નવજીવન ન્યૂઝ. રાજકોટ: રાજકોટવાસીઓના રંગીલા મિજાજને કારણે છેલ્લા કેટલાક દિવસથી જાણે સોશિયલ મીડિયા પર વીડ્યો બનાવીની સ્પર્ધા ચાલી રહી હોય તેમ કાયદાનું ભાન ભૂલીને વીડિયો બનાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ફેમસ થવા માટે કોઈકને માર મરવામાં આવી રહ્યો છે, તો બીજી બાજુ જોખમી સ્ટંટ કરીને અન્યના જીવ જોખમમાં મૂકી રહ્યા છે. ત્યારે ફરી એકવાર યુવતીનો ફાયરિંગ કર્યાનો વીડિયો સામે આવ્યો છે. પહેચાન બતાના મેરી આદત નહીં હૈ, લોગ શક્લ દેખ કે પહેચાન જાતે હૈ, ના ડાયલોગ સાથે હવામાં ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
રાજકોટમાં તાજેતરમાં નદીના પટમાં જોખમી રીતે ગાડી ચાલવાનો, અન્ય યુવકોને માર મારવાનો, ગાડીમાં જોખમી સ્ટંટ કરવાનો વીડિયો વાયરલ થયો હતો. જો કે વીડિયો વાયરલ થતાં રિલ્સના શોખીનોને કાયદાનું પાઠ ભણાવવા પોલીસ એક્શનમાં આવીને તમામની ધરપકડ કરી લેવામાં આવી હતી. આ પ્રકારના વીડિયો બનાવનારાની સામે પોલીસ કડક કાર્યવાહી કરી રહી હોવા છતાં પણ રોજબરોજ આ પ્રકારના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
રાજકોટમાં એક યુવતીએ જાહેર રોડ પર હાથમાં ગન રાખીને ફિલ્મના ડાયલોગ સાથે હવા ફાયરિંગ કર્યાનો વીડિયો બનાવ્યો હતો. યુવતી રોડ પર ગાડી ઊભી રાખીને હવામાં ફાયરિંગ કર્યું હોવાનું વીડિયોમાં જોવા મળી રહ્યું છે. વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી. ગઇકાલે રાત્રે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચએ યુવતીની ધરપકડ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના PI વાય.બી. જાડેજાએ જણાવ્યુ હતું કે, “રાજકોટમાં યુવતી દ્વારા ફાયરિંગ કર્યાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી કરવામાં આવી હતી. હાલ યુવતીની ધરપકડ કરી લેવામાં આવી છે.” પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે ફાયરિંગ કરનાર યુવતીનું નામ તૃપ્તિ સાવલિયા છે અને તે આલાપ ગ્રીનસીટી નજીક રહે છે. યુવતીએ પતિની પરવાનાવાળી રિવોલ્વરમાંથી બે મહિના પહેલા વાજડી ગામ નજીક ફાયરિંગ કર્યું હતું. પોલીસ હાલ રિવોલ્વર જપ્ત કરીને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








