Saturday, April 25, 2026
HomeGeneralજેમને ધંધો કરવો છે તેમણે સરકાર સામે પડવુ જોઈએ નહીંઃ મહેશ સવાણીને...

જેમને ધંધો કરવો છે તેમણે સરકાર સામે પડવુ જોઈએ નહીંઃ મહેશ સવાણીને જલદી સમજાઈ ગયુ કે કફન પણ મોંધુ પડી શકે તેમ છે

- Advertisement -

પ્રશાંત દયાળ (નવજીવન. અમદાવાદ): સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પોતાના ધંધામાં સારૂ એવુ કાઠુ કાઢયુ છે, તેમના ઉદ્યોગમાંથી થતી આવકમાંથી તેમણે મોટો હિસ્સો સમાજના કામમાં પણ વાપર્યો છે અને વાપરી રહ્યા છે, આમ તેમનો ધંધો અને સેવાના કામ અંગે આંગળી ચીંધી શકાય તેમ નથી, આમ બધુ સમુ સુથરુ ચાલતુ હતું ત્યાં અચાનક મહેશ સવાણીને રાજકારણમાં આવવાનો ચસકો લાગ્યો અને આમ આદમી પાર્ટીમાં જોડાઈ ગયા, આમ આદમી પાર્ટીના અનેક કાર્યક્રમો-ધરણા પ્રદર્શન અને આંદોલનનો હિસ્સો પણ બન્યા હતા, પરંતુ સોમવારે અચાનક તેમણે આમ આદમી પાર્ટી છોડી દેવાની જાહેરાંત કરી, તેમણે આમ તો રાજકિય સન્યાસની વાત કરી પણ તેમની પત્રકાર પરિષદ સાંભળનારને અંદાજ આવી ગયો હતો કે તેઓ બહુ જલદી ભાજપમાં સામેલ થાય તો નવાઈ નહીં. તેમણે રાજકિય સન્યાસ લેવા પાછળનું કારણ પોતાની તબીયત અને સેવાના કામમાં થઈ રહેલા વિલંબનું કારણ આપ્યુ પરંતુ આમ આદમી પાર્ટીમાં જોડાતા પહેલા સવાણીજીને આવનારી તમામ પરિસ્થિતિનો અંદાજ તો હતો છતાં તેમણે રાજકારણમાં ઝુકાવ્યુ હતું. ખેર તો તેમનો અંગત નિર્ણય છે પણ મહેશ સવાણીના પોલીટીક્સમાં એન્ટ્રી-એકઝીટના આ કારણો હોઈ શકે છે.



માણસની પહેલી અગ્રતા પૈસા કમાવવાની હોય છે, ખુબ પૈસા આવી જાય પછી માણસને ઓળખની ભુખ લાગે છે, મહેશ સવાણીના કેસમાં તેમણે ખુબ મહેનત કરી કરોડો રૂપિયા કમાવ્યા, પોતાનું એક સામ્રાજય ઉભુ કર્યુ, પોતાની સામ્રાજયમાંથી તેમણે થોડા પૈસા સમાજના લોકો માટે વાપર્યા જેના કારણે તેમની એક શ્રેષ્ઠી તરીકે ઓળખ પણ ઉભી થઈ, પૈસા પણ આવ્યા અને શ્રેષ્ઠી તરીકેની ઓળખ હોવા જીવનમાં કઈક ખુટી રહ્યુ છે તેવુ મહેશ સવાણી માનતા હશે અને જે ખુટી રહ્યુ હતું તે સત્તા હતી, આપણા ઘણા મંત્રીઓ પાસે કરોડ રૂપિયાની માલિકીની અંગત કાર છે છતાં મંત્રીની વીસ લાખ રૂપિયાની ઈનોવા કારમાં તેઓ બેસે ત્યારે તેમને સત્તાનો સ્પર્શ થાય આવી જ અનુભુતિ સવાણીજીને કરવી હશે અને તેમણે આમ આદમી પાર્ટીમાં જોડાવવાનો નિર્ણય લીધો.

મહેશ સવાણીની પહેલી પત્રકાર પરિષદ જો યાદ કરીએ તો તેમણે કહ્યુ હતું કફન બાંધી નિકળ્યો છુ, પણ મહેશ સવાણીને બહુ જલદી સમજાઈ ગયુ કે કફન પણ હવે મોંઘુ થઈ ગયુ છે, કફન બાંધવાની હિમંત તો તે લોકો જ કરે છે જેમની પાસે ગુમાવવાનું કઈ નથી, જેમની પાસે ગુમાવવા જેવુ કઈ પણ છે અને તે ગુમાવવાની તૈયારી નથી તો તેમણે લડાઈમાં ઝંપલાવુ જોઈએ નહીં, મહેશ સવાણીનો કારોબાર જ એક હજાર કરોડ કરતા વધારેનો છે. જેમને ધંધો જ કરવો છે તેમણે સરકાર સામેની લડાઈ લડવી જોઈએ નહીં તેવુ બહુ જલદી મહેશ સવાણીને સમજાઈ ગયુ હશે કારણ આ લડાઈ તેમને અને તેમના વ્યવસાયને અનેક રીતે મુશ્કેલીમાં મુકી શકે તેમ છે, જેના કારણે પાછા પગલાં ભરવામાં જ ડાહપણ છે તેવુ તેઓ સમજી ગયા હશે.



સવાણી પાટીદાર છે, સવાણીને સમજાવવા અને મનાવવા – ડરવા પાટીદાર ફેકટર બહુ મહત્વનું સાબીત થયુ હશે, પાટીદાર સંબંધના તાણાવાણા મજબુત છે, સવાણીને આમ આદમી પાર્ટી છોડવા માટે સામાજીક દબાણ પણ અગત્યનું સાબીત થયુ હશે કારણે ગુજરાતના સોશીયલ ફેબ્રીકને ભાજપના નેતાઓ સારી રીતે સમજે છે, તેમને ખબર છે કોને મનાવવા કયાં સંબંધનો ઉપયોગ કરી શકાય છે, સવાણીની આમ આદમી છોડવાની પરિષદમાં પહેલા જેવો રણકો ન્હોતો, તે પોતાના જુના સાથીઓ વિરૂધ્ધ કોઈ આરોપ મુકી રહ્યા ન્હોતા અને ભાજપમાં જોડાશે તેવા પ્રશ્નના ઉત્તરને સીફતપુર્વક ટાળી રહ્યા હતા.

- Advertisement -

મહેશ સવાણીનું આમ આદમ પાર્ટી છોડવા માટે માત્ર ભાજપનું જ કારણ હોય તેવુ પણ નથી આમ આદમી પાર્ટીમાં પણ મોટુ કમઠાણ ચાલી રહ્યુ છે, સપાટી ઉપર દેખાતી શાંતિ આભાસી છે. સવાણીજીને અંદાજ આવી ગયો હશે કે આ સંઘની સાથે બહુ દુર સુધી જઈ શકાય તેમ નથી. મહેશ સવાણી વેપારી માણસ છે પોતાનો નફો નુકશાન સારી રીતે સમજે છે. સી આર પાટીલ પણ સુરતના છે સવાણીને પોતાનો ફાયદો શેમા છે તે પાટીલ સાહેબ કરતા વધારે કોણ સમજાવી શકે, એક તરફ મધ્ય દરિયે અટવાઈ રહેલી આમ આદમી પાર્ટીની હોડી છે બીજી તરફ ભાજપ જેવુ આલીશાન ક્રુઝ છે. હજી મહેશ સવાણીએ ભાજપમાં જવાની જાહેરાંત કરી નથી પણ તેમનો ઉત્તર હતો જયાં સેવાનો મોકો મળશે ત્યાં જઈશ જોવુ રહ્યુ કોણ કોની સેવા લઈ રહ્યુ છે.


સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ત્રણ યાદગાર પુસ્તકો

૧. લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.૧૧૦)

- Advertisement -

૨. જીવતી વારતા (કિંમત રૂ.૧૫૦)

૩. ૨૦૦૨ : રમખાણોનું અધૂરું સત્ય (કિંમત રૂ. ૧૫૦)

પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુકશૅલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ

- Advertisement -

98252 90796 પર ફોન કે વૉટ્સએપ મેસેજ કરીને પણ પુસ્તકો ઘરેબેઠાં મેળવી શકાય છે.



Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular