Saturday, April 25, 2026
HomeGeneralનેતાઓના પક્ષ પલટા બાદ ઈશુદાન ગઢવીનો મોટો દાવોઃ ભાજપના ઘણા મોટા નેતાઓ...

નેતાઓના પક્ષ પલટા બાદ ઈશુદાન ગઢવીનો મોટો દાવોઃ ભાજપના ઘણા મોટા નેતાઓ અમારા સંપર્કમાં છે

- Advertisement -

નવજીવન. અમદાવાદઃ ગુજરાતમાં આગામી સમયમાં આવી રહેલી વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાતની રાજનીતિમાં ગરમાવો આવી રહ્યો છે. કેટલાક નેતાઓ પક્ષ પલટો કરી રહ્યા છે તો બીજી તરફ નેતાઓ અન્ય પક્ષો સામે આક્ષેપબાજી કરી રહ્યા છે. ગુજરાત આમ આદમી પાર્ટીને ગઈકાલે એક સાથે ત્રણ ઝાટકા લાગ્યા છે. વિજય સુવાળા અને નીલમ વ્યાસે ગઈકાલે આપ છોડીને ભાજપનો ખેસ પહેર્યો હતો, જ્યારે સુરતના ઉદ્યોગપતિ અને આપ (આમ આદમી પાર્ટી)ના નેતા મહેશ સવાણીએ ગઈકાલે રાતે પ્રેસ કોન્ફરન્સ કરીને આપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદ એવી અટકળો શરુ થઈ ગી હતી કે આપમાંથી અન્ય કેટલાક નેતાઓ પણ રાજીનામું આપી શકે છે.

આ અટકળોનો જવાબ આપવા માટે આજે ગુજરાત આમ આદમી પાર્ટીના ‘કેજરીવાલ’ ઈશુદાન ગઢવીએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસા આપ્યા હતા. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે, “અમારા નેતાને પ્રલોભન આપીને અને ડરાવી ધમકાવીને ભાજપ લઈ જાય છે. હવે મને પણ મરાવી નાખો. ભાજપ અને પાટીલ ભાઉની સરકારે અમને જેલમાં પૂર્યા હતા. મને દારૂના કેસમાં ફસાવવાની કોશિશ કરવામાં આવી. 12 દિવસ પછી રિપોર્ટ આપવામાં આવે છે. અમારી લડાઈ વ્યવસ્થા પરિવર્તન માટેની છે. આમ આદમી પાર્ટીમાં અનેક લોકો જોડાયા છે. આમ આદમી પાર્ટી છોડનાર નેતાઓને અમે અભિનંદન આપીએ છીએ. તેમણે અત્યાર સુધી અમારી સાથે રહીને લડાઈ લડી છે, તેઓ ક્રાંતીવીર છે. ભાજપની સામ, દામ અને દંડની નીતિ છે. ભાજપે પ્રેશર ટેક્નિક અપનાવી છે.”

- Advertisement -



તેમણે ઉમેર્યું હતું કે, “ભાજપે ભૂતકાળમાં પણ સુરતમાં અમારા કોર્પોરેટરોને તોડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમણે સફળ થયા ન હતા. હવે અમને ડરાવા ધમકાવવાનું શરુ કર્યું છે. ભાજપને ડર લાગ્યો છે અને તેના કારણે અમને બદનામ કરે છે. અમારી પાર્ટી છોડનારા નેતાઓનો આ વ્યક્તિગત નિર્ણય છે. હું સ્પષ્ટ પણે માનું છું કે, ભાજપે સામ, દામ, દંડ અને ભેદની નીતિ અપનાવી છે. હવે અમે બમણો સંઘર્ષ કરીશું અને લડાઈ લડીશું. આમ આદમી પાર્ટી ક્રાંતિવીરોની પાર્ટી છે. ઘણા નેતા આવશે અને જશે પણ અમારી લડાઈ ચાલુ જ રહેશે. 2022માં આમ આદમી પાર્ટીની સરકાર બનશે અને જ્યારે ભાજપ વિરોધ માટે આવશે તો અમે તેમને ચ્હા પીવડાવીશું અને તેમની વાત સાંભળીશું. ભાજપ બધાને પ્રલોભનો આપે છે. જાન્યુઆરી 2023માં આમ આદમી પાર્ટીનો નેતા શપથ લેશે.”

આ ઉપરાંત તેમણે એક દાવો હતો કે અમારા સંપર્કમાં ભાજપના મોટા નેતાઓ છે. ઈશુદાન ગઢવીના આ દાવાનો મતલબ એવો પણ થઈ શકે છે કે ભવિષ્યમાં ભાજપના કેટલાક મોટા નેતાઓ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે આજે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ઈશુદાને વિજય રુપાણી, નીતિન પટેલ અને કુવરજી બાવળીયા જેવા ભાજપના મોટો નેતાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

- Advertisement -





Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular