નવજીવન ન્યૂઝ, વડોદરા: આજનો યુગ એટલો ડિજીટલ બની રહ્યો છે કે યુવાઓથી લઇને વૃદ્ઘો સુધી તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. એટલું જ નહીં ઓનલાઇન એકબીજાને મળીને પ્રેમ પણ થઇ રહ્યો છે અને પ્રેમલગ્ન પણ થઇ રહ્યા છે. આ બધુ તો થઇ ગયા બાદ જ્યારે કોઇ સમસ્યા આવે ત્યારે આ બધુ જ બહાર આવી રહ્યું છે અને અભયમ દ્વારા આવા કિસ્સાઓમાં સમજાવટ કરી તૂટતા સંબંધોને બચાવવામાં આવી રહ્યો છે.
આવો જ એક કિસ્સો વડોદરામાં બન્યો. જેમાં વડોદરાથી 60 વર્ષના એક મહિલાએ 181 મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી જણાવ્યું હતું કે, તેમના લગ્નના ચાર મહિના થયા છે પરંતુ મારા પતિ ડોક્યુમેન્ટ મારા નામ સાથે તેમનું નામ દાખલ કરાવતાં નથી.
પ્રાપ્ત માહિતી અનુસાર વિધવા મહિલા અને વિધુર બંને ઇન્સ્ટાગ્રામથી પરિચયમાં આવ્યા હતા અને મિત્રતા થઇ હતી. પુરુષ 68 વર્ષના છે જેઓને પરિવારમાં કોઈ નથી. જ્યારે સ્ત્રીને બે મોટાં બાળકો છે. જેથી 60 વર્ષના વિધવા મહિલાએ આજથી ચાર મહિના પહેલા 68 વર્ષના વિધુર પુરુષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા.
મહિલાને પોતના નામ પાછળ તેમના પતિનું નામ આવે તે માટે જરૂરી દસ્તાવેજ જેવા કે આધારકાર્ડ, રેશન કાર્ડ, પાનકાર્ડ વગેરેમાં ફેરફાર કરાવવાનુ જણાવતાં હતા. જેથી પતિએ જણાવ્યું હતું કે મેં આ ડોક્યુમેન્ટમાં ફેરફાર કરવા તપાસ કરી છે પરંતુ તેઓ ફી વધારે માગે છે જેથી કરાવ્યા નથી.
જેથી અભયમ દ્વારા વૃદ્ઘ દંપતિને એકબીજા સાથે સૌજન્ય પૂર્ણ વયવહાર સાથે વિશ્વાસ અને હૂફથી રહેવા જણાવવામાં આવ્યું હતું. આ ઊપરાંત જરૂરી ડોક્યુમેન્ટ માટે મેરેજ સર્ટિફિકેટની ખાસ જરુરી પડશે. આ ઉપરાત રહેઠાણના આધાર પુરાવાઓ અગાઉ નામ ચાલતું હોય તે રદ કરાવવા પડે વગેર માહિતીની સાથે સેવા સદન અને નાગરિક સુવિધા કેન્દ્રનો સંપર્ક કરવા માહિતગાર કર્યાં હતા. અભયમ ટીમ સ્થળ પર પહોંચી બંનેને સાથે રહી ડોક્યુમેન્ટમાં જરૂરી સુધારા કરાવવા માહિતી આપી હતી.








