નવજીવન ન્યૂઝ, નર્મદા: રાજ્યમાં નશાના કારોબારનો વ્યાપ કેટલી હદે વધી ગયો છે તે પોલીસ દ્વારા ઝડપાતા નશીલા દ્વવ્યોના જથ્થાથી સમજી શકાય છે. આ જ પ્રકારને નર્મદા જિલ્લા પોલીસે પણ આંતરરાજ્ય હેરફેર થતા પોષ ડોડાના જથ્થાને ઝડપી પાડ્યો હતો. આ જથ્થો 3 રાજ્ય પાર કરી ગુજરાતમાં પહોંચ્યો પરંતુ નર્મદા પોલીસની સતર્કતાને કારણે નશાનો જથ્થો ઝડપી લેવાયો હતો.
ઘટનાની વિગત એવી છે કે, નર્મદા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને SOG ને બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી માલવાહક વાહમાં માદક પદાર્થ ભરેલું વાહન પસાર થવાનું છે. માહિતી મળતા જ SOG અને LCBનો સ્ટાફ પુરી તૈયારીઓ સાથે વોચમાં ગોઠવાઈ ગયું હતું. પોલીસે સાથે જ મામલતદારને જાણ કરી વજન કાંટો, અને મુદ્દામાલ સીલ કરવા લાખ, મીણબત્તી, દોરા અને માચીસ સહિતની વ્યવસ્થા ગોઠવી હતી. દરમિયાન કેસરી રંગનો હરિયાણા પાસિંગનો માલવાહક ટેમ્પો સાગબારાની જૂની આરટીઓ ચેકપોસ્ટ પાસેથી ડેડીયાપાડા તરફના માર્ગે જતો દેખાયો હતો. પોલીસે શંકાસ્પદ વાહનને તુરંત કુંબી કોતરના ઢાળ પાસે ઘેરીને રોકી લેવાયો હતો.
પોલીસે ટેમ્પોમાં તલાસી લેતા ગુલાબી રંગની બોરીઓ મળી આવી હતી. જેમાંથી અફીણ પોષ ડોડાનો રૂપિયા 33.97 લાખની કિંમતનો 1132 કિલો ગ્રામ જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ મામલે વાહનના ચાલક રાજસ્થાનના જોધપુરના ભંવરલાલ સુંડારામ અને ક્લીનર અણદારામ શૈતાનારામને ઝડપી પાડ્યા હતા. ડ્રાયવર અને ક્લીનરે આ જથ્થો રાજસ્થાનના જોધપુરના બિશ્નનોઈ સોમરાજ મોહનલાલ અને ભંવરલાલ ધીમારામે મધ્યપ્રદેશના મંદસૌરના જંગલમાંથી ભરી આપ્યો હોવાનું પોલીસને જણાવ્યું હતું. સાથે જ પોલીસને માહિતી મળી હતી કે, મધ્યપ્રદેશથી મહારાષ્ટ્ર થઈ ગુજરાતમાં સાગરબારાથી વડોદરા અને આબુ રોડ થઈ જોધપુર પહોંચવાનું હતું.
નર્મદા એલસીબી, એસઓજીએ 61 પોષ ડોડા ભરેલી બોરીઓ તેમજ 60 બોરી લસણથી ભરેલી અને ટેમ્પા સાથે કુલ મુદ્દામાલ 38.32 લાખ જપ્ત કરી NDPS એક્ટ હેઠળ સાગબારા પોલીસે ગુનો નોંધાવી આગળની તપાસ હાથ ધરી છે.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








