પ્રશાંત દયાળ (નવજીવન ન્યૂઝ. અમદાવાદ): કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા એક ખાસ એવોર્ડની શરૂઆત કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા આપવામાં આવતા આ એવોર્ડમાં માટે ઉત્તમ તપાસ અને તપાસના અંતે આરોપીને થયેલી સજાને આધારે તપાસ કરનાર દેશના ઉત્તમ પોલીસ અધિકારીઓને ખાસ તપાસ અને તેના પરિણામ માટે એવોર્ડ આપવામાં આવે છે. આ વર્ષે ગુજરાતના છ પોલીસ અધિકારીઓને ઉત્તમ તપાસ અને તેના પરિણામ માટે એવોર્ડ આપવાની ભારત સરકારે જાહેરાત કરી છે.
2008માં થયેલા અમદાવાદના સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસની તપાસ કરનાર અધિકારીઓ પૈકી હાલમાં ગાંધીનગર રેંજ આઈજીપી તરીકે ફરજ બજાવતા આઈપીએસ અધિકારી અભય ચુડાસમા, કરાઈ પોલીસ એકેડમી ખાતે કમાન્ડો સેન્ટરની જવાબદારી સંભાળતા આઈજીપી ગીરીશ સિંઘલ અને સુરતના ડીસીપી ઉષા રાડાની દરખાસ્ત ગુજરાત સરકારે મોકલી હતી, જેને કેન્દ્રીય ગૃહ વિભાગે માન્ય કરી હતી. અમદાવાદ બ્લાસ્ટ કેસની તપાસ નવ મહિના ચાલી હતી જેમાં 80 કરતા વધુ આરોપીઓ પોલીસે પકડ્યા હતા. 2022માં કોર્ટમાં કેસ ચાલી જતા કોર્ટે કસુરવાર આરોપીઓને ફાંસની સજાનો હુકમ કર્યો હતો.

આ જ પ્રકારે આઈપીએસ અધિકારી સાગર બગમારને સૌરાષ્ટ્રના કુખ્યાત નીખીલ ડોંગા સામેની કાર્યવાહી માટે તેમજ સુરતના પાંડેસરામાં માતા પુત્રી ઉપર બળત્કાર ગુજારી તેમની હત્યા કરવાના કેસની તપાસ કરી આરોપીને સજા થાય તે પ્રકારની તપાસ કરનાર એસીપી રાજેન્દ્રસિંહ સરવૈયા અને તત્કાલીન પોલીસ ઈન્સપેકટર ભુપેન્દ્ર દવે કેન્દ્રીય ગૃહ વિભાગ ખાસ તપાસ માટે એવોર્ડ આપી તેમનું સન્માન કરશે.








