Sunday, July 13, 2025
HomeGujaratગુજરાતમાં મોગલ આક્રમણકારીઓ સામે ઝઝૂમી ધર્મના રક્ષણનું પ્રતિક બનેલ આ મંદિરનો કરોડોના...

ગુજરાતમાં મોગલ આક્રમણકારીઓ સામે ઝઝૂમી ધર્મના રક્ષણનું પ્રતિક બનેલ આ મંદિરનો કરોડોના ખર્ચે થશે જોરદાર વિકાસ

- Advertisement -

નવજીવન ન્યૂઝ, રાજકોટ: પૌરાણિક તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા તથા દેશના દ્વાદશ જ્યોતિર્લિંગોમાં પ્રથમ સોમનાથ મહાદેવનો અભૂતપૂર્વ વિકાસ થયો છે, તો સોમનાથનો પડછાયો ધરાવતા તથા ઐતિહાસિક શૌર્યના સાંસ્કૃતિક પ્રતીક સમા ઘેલા સોમનાથ મહાદેવ મંદિરના વિકાસ ઉપર પણ સરકારે એટલું જ ધ્યાન આપ્યું છે.

મોગલ આક્રમણકારીઓ સામે ધર્મ અને સંસ્કૃતિના રક્ષણ કાજે બલિદાન આપીને એક શિવલિંગનું રક્ષણ કરવા માટે અભૂતપૂર્વ શૌર્ય દાખવનારાઓની યશોગાથા સમાન ઘેલા સોમનાથ મહાદેવનુ ધાર્મિક અને ઐતિહાસિક મહત્વ સમજી રાજ્ય સરકાર આ ઘેલા સોમનાથ મંદિર પરિસર ખાતે એક તરફ વારસાની જાળવાણી માટેના કાર્યો હાથ ધરી રહી છે, તો બીજી બાજુ લાખો શ્રદ્ધાળુઓ માટે અનેક સુવિધાઓ ઊભી કરી રહી છે. અને એટલે જ સોમનાથ મહાદેવ સહિત અનેક મંદિરોમાં જે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો છે, તેવો જ લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો હવે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર ખાતે પણ શરૂ થવાનો છે.

- Advertisement -

સૌરાષ્ટ્રમાં રાજકોટ જિલ્લાના વીંછિયા તાલુકામાં સોમપિપલિયા ખાતે આવેલા સાડા પાંચ સો વર્ષ ઉપરાંતના સાંસ્કૃતિક પ્રતીકોના સંરક્ષણ-જીર્ણોદ્ધાર તથા શ્રદ્ધાળુઓની સુવિધા માટે અંદાજે રૂ. ૬.૦૦ કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો તો ટુંક સમયમાં શરૂ થવા જઈ રહ્યા છે.

લાઇટ એન્ડ સાઉન્ડ શો થી ઝળહળશે મંદિર
ઘેલા સોમનાથ મંદિર નવીનીકરણ-આધુનિકીકરણ પ્રોજેક્ટ હેઠળ જે મહત્વના વિકાસ કાર્યો થવાના છે, તેમાં અંદાજે રૂ. ૪ કરોડના ખર્ચે લેઝર લાઇટ એન્ડ સાઉન્ડ શો સૌથી મહત્વનો છે. લેઝર એન્ડ સાઉન્ડ શોની કામગીરી માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવેલ છે અને તેણે કામગીરી શરૂ કરી દીધી છે. રાજ્યના મોટાભાગના મુખ્ય ધાર્મિક સ્થળોએ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોની સુવિધા ઊભી કરાઈ છે. તેવી જ રીતે ઘેલા સોમનાથ મહાદેવ મંદિર સંકુલ પણ લેસર લાઇટ એન્ડ સાઉન્ડ શોથી ઝળહળી ઉઠશે.

મુખ્ય મંદિરનો કાયાકલ્પ અને જીર્ણોદ્ધાર
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા આ ઉપરાંત અંદાજે રૂ. ૬ કરોડના ખર્ચે અનેક પ્રકારના આધુનિકીકરણ અને નવીનીકરણ કાર્યો હાથ ધરવામાં આવશે. તેમાં મુખ્ય મંદિરનો કાયાકલ્પ-જીર્ણોદ્ધાર કરવામાં આવશે. તેના હેઠળ મંદિરનું મુખ્ય દ્વાર, પાળિયા સમાધિનો જીર્ણોદ્ધાર કરવામાં આવશે. આ ઉપરાંત; શ્રદ્ધાળુઓ માટે બેઠક વ્યવસ્થા, મંદિરની આજુબાજુ પાક્કા માર્ગો, લેન્ડસ્કેપિંગ, બગીચા, શહીદ સ્મારકનું પુનર્નિર્માણ તથા સૌંદર્યીકરણ કરવામાં આવશે. તેવી જ રીતે મુખ્ય માર્ગ, તેની બંને બાજુએ પુનર્નિર્માણ અને રાહ જોવાના સ્થળોનો વિકાસ કરાશે. આ ઉપરાંત; યજ્ઞશાળાનું પુનર્નિર્માણ કરવામાં આવશે.

- Advertisement -

શિવ શિલ્પો, પેઇન્ટિંગ, શોપિંગ સેન્ટર
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી મુજબ ઘેલા સોમનાથ મહાદેવ સંકુલ ખાતે મુખ્ય માર્ગના રૅમ્પના પગથિયા, બંને બાજુ લેન્ડસ્કેપ સાથે, જન્મથી નિર્વાણ સુધીના જીવનના વિવિધ તબક્કાઓ દર્શાવતા શિવ શિલ્પોના વિવિધ સ્વરૂપોના પત્થરના ચિત્રપટ, ફ્રન્ટ રોડ સાઇડ કમ્પાઉન્ડ, વૉલમાં શણગારાત્મક પત્થરની કમાન તથા શિવ મહાત્મ્યનું ચિત્રપિટ પેઇન્ટિંગ, મુખ્ય મંદિરની સામે મીનળદેવી ટેકરીના પાયાની તળેટી ખાતે શોપિંગ સેન્ટર તેમજ પાર્કિંગ તૈયાર કરવામાં આવશે.

તદુપરાંત; મંદિરમાં રિનોવેશન પણ કરવામાં આવશે. જેમાં ગર્ભ ગૃહના માર્બલ, કાંગરા, અને પ્લિન્થનું ક્લેડિંગ કરવામાં આવશે. હાલ યાત્રાળુઓ માટે પરિસરમાં બેસવાની જગ્યામાં વધારો થશે અને શોપિંગ માટે હાલ રસ્તાની બંને તરફ દુકાનો બનાવવામાં આવશે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular