓ આપતો હતો. મને બદનામ કરવા માટે સોશ્યલ મીડિયામાં ખોટા આક્ષેપ કરી ઝીરો નંબરથી ફરિયાદ આપી હોવાનું પણ કહ્યું હતું.
યશવી પટેલે વધુમાં કહ્યું કે, ધનસુરા પોલીસ સ્ટેશનમાં મંગળવારે જીનેશ પટેલ, હરેશ પટેલ અને ચેતન પટેલ સામે ગુનો નોંધવા અરજી કરી દીધી છે તેના વકીલે જણાવ્યું હતું કે અહીં સુધી કે ધનસુરા પોલીસને અરજી આપવા જિલ્લા પોલીસવડાને રજૂઆત કરવી પડી હતી.
![]() |
![]() |
![]() |











