Monday, June 1, 2026
HomeGujaratગુજરાતમાં 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે...

ગુજરાતમાં 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી

- Advertisement -

નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ રાજ્યમાં 16 જૂને શરૂ થયેલા ચોમાસાએ હવે સમગ્ર ગુજરાતને બાનમાં લીધું છે. એક સાથે ત્રણ-ત્રણ વરસાદી સિસ્ટમ (અપર એર સાઈક્લોનિક સર્ક્યુલેશન, ટ્રફ લાઈન અને વેલમાર્ક લો પ્રેશર) સક્રિય થતાં રાજ્યમાં સાર્વત્રિક ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ માટે મેઘરાજાના રૌદ્ર સ્વરૂપની આગાહી કરી છે, જ્યારે આગામી 3 કલાક માટે 14 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. 28 જુલાઈના રોજ રાજ્યના 14 જિલ્લામાં ભારે વરસાદના રેડ એલર્ટ જારી કરવામાં આવ્યા છે, જેમાં નડિયાદ, દાહોદ, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ સહિતના જીલ્લાઓ શામેલ છે. સવારે 10 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી અને તે મુજબ અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ વરસ્યો છે.

આગામી 3 કલાક માટે 14 જિલ્લામાં રેડ એલર્ટ

હવામાન વિભાગે તાત્કાલિક ચેતવણી આપતાં સવારના 10 વાગ્યાથી બપોરના 1 વાગ્યા સુધી રાજ્યના 14 જિલ્લાઓમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં દાહોદ, વડોદરા, પંચમહાલ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, પાટણ, બનાસકાંઠા, અને સુરેન્દ્રનગરનો સમાવેશ થાય છે. આ વિસ્તારોમાં ભારે વરસાદની સાથે વીજળી પડવાની પણ શક્યતા છે. આ સિવાય 15 જિલ્લામાં ઓરેન્જ અને 4 જિલ્લામાં યલો એલર્ટ પણ જારી કરાયું છે.

- Advertisement -

છેલ્લા 24 કલાકનો વરસાદી કહેર: નડિયાદ જળબંબાકાર

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 198 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદનો કહેર ખેડા જિલ્લા પર વરસ્યો છે.

  • નડિયાદ (ખેડા): 11 ઇંચ
  • દસ્ક્રોઈ (અમદાવાદ): 10 ઇંચ
  • મહેમદાવાદ (ખેડા): 9 ઇંચ
  • માતર (ખેડા): 8 ઇંચ

સમગ્ર ખેડા જિલ્લામાં 3 થી 11 ઇંચ સુધીના ભારે વરસાદે જનજીવન અસ્તવ્યસ્ત કરી દીધું છે.

રાજ્યમાં મોસમનો 61% વરસાદ પૂર્ણ: ઝોન પ્રમાણે શું છે સ્થિતિ?

ચોમાસાની આ સીઝનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં સરેરાશ 61.32% વરસાદ વરસી ચૂક્યો છે. ઝોન પ્રમાણે આંકડા જોઈએ તો, છેલ્લા 24 કલાકમાં પૂર્વ-મધ્ય ઝોનમાં સૌથી વધુ સરેરાશ 60.69 મીમી વરસાદ નોંધાયો છે. કુલ વરસાદની વાત કરીએ તો, દક્ષિણ ગુજરાત 951.7 મીમી વરસાદ સાથે સૌથી આગળ છે. રાજ્યના અન્ય ઝોનમાં પણ સારો વરસાદ પડ્યો છે, જેમાં કચ્છમાં 64.16%, ઉત્તર ગુજરાતમાં 65% અને સૌરાષ્ટ્રમાં 54.9% વરસાદ નોંધાયો છે. રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 540.78 મીમીએ પહોંચ્યો છે.

- Advertisement -

ધોધમાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત, ઠેર ઠેર પાણી ભરાયા

ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા છે. અમદાવાદમાં ભારે વરસાદથી માર્ગો પર નદીઓ વહેતી હોય તેવાં દ્રશ્યો સર્જાયા છે, જેના કારણે BRTS અને AMTSની બસો પણ પાણીમાં ફસાઈ હતી. પાલનપુર-છાપી હાઇવે પર ગાડીઓ પાણીમાં ડૂબવા લાગી હતી, તો મહેસાણાના સતલાસણામાં પાણીના પ્રવાહમાં એક ટ્રેક્ટર તણાયું હતું.

ડેમની સ્થિતિ: નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો

ઉપરવાસમાં ભારે વરસાદને કારણે રાજ્યના ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે.

  • ધરોઈ ડેમ: પાણીની ભારે આવકને કારણે ડેમના દરવાજા ગમે ત્યારે ખોલવા પડે તેવી સ્થિતિ છે.
  • નર્મદા ડેમ: મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ઇન્દિરા સાગર અને ઓમકારેશ્વર ડેમમાંથી 2.62 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે, જે 32 કલાકમાં સરદાર સરોવર પહોંચશે. હાલ નર્મદા ડેમની સપાટી 124.31 મીટર છે અને આ નવા પાણીની આવકથી તેમાં દોઢથી બે મીટરનો વધારો થશે.

અંબાલાલ પટેલની આગાહી: ઓગસ્ટ મહિનો પણ રહેશે વરસાદી

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે લાંબા ગાળાની આગાહી કરતાં જણાવ્યું છે કે, ઓગસ્ટ મહિનો પણ વરસાદથી ભરપૂર રહેશે. એક પછી એક વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ઓગસ્ટમાં સારો વરસાદ પડશે. તેમણે ખાસ કરીને 6 થી 10 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે, જે ખેડૂતો માટે સારા સમાચાર છે.

- Advertisement -

હવામાન વિભાગે જાહેર કરેલી સૂચના અનુસાર આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા છે. ટ્રફ લાઇન ગુજરાતમાંથી પસાર થાય છે અને સાઈક્લોનિક સર્ક્યુલેશન પણ સક્રિય છે, જેથી મોટાભાગના વિસ્તારોમાં વીજળી સાથે વરસાદ વરસે તેવી શક્યતા છે. સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં 30 થી 40 કિમીની ઝડપે પવન ફૂંકાશે. માછીમારો માટે દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે.

Follow on Social Media

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES
- Advertisment -

Most Popular