નવજીવન ન્યૂઝ. મોરબી: ગુજરાતમાં સરકાર દ્વારા એવા દાવા કરવામાં આવે છે દરેક શહેર, જિલ્લા, તાલુકા, ગામ અને વિસ્તારોમાં તમામ પ્રાથમિક સુવિધાઓ સરકાર દ્વારા પૂરી પાડવામાં આવે છે, પરંતુ આ દાવાઓની વિપરીત કેટલાક એવા પણ વિસ્તારો છે જે આજની તારીખે પણ પ્રાથમિક સુવિધાઓ માટે વલખાં મારી રહ્યા છે. મોરબીના છેવાડે આવેલો કાંતિનગર વિસ્તાર પણ આવી જ કઈક સ્થિતિ ધરાવે છે. મોરબીનો આ વિસ્તાર નથી નગરપાલિકા વિસ્તારમાં આવતો કે નથી ગ્રામ પંચાયત વિસ્તારમાં આવતો. જેના કારણે આ વિસ્તાર ધણીધોરી વગરનો હોય તેવી હાલત છે.
આવી સ્થિતીમાં સ્થાનિકો સુવિધાના અભાવથી કંટાળી ગયા છે અને DDO પાસે જઈને પોતના વિસ્તારને સુવિધા મળે તેવી રીતે ગ્રામ પંચાયતમાં સમાવેશ કરવામાં આવે તેવી માગણી કરતા જોવા મળ્યા હતા. સ્થાનિકોના મતે મોરબીના કાંતિનગરમાં છેલ્લા 20 વર્ષથી સુવિધા માટે વિકાસના કોઈ કામ નથી થતા. સ્થાનિકો જણાવે છે કે, 20 વર્ષ અગાઉ 700 મકાન ધરાવતો કાંતિનગર વિસ્તાર બન્યો હતો, પણ ત્યાં નથી નગરપાલિકાની હદ લગતી કે નથી ગ્રામ પંચાયતની હદ લગતી. આ સ્થિતિમાં તેઓ સુવિધાના અભાવ વચ્ચે જીવન વ્યાપન કરી રહ્યાં છે. તંત્ર પણ ત્યાં સુવિધા મળે તેવી કોઈ વ્યવસ્થા કરતું નથી જેના કારણે આજે સ્થાનિકો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
મહત્વની વાત છે કે સ્થાનિકો જણાવે છે કે, તેમણે બે વખત નગરપાલિકામાં મતદાન કર્યું છે અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ મતદાન કર્યું છે, પરંતુ વિસ્તાર નગરપાલિકા કે ગ્રામ પંચાયતમાં સમાવેશ કરાયો નથી. જો ખરેખર આ સ્થાનિકોનો આ દાવો સાચો હોય તો તંત્રની આ ભૂલ અને બેદરકારી ગણી શકાય. રોષે ભરાયેલા સ્થાનિકો જણાવે છે કે તેઓ પોતાની હાલતની રજૂઆત કરવા ક્યાં જાય તે પણ પ્રશ્ન છે. કારણ કે તંત્ર દ્વારા મતદાન સમયે કોઈ વિસ્તારમાં ભેળવી દે, પણ પ્રાથમિક સુવિધાથી વંચીત હોય ત્યારે કોઈ આવતું નથી.








