નવજીવન ન્યૂઝ. અમદાવાદ: અમદાવાદમાં યુવાનો છેલ્લા ઘણા સેમયથી મોટા પ્રમાણમાં ડ્રગ્સના રવાડે ચઢી રહ્યા છે. અમદાવાદનાં પોશ ગણાતા વિસ્તારોમાં ડ્રગ્સ વેચવું અને ડ્રગ્સનું સેવન કરવું સામાન્ય બનતું જાય છે, ત્યારે અમદાવાદ પોલીસે આગળ આવીને એક નવું અભિયાન શરૂ કર્યું છે, જેમાં પોલીસ અલગ અલગ કોલેજ અને યુનિવર્સિટીમાં જઈને યુવાનોને ડ્રગ્સના સેવનથી દૂર રહેવા અપીલ કરી રહી છે અને ડ્રગ્સ અંગે જાગૃતિ લાવવાના પ્રયાસ કરી રહી છે.
આ કાર્યક્રમ અંતર્ગત અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આમદવાદની સિલ્વર ઓક કોલેજમાં એક સેમિનારનું આયોજન કર્યું હતું. જેમાં અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચ DCP જે.વી.વાળા, PSI એસ.યુ.ઠાકુર અને એચ.જી.પટેલ તેમજ ‘હાઇ ઓન લાઈફ’ NGO તરફથી કૃણાલ શાહ અને મનોચિકિત્સક ડૉ.યાત્રી પટેલ પણ હજાર રહ્યા હતા. આ કાર્યક્રમમાં કોલેજના યુવાનોને ડ્રગ્સના ગેરફાયદા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત આ કાર્યક્રમના અંતમાં અમદાવાદ SOG ક્રાઇમ બ્રાન્ચના DCP જે.વી.વાળાએ વિદ્યાર્થીઓને ડ્રગ્સ અને કોઈ પણ પ્રકારના વ્યસનથી દૂર રહેવા માટે શપથ પણ લેવડાવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદમા જેવી રીતે ડ્રગ્સનું દૂષણ વધી રહ્યું છે તેમ જોતાં યુવાનોને આ બદીથી દૂર રાખવા માટેનો પોલીસની આ યોજના અત્યંત અગત્યની છે. ગુજરાતમાં દારૂબંધીમાં જેમ દારૂની વેચાણ ખુલ્લે આમ થાય છે તેમ હવે ડ્રગ્સ પણ અમદાવાદમા મેળવવું સહેલું થતું જાય છે. પોલીસ અને પ્રજાના સમન્વય દ્વારા જ આ દૂષણને અટકાવી શકાય માટે પોલીસની આ કામગીરી સરહનીય છે.








