નવજીવન.ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાનો આંકડો લગભગ દર દિવસે જાણે બમણી સંખ્યામાં વધી રહ્યો હોય તેવી સ્થિતિ છે. એક તરફ કોરોનાનો વધુ સંક્રમણ ફેલાવતો ઓમિક્રોન વેરિએન્ટ રોજ નવા દર્દીઓને શિકાર બનાવી રહ્યો છે તો બીજી તરફ કોરોનાના ઘાતક વેરિએન્ટ પૈકીનો એક ડેલ્ટા વેરિએન્ટ ચિંતાનો વિષય છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક મહત્વની વાત કરી છે. તેમણે કહ્યું કે અમે માસ્ક ન પહેરનારાઓ પાસેથી દંડ લેવાને બદલે અમે તેમને માસ્ક આપીશું. ક્યાંક નાની મોટી ક્ષતિ હશે તો તેને સુધારીશું. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારને માસ્કના દંડમાંથી જંગી આવક થાય છે, બીજી તરફ ગૃહ રાજ્યમંત્રીનું આ નિવેદન માનવીય ધોરણો સાથે પણ જોવાઈ રહ્યું છે. પરંતુ સવાલ એ પણ છે કે શું તેના કારણે લોકો માસ્ક પહેરવાના નિયમને ગંભીરતાથી લેશે?
ઉલ્લેખનીય છે કે લોકોને કોરોનાના નિયમો પાડવામાં સતત કડક પગલા લેવાયા છે. જોકે બીજી બાજુ રાજકીય કાર્યક્રમોમાં કોરોનાની ગાઈડલાઈન્સના ધજાગરા ઉડતા બધાએ જોયા છે. હવે સ્થિતિ એવી છે કે કોરોનાને તો ભીડમાં ફાવતુ જડે અને તે વધુ લોકોને શિકાર બનાવવા લાગ્યો છે ત્યારે હાલ કોરોના ગાઈડલાઈન્સનું પાલન થાય તે જરૂરી બન્યું છે. કેસ જે રીતે વધી રહ્યા છે તે ત્રીજી લહેર તરફનો મિઝાજ બતાવી રહ્યા છે. આ માટે હર્ષ સંઘવીએ કહ્યું કે, અમે કોરોનાના નિયમોના પાલનને લઈને ખાસ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ. કેસ અચાનક વધી રહ્યા છે. ક્યાંક નાની મોટી ભુલો હશે તો તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. માસ્કનો દંડ લેવા કરતા અમે સાથે રહી માસ્ક આપવાનો પુરતો પ્રયાસ કરીશું. જોકે અમને ખબર છે કે રાતો રાત આ કામ નહીં થાય પણ અમે સતત પ્રયાસ કરતા રહીશું.
31 ડિસેમ્બર સારી રીતે મનાવી શકાય તે માટે અને કોરોનાના કેસ વધે નહીં તે માટે ખાસ યોજનાના પ્રયાસ કરાશે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં કહ્યું કે નેતા હોય કે સામાન્ય નાગરિક તમામના સ્વભાવ બદલાતા સમય લાગે. સામાન્ય નાગરિક ગુનેગાર અને ગૃહમંત્રી ને છૂટ એવું નહીં થાય. 31 ડિસેમ્બરને લોકો સારી રીતે ઉજવી શકે અને કોરોનાના કેસ નહીં વધે તે પણ જોવાશે. નિયંત્રણ લગાવવા માટે માત્ર ગૃહ વિભાગ જ નહીં અન્ય વિભાગો જોડાયેલા છે. તમામ સાથે બેસી ચિંતા કરીએ છીએ. ડોક્ટર દવા આપે એના પર જ વિશ્વાસ રાખવાનો હોય છે. તમામ રીતે રાજ્યના અને લોકોના હિતમાં નિર્ણય લેવાશે. ઉલ્લેખનીય છે કે ગત રોજ જ 390થી વધુ કેસ ગુજરાતમાં નોંધાયા હતા, જે તેના આગલા 24 કલાક પહેલા 200થી વધુ હતા જોકે અચાનક બમણો વધારો આરોગ્ય વિભાગે ચિંતા કરવા જેવો ખરો.