નવજીવન ન્યૂઝ.ગાંધીનગર: રાજ્યના શિક્ષણ વિભાગે સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર વચગાળાની વ્યવસ્થા તરીકે નિવૃત્ત શિક્ષકોની ભરતી કરવાનો નિર્ણય ભારે વિરોધને પગલે માત્ર બે જ દિવસમાં પાછો ખેંચી લીધો છે. રાજ્યના હજારો TET-TAT પાસ ઉમેદવારોની નારાજગી બાદ સરકારે 25 માર્ચ, 2024ના રોજ કરેલો પરિપત્ર મૂળ અસરથી રદ કરવાની જાહેરાત કરી છે.
શું હતો સરકારનો મૂળ નિર્ણય?
શિક્ષણ વિભાગ દ્વારા 25 માર્ચ, 2024ના રોજ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. આ પરિપત્રમાં જણાવ્યા મુજબ, રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં નિયમિત ભરતી અને જ્ઞાન સહાયકોની નિમણૂક કર્યા પછી પણ જે જગ્યાઓ ખાલી રહી છે, ત્યાં શૈક્ષણિક કાર્ય ખોરવાય નહીં તે માટે નિવૃત્ત શિક્ષકોને કામચલાઉ ધોરણે નિમણૂક આપવાની સૂચના આપવામાં આવી હતી. આ નિર્ણય પાછળનો હેતુ વિદ્યાર્થીઓનું ભણતર ન બગડે તે માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાનો હતો.

શા માટે થયો વિરોધ?
આ નિર્ણયની જાહેરાત થતાં જ વર્ષોથી શિક્ષકની ભરતીની રાહ જોઈ રહેલા હજારો TET-TAT પાસ ઉમેદવારોમાં ભારે નારાજગી ફેલાઈ હતી. ઉમેદવારોનું કહેવું હતું કે એક તરફ રાજ્યમાં હજારો લાયકાત ધરાવતા યુવાન ઉમેદવારો બેરોજગાર છે અને ભરતીની રાહ જોઈ રહ્યા છે, ત્યારે સરકાર નિવૃત્ત થયેલા શિક્ષકોને ફરીથી નોકરી પર રાખીને તેમની સાથે અન્યાય કરી રહી છે. સોશિયલ મીડિયા પર અને ઉમેદવારોના સંગઠનો દ્વારા આ નિર્ણયનો ઉગ્ર વિરોધ શરૂ થયો હતો.
સરકારનો યુ-ટર્ન અને નિર્ણય રદ
ચારે તરફથી થયેલા વિરોધને પગલે શિક્ષણ વિભાગે તાત્કાલિક અસરથી પોતાનો નિર્ણય બદલ્યો હતો. નાયબ સચિવ (શિક્ષણ વિભાગ) સતિશ જે. પરમારની સહીથી જાહેર કરાયેલા નવા પરિપત્રમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, “નિવૃત્ત શિક્ષકોને કામગીરી સોંપવાની સૂચના આપવામાં આવેલ હતી, તે મૂળ અસરથી રદ કરવામાં આવે છે.” આમ, સરકારે ઉમેદવારોના વિરોધ સામે ઝૂકીને પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે.
ગુજરાતમાં ખાલી જગ્યાઓનો પ્રશ્ન યથાવત
આ ઘટનાએ ફરી એકવાર ગુજરાતમાં શિક્ષકોની ખાલી જગ્યાઓના ગંભીર પ્રશ્નને ઉજાગર કર્યો છે. એક દાવા મુજબ, રાજ્યમાં શિક્ષકો અને આચાર્યોની 4,000થી વધુ જગ્યાઓ ખાલી છે. વિરોધપક્ષ પણ અવારનવાર શિક્ષણનું સ્તર કથળતું હોવા અંગે અને ખાલી જગ્યાઓ ન ભરવા બદલ સરકાર પર આક્ષેપો કરતો રહ્યો છે. નોંધનીય છે કે, શિક્ષણ વિભાગની જગ્યાઓ ભરવા માટે 2013માં એક અલગ આયોગની રચનાનું જાહેરનામું બહાર પડાયું હતું, પરંતુ 12 વર્ષ વીતી ગયા છતાં તેનો સંપૂર્ણ અમલ થઈ શક્યો નથી.








