10 IPS અધિકારીઓને મહિનાઓ પછી પોસ્ટિંગ મળતા કેમ થયા રાજીના રેડ ?
નવજીવન ન્યૂઝ,અમદાવાદ : ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓની બઢતી અને બદલીના હુકમોમાં હર હંમેશ વિલંબ થતો આવ્યો છે. મહિનાઓના મહિના વીતી જાય છતાં બદલીઓ કરવામાં આવી ન હોય તેવા અઢળક કિસ્સાઓ છે. ગુજરાત પોલીસના ઇતિહાસમાં (History of Gujarat Police) પ્રથમ વખત ડિસેમ્બર-2024ના અંતમાં વર્ષ 2011ની બેચના 10 એસપીને ડીઆઈજી તરીકે બઢતી આપી દેવાઈ હતી. સમયસર બઢતી મેળવનારી બેચના અધિકારીઓને 6-6 મહિના સુધી પોસ્ટિંગ અને પગાર વિના રહેવું પડ્યું છે. નિમણૂકના હુકમો થઈ જતાં 10 પૈકી 9 આઈપીએસ અધિકારી માર્ચ મહિનામાં જ બાકી પગાર મળી જવાનો છે તેની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
ડઝન IPS અધિકારીઓ પૈકી એકને જ મળતો હતો પગાર
વર્ષ 2011ની બેચના 10 આઈપીએસ પૈકી 9 અધિકારી તેમજ એક DGP અને એક SP નિમણૂકની પ્રતિક્ષામાં હતા. ડીઆઈજી રાજેન્દ્રસિંહ ચુડાસમાને ગૃહ વિભાગે ઓગસ્ટ-25ના રોજ વડોદરા હથિયારી એકમનો વધારાનો ચાર્જ સોંપ્યો હોવાથી તેમને ગાડી, સ્ટાફ અને પગારની સમસ્યા ન હતી. જ્યારે બાકીના 9 ડીઆઈજી હિતેશ જોયસર, તરૂણ દુગ્ગલ, ચૈતન્ય માંડલિક, સરોજ કુમારી, આર. પી. બારોટ, જી. એ. પંડ્યા, આર. ટી. સુસરા, સુધા એસ. પાંડે્ય અને સુજાતા મજમુદાર પગાર પોસ્ટિંગ વિના બેઠા હતા. એસપી મયૂર પાટીલ પણ 6 મહિનાથી અને DGP શમશેરસિંઘ ગત 7 જાન્યુઆરીથી Waiting for Posting ની યાદીમાં હતા.
કેટલાંક IPS ખુશ, કેટલાંક નાખુશ
મહિનાઓથી કાગડોળે વાટ જોઈ રહેલાં પગાર અને પોસ્ટિંગ વિનાના આઈપીએસ અધિકારીઓની બદલીના હુકમ થતાં નિમણૂકોને લઈને કેટલાંક નારાજ છે. કેટલાંક ડીઆઈજીને અપેક્ષા અનુસાર પોસ્ટિંગ મળ્યા નથી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ આઈપીએસ અધિકારીઓની બદલીઓમાં લાયકાત અને આવડતને ધ્યાને રાખી હોવાનું કહેવાય છે. વર્ષ 2011ની બેચના કેટલાંક અધિકારીઓ સાઈડ પોસ્ટિંગથી નારાજ છે, પરંતુ હવે પગાર, ગાડી અને ઑફિસ મળશે તેની ખુશી વ્યક્ત કરી રહ્યાં છે.
મોટો આવકવેરો ભરવામાંથી બચી ગયા
મહિનાઓથી નિમણૂક અને નાણા વિના બેસી રહેલાં આઈપીએસ અધિકારીઓને સૌથી વધુ ચિંતા પગારની હતી. માર્ચ મહિના બાદ પોસ્ટિંગ અને પગાર થાય તો આવનારા નાણાકીય વર્ષમાં દોઢ વર્ષનો લાખો રૂપિયા પગાર જમા થાય અને તેની સામે ઈન્કમટેક્સ પણ એટલો જ વધુ ભરવો પડે. સરકારે માર્ચ મહિનામાં જ તમામને પોસ્ટિંગ આપી દેતાં મોટી રકમના આવકવેરામાંથી આઈપીએસ અધિકારીઓ બચી ગયા છે. તેથી આવા અધિકારીઓ માટે તો મોડું મળ્યું પણ ગળ્યું મળ્યું જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.








