નવજીવન ન્યૂઝ, અમદાવાદ : અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ (Ahmedabad-Mumbai Bullet Train Project) જોરશોરથી આગળ વધી રહ્યો છે. અમદાવાદમાં સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ ધરાવતા 36 મીટર ઊંચા પુલનું બાંધકામ પ્રગતિમાં છે.
બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં 480 મીટર લાંબો પુલ (Bullet Train Project Bridge) પશ્ચિમ રેલવેની અમદાવાદ–દિલ્હી મુખ્ય લાઇનની બાજુમાં બનાવવામાં આવી રહ્યો છે. પુલના તમામ આઠ વર્તુળાકાર પિયર્સ, જેમનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. જે પૂર્ણ થઈ ચૂક્યા છે. તેમાંના ચાર નદીના પટમાં, બે નદીના કિનારાઓ પર (એક-એક બન્ને બાજુએ) અને બે નદીના કિનારાથી બહાર સ્થિત છે. પિયર્સની ઊંચાઈ 31 થી 34 મીટર વચ્ચે છે. નદીના પાણીના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ રહે તે માટે પિયર્સનું વ્યૂહાત્મક આયોજન કરવામાં આવ્યું છે. આ પુલ 76 મીટરના 5 સ્પાન અને 50 મીટરના 2 સ્પાનથી બનેલો છે, જેમાં દરેક સ્પાનનું નિર્માણ 23 સેગમેન્ટ દ્વારા સાઇટ પર જ (ઇન-સિટુ) કરવામાં આવી રહ્યું છે.








