નવજીવન ન્યૂઝ. મોરબી: મોરબીમાં તાજેતરમાં રાજપર રોડ ઉપર સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડ દરમિયાન એક મોટું દારૂના જથ્થાથી ભરેલું એક ગોડાઉન પકડાયું હતું. SMCના આ દરોડામાં 32.70 લાખ રૂપિયાનો દારુ પકડાયો હતો જેના કારણે સ્થાનિક પોલીસની બેદરકારી સામે આવી હતી. સામાન્ય રીતે આવા કિસ્સામાં પોલીસ સ્ટેશનના વડા જવાબદાર વ્યક્તિ સામે કાર્યવાહી કરતાં હોય છે, પરંતુ મોરબીના કેસમાં આવું ન થતાં ગુજરાતનાં DGP આશિષ ભાટિયાએ પગલાં લેવા પડ્યા હતા અને તેમણે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના 2 PSIને સસ્પેન્ડ કર્યા છે. આમ હવે SMCની રેડ પડ્યા બાદ બુટલેગર સહિત સ્થાનિક પોલીસમાં પણ SMCનો ખૌફ જોવા મળે છે.
થોડા સમય અગાઉ મોરબીના રાજપર રોડ ઉપર આવેલા આશિર્વાદ કોમ્પ્લેક્સ નામના ગોડાઉનમાંથી રૂપિયા 32.70 લાખની કિંમતની 7514 બોટલ એટલે કે 622 પેટી દારૂ SMCએ ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં ચર્ચા જાગી હતી કે આટલું મોટું દારૂનું ગોડાઉન હોય અને સ્થાનિક પોલીસને ખબર ન પડે તે આશ્ચર્યજનક વાત છે, ત્યારે આ કાર્યવાહીની ગંભીરતાથી નોંધ લઈ રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક SP પહેલા જ એક્શન લઈ એ ડિવિઝનના ડિ સ્ટાફ PSI એસ.એમ.રાણા અને શનાળા બીટના PSI એ.એ.જાડેજાને સસ્પેન્ડ કર્યા છે.
રાજ્યના પોલીસ વડાએ સ્થાનિક પોલીસના અધિકારી પર પગલા લેવા પડ્યાં ત્યાં સુધી મોરબી SPએ કાર્યવાહી કેમ નહીં કરી હોય તેવો સવાલ પણ લોકમુખે ચર્ચાઇ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, નિર્લિપ્ત રાયની નિમણૂક થતાની સાથે જ રાજ્યના દારૂ-જુગારના અડ્ડાના સંચાલકોમાં ભય પેસી ગયો હતો કે હવે તો ગયા… અને હાલ સ્થિતી પણ એવી જ છે કે લગભગ દરરોજ મોનિટરિંગ સેલ ગેરકાનૂની પ્રવૃતિ પર દરોડા કરી રહી છે. સ્થાનિકોમાં એવી પણ ચર્ચા છે કે, મોરબીમાં દારુ મામલે ઉંડી તપાસ થાય તો મોરબીના દારૂના મોટા વેપારીઓ કહેવાત બુટલેગરો પર કોના આશિર્વાદ છે તે ખુલી શકે તેમ છે.








