દેવલ જાદવ (નવજીવન ન્યૂઝ. પાટણ): ગુજરાતમાં અને દેશમાં વિદ્યાર્થીઓને સરકાર દ્વારા કેટલીક સરકારી યોજનાઓનો લાભ આપવામાં આવે છે, જેમાં શિષ્યવૃત્તિ, ફ્રીશીપ કાર્ડ જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે. જોકે રાજ્યના કે દેશના બાળકોના શિક્ષણની જવાબદારી સરકારની જ હોય છે, તો સરકાર આ બાળકોને યોજનાઓ થકી લાભ આપે તેમાં સરકાર કઈ વિશિષ્ટ કામ નથી કરતી. કાયદા મુજબ દરેક બાળકોને શિક્ષણનો અધિકાર છે, જે બાળક આર્થિક રીતે સક્ષમ ન હોય તેને ભણાવવાની જવાબદારી સરકારની છે. તેવામાં પાટણ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા દરેક શાળાઓને એક પત્ર મોકલવામાં આવ્યો છે જે અચંબો અપાવે તેવો છે.
પાટણના જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા પાટણ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને બિન અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને એક પત્ર લખ્યો છે. જેમાં કહેવામા આવ્યું છે કે સરકાર દ્વારા ધોરણ 1થી 12માં અભ્યાસ કરતાં તેમાં ઉચ્ચ શિક્ષણ માટે પણ વિવિધ યોજનાઓ થકી લાભ આપવામાં આવે છે. હવે ધોરણ 9થી 12માં આભાસ કરતાં વિદ્યાર્થીઓએ સરકાર દ્વારા જે સહાય તેમણે મળી તેની કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર પ્રધાનમંત્રીએ અને મુખ્યમંત્રીને લખવાનો છે. આ નિર્ણય નિયામક ગ્રામ વિકાસ એજન્સીની મિટિંગમાં લેવામાં આવ્યો છે. આટલું જ નથી પણ દરેક શાળાના આચાર્યને સૂચના આપવામાં આવી છે કે આગામી 12 ઓગસ્ટ સુધી આ કૃતજ્ઞતા વ્યક્ત કરતો પત્ર વિદ્યાર્થીઓએ પાસે લખવીને મોકલી આપવાનો છે, જેની ઉપર PM હાઉસનું સરનામું લખવાનું છે તથા પાછળના ભાગે વિદ્યાર્થીનું નામ અને સરનામું લખવાનું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે એક અધિકારી દ્વારા જ્યારે શાળાના આચાર્યોને આ સૂચના ગઈ છે તો શાળાના આચાર્યએ આ સૂચનાનું પાલન કરવું ફરજિયાત બની જતું હોય છે અને તેવી જ રીતે જ્યારે આચાર્ય તરફથી સૂચના મળે ત્યારે વિદ્યાર્થીઓ માટે આ સૂચનાનું પાલન કરવું ફરજિયાત બની જાય છે. પરંતુ અહિયાં સવાલ એ ઊભો થાય છે કે વિદ્યાર્થીએ પોતાને મળેલી સહાય માટે કોઇની પણ સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવાની જરૂર છે ખરી?
ભારતમાં કાયદા પ્રમાણે દરેક બાળકને ભણવાનો અધિકાર છે. જ્યારે કોઈ બાળક ભણવા માટે આર્થિક રીતે સક્ષમ ન હોય ત્યારે RTE એક્ટ મુજબ તે ફ્રીમાં શિક્ષણ મેળવી શકે છે. ઉપરાંત આવા વિદ્યાર્થીઓને સરકાર તરફથી અન્ય ભણતરના અન્ય ખર્ચ વાહન કરવા માટે કેટલીક શિષ્યવૃત્તિ પણ મળે છે. આ જે કોઈ પણ લાભ સરકાર દ્વારા આ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે તેના માટેની ફાળવણી બજેટમાં શિક્ષણ વિભાગ અંતર્ગત થાય છે. જે સહાય બાળકોને મળે છે તે સરકારી ફંડમાંથી મળે છે. તેમાં પ્રધાનમંત્રી કે પછી મુખ્યમંત્રી કે અન્ય કોઈ પણ મંત્રીનો સીધો હાથ હોતો નથી તો પછી શા માટે આ વિદ્યાર્થીઓએ પ્રધાનમંત્રીએ સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરવી પડે?
જ્યારે પણ કોઈ મંત્રી કે નેતા દ્વારા સ્વખર્ચે(સરકારની કોઈ સહાય વગર) બાળકોને ભણાવવામાં આવે ત્યારે તે બાળક તે મંત્રી કે નેતાની સમક્ષ કૃતજ્ઞતા વ્યક્ત કરે તે સમજી શકાય છે, પણ અહિયાં તો સરકારી ખર્ચ માટે પણ બાળકોએ પ્રધાનમંત્રીને કૃતજ્ઞતા વ્યક્ત કરવાનું કહેવામા આવ્યું છે. એક તરફ ખાનગી શાળાઓ તોતિંગ ફી લઈને શિક્ષણ આપે છે, ત્યારે બીજી તરફ સરકારી અધિકારી આવી રીતે બાળકોને કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે પત્રો લખાવે છે, શું આ યોગ્ય છે? શું આ અધિકારીનો પોતાનો નિર્ણય હશે કે પછી તેમને ઉપરથી આવો આદેશ આપવામાં આવ્યો હશે? આવા ઘણા પ્રશ્નો અને માહિતી અંગે તેમનો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ તેમનો કોલ નો રિપ્લાય થયો હતો.








