Thursday, May 2, 2024
HomeGujaratગુજરાતનું એક એવું ગામ કે જ્યાં મહિલાને પ્રસૂતિ કરવા માટે પણ ઝોળી...

ગુજરાતનું એક એવું ગામ કે જ્યાં મહિલાને પ્રસૂતિ કરવા માટે પણ ઝોળી કરીને નાળુ પાર કરવું પડે છે

- Advertisement -

નવજીવન ન્યૂઝ. નર્મદા: ગુજરાતનાં વિકાસ મોડલની વાત આખા વિશ્વમાં કરવામાં આવે છે, પરંતુ જમીની વાસ્તવિકતા કઈક અલગ જ છે. ગુજરાતના કેવડીયા ખાતે નર્મદા નદી ઉપર સરદાર સરોવર ડેમ અને સરદાર પટેલની વિશાળ મુર્તિ બનાવ્યા બાદ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા સતત એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે તેમણે નર્મદા જિલ્લા અને કેવડિયાનો વિકાસ કર્યો છે, પરંતુ કેવડિયા અને નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓની સ્થિતિ કઈક અલગ જ છે, અવાર નવાર આ ગામોની દાયનીય સ્થિતિના વીડિયો સામે આવતા રહે છે.

તાજેતરમાં કેવડિયાની નજીક આવેલા ઝરવાણી ગામનો એક વીડિયો સામે આવ્યો છે. ગામની એક મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવાની હતી, પરંતુ ભારે વરસાદના કારણે ગામના નાળામાં પાણી વધારે પ્રમાણમાં વહેતું હતું, જેના કારણે આ મહિલાને ગામના લોકો ઝોળી કરીને 2 કિલોમીટર સુધી પાણીમાં ચાલીને હોસ્પિટલ લઈ ગયા હતા. આ સમગ્ર ઘટનાના વીડિયો અને ફોટોસ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે.

- Advertisement -

એક તરફ ગુજરાત અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતનાં વિકાસના બણગાં ફૂંકવામાં આવે છે, જ્યારે બીજી તરફ સોશિયલ મીડિયામાં ગુજરાતનાં વિકાસની વાસ્તવિકતા છતી થતી હોય તેવા વીડિયો સતત સામે આવે છે. થોડા સમય અગાઉ એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિનું મૃત્યુ થતાં તેના અંતિમસંસ્કાર કરવા માટે નદી પાર જવાનું હતું, પરંતુ નદી ઉપર રસ્તો ઓળંગવા માટે પુલ ન હોવાને કારણે લોકો જીવના જોખમે નદીમાં ચાલીને અંતિમસંસ્કાર કરવા ગયા હતા. ત્યારે હવે નવો એક વીડિયો સામે આવ્યો છે જેમાં મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલ લઈ જવા માટે પણ લોકોને ઝોળી બનાવીને નાળુ ઓળંગવું પડ્યું હતું.

હવે જોવું રહ્યું કે ગુજરાતનાં સૌથી મોંઘા પર્યટન સ્થળ પર સરકાર જે વિકાસના બણગાં ફૂંકે છે, તે જ સ્થળની આસપાસના ગામોની આ દયનીય સ્થિતિમાં ક્યારે સુધાર આવશે? જે સરદાર પટેલ માટે નાના માણસોની મદદ કરવું અને તેમના માટે લડવું અગત્યનું હતું તે જ સરદાર પટેલની મુર્તિ બનાવી દેવાથી લોકોની સમસ્યા હલ નથી થતી. સરકારે પર્યટન કરતાં વધારે અગ્રિમતા સ્થાનિક લોકોની પ્રાથમિક સુવિધાઓ વિકસાવવાને આપવી જોઈએ.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular