Sunday, May 3, 2026
HomeGujaratરાજ્ય સરકારના "વંદે ગુજરાત વિકાસ"નાં દાવાઓ વચ્ચે રાજપીપળા એસ.ટી ડેપોમાં આદિવાસી વિદ્યાર્થીઓના...

રાજ્ય સરકારના “વંદે ગુજરાત વિકાસ”નાં દાવાઓ વચ્ચે રાજપીપળા એસ.ટી ડેપોમાં આદિવાસી વિદ્યાર્થીઓના ધરણાં!!!!

- Advertisement -

વિશાલ મિસ્ત્રી (નવજીવન ન્યૂઝ. રાજપીપળા): ગુજરાત સરકાર એક તરફ “વંદે ગુજરાત વિકાસ”ની ગાથાઓ ગાઈને રાજ્યના ખૂણે ખૂણે યાત્રાઓ કાઢી રહી છે, તો બીજી બાજુ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારના આદિવાસી વિદ્યાર્થીઓએ અનિયમિત બસ આવતી હોવાના આક્ષેપ સાથે રાજપીપળા એસ.ટી ડેપો પર બસ રોકો આંદોલન કરી ધરણાં પ્રદર્શન કર્યું હતું. આ ઘટના પરથી આદિવાસી વિસ્તારમાં સરકારના વિકાસના દવાઓ પોકળ સાબિત થાય છે. સરકાર દ્વારા જરૂરિયાતમંદો સુઘી સવલતો સુવિધાઓ પહોંચાડી હોવાના રટણ કરાઈ રહ્યા છે ત્યારે કેંદ્ર સરકારના એસ્પિરેસનલ જિલ્લા નર્મદામાં આદિવાસી વિદ્યાર્થીઓ એસ.ટી. બસનાં અભાવે શિક્ષણથી વંચિત રહી જતાં હોય આંદોલનનો માર્ગ અપનાવી રહ્યા છે.

નર્મદા જિલ્લાના ડુંગર વિસ્તારમાં આવેલા નામલગઢ, ગાગર સહિત અનેક ગામોમાંથી રાજપીપળા અભ્યાસ માટે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અપ-ડાઉન કરી રહ્યા છે. તમામ શાળાઓ અને કોલેજ સવારે લગભગ 11 કલાકે પોતાનુ શૈક્ષણિક કાર્ય શરૂ કરી દેતી હોય છે, જેથી વિદ્યાર્થીઓએ પણ પોતાના ઘરેથી થોડું વેહલું જ નીકળવું પડે છે, પરંતું એસ.ટી. તંત્ર દ્વારા ચલાવવામાં આવતી બસ સમય પર આવતી જ ન હોવાની વિદ્યાર્થીઓમાં ફરિયાદ ઉઠી છે. વિદ્યાર્થીઓ 2-3 કિલોમીટર ચાલીને આવે ત્યારે તેમને બસ મળે છે. આવી જ અનેક ફરિયાદોને લઈને નાંદોદ તાલુકાના અંતરિયાળ વિસ્તારના વિદ્યાર્થીઓએ રાજપીપળા એસ.ટી ડેપો ખાતે બસ રોકો આંદોલન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભર બપોરે ધરણાં પર બેસવાનો વારો આવ્યો હતો.

- Advertisement -

બસ નિયમિત આવે નહી ત્યાં સુધી અમે અહીંયાથી ઉઠીશું નહિ તેવી  માગ સાથે હલ્લાબોલ કર્યો છતાં ડેપોનાં કોઈ અધિકારી ત્યાં આશ્વાસન આપવા પણ આવ્યા ન હતા. ધરણા પર બેઠેલા વિદ્યાર્થીઓએ આક્ષેપ લગાવ્યો હતો કે, “અમુક બસો ખાલી જાય છે, તે છતાં અમારી માટે ઊભી રહેતી નથી. અમે સમયસર શાળા-કોલેજમાં પહોંચી શકતા ન હોવાથી અમારે શિક્ષકોનો ઠપકો સાંભળવો પડે છે. એસટી ડેપોના કથળેલા વહીવટનાં કારણે મુસાફરો અને શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનાં અભ્યાસ પર માઠી અસર પડે છે. અવાર-નવાર રજૂઆત કરવા છતાં ડેપો સત્તાધીશોનાં પેટનું પાણી હાલતુ નથી. જો કે ડેપો મેનેજર અને પોલીસે બસ સમયસર આવશે એવી બાહેધરી આપતા અંતે વિદ્યાર્થીઓએ આંદોલન આટોપ્યું હતું.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular