નવજીવન ન્યૂઝ.સુરેન્દ્રનગરઃ આમ જોવા જઈએ તો સરકાર સરકારનું કામ કરે અને પાર્ટી પાર્ટીનું પરંતુ છેલ્લા કેટલાક સમયથી સરકારી જાહેરાત પણ કમલમથી થતી હોય તેવું ઘણી વખત જોવા મળ્યું છે. હાલમાં ચૂંટણીના માહોલ વચ્ચે ભારતીય જનતા પાર્ટી વ્યસ્ત હોય તે સ્વાભાવીક છે પરંતુ આવા માહોલ વચ્ચે એક એસઆઈએ પોતાની અરજી પર સરકાર યોગ્ય નિર્ણય કરે તેની રાહ જોતા જોતા પોતાની આંખો મીચી દીધી છે. ગુજરાત પોલીસ બેડા માટે આ કરુણ સમય હોઈ શકે છે.
આપ જાણો છો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાત પોલીસના કર્મચારીઓ ગ્રેડ પેના મામલાને લઈને સરકાર સામે રજૂઆતો કરી ચુક્યા છે. એવી જ રીતે સુરેન્દ્રનગરમાં એએસઆઈ તરીકે ફરજ બજાવતા શૈલેષ રાવલે પણ આ જ સંદર્ભમાં દાદ ફરિયાદ સમિતિમાં લેખિત રજૂઆત કરી હતી. જેના પછી તેમની બદલી દેવભૂમિ દ્વારકામાં કરી દેવામાં આવી હતી. તેમને નિવૃત્તિના દોઢ વર્ષ જ બાકી હતા અને આ દરમિયાનમાં તેમની તબીયત પણ સારી રહેતી ન હતી.
તેમણે અગાઉ પણ સરકારને રજૂઆત કરી હતી કે તેમની બદલી પાછી સુરેન્દ્રનગરમાં કરી દેવામાં આવે. તેમણે રજૂઆત કરતાં કહ્યું હતું કે, મારી તબીયત સારી રહેતી નથી. તેથી મને સુરેન્દ્રનગર રહેવા દો. જોકે સરકાર બચાવવાના કાર્યભાર વચ્ચે સરકાર પાસે ચૂંટણી ટાંણે સમય ક્યાંથી હોય. તેઓ હાલ બીમારીને લઈને રજા પર હતા. સુરેન્દ્રનગરમાં તેઓ પોતાની રજાઓ વ્યતિત કરી રહ્યા હતા ત્યારે આજે સવારે તેમનું હાર્ટ એટેકને પગલે નિધન થયું હતું.
તેમના નિધનના સમાચાર ગુજરાત પોલીસના કર્મચારીઓ માટે શોક લઈને આવ્યા હતા કારણ કે આ પ્રકારની સ્થિતિમાંથી માત્ર શૈલેષભાઈ જ નહીં પરંતુ અન્ય ઘણા પોલીસ કર્મચારીઓ પસાર થઈ રહ્યા છે. સરકાર આ રજૂઆતો પર ધ્યાન આપે અને યોગ્ય નિર્ણય કરે તેની તેઓ રાહ જોઈ રહ્યા છે.