નવજીવન ન્યૂઝ, અમદાવાદ : Gujarat Police માં 192 જેટલાં આઈપીએસ અધિકારીઓ છે, પરંતુ કેટલાંક અધિકારીઓની પ્રજા અને વિપક્ષ નોંધ લે છે. આવા જ એક આઈપીએસ છે નિર્લિપ્ત રાય (IPS Nirlipt Rai). સરકારના ગૃહ વિભાગે 37 આઈપીએસ અધિકારીઓની બદલી અને નિમણૂકના હુકમ કર્યા છે. જેમાં સૌથી વધુ ચર્ચા કોઈની હોય તો તે છે નિર્લિપ્ત રાય (Nirlipt Rai) ની છે. રેકોર્ડ બ્રેક સમય સુધી અમરેલી એસપી રહી ચૂકેલા નિર્લિપ્ત રાયને હવે રાજકોટ રેન્જ (Rajkot Range) માં નિમણૂક અપાતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. State Monitoring cell (SMC) નો કાર્યભાર પણ તેઓ બખુબી નિભાવી ચુક્યા છે. તેમાં પણ તેમના કાર્ય બાદ જ્યારે તેમને રાજકોટ રેન્જ મળી છે તેને લઈને રાજકીય દાવાઓ થવા લાગ્યા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર નિર્લિપ્ત રાયના પોસ્ટિંગને લઈને વાતો વહેતી થઈ છે અને તેના નેતાઓ દ્વારા ખુલાસા પણ થવા લાગ્યા છે.
રાજ્યમાં રાહત, રાજકોટ રેન્જ માટે કાઠા દિવસો
સરકાર કૉંગ્રેસની હોય કે, ભાજપની આફત સમયે હંમેશા બાહોશ અધિકારીની જરૂર પડતી હોય છે. અમરેલીના તત્કાલીન એસપી જગદીશ પટેલ બીટકૉઈન કાંડમાં સંડોવાતા આઈબીમાં નિયુક્ત નિર્લિપ્ત રાયને તાબડતોબ અમરેલી મોકલી દેવાયા હતા. અમરેલી એસપી તરીકે રેકૉર્ડ બ્રેક 3 વર્ષ અને 10 મહિના રહેલા નિર્લિપ્ત રાયને સરકારે સ્ટેટ મોનિટરિંગ સેલ (State Monitoring Cell) માં નિમણૂક આપી હતી. અમરેલીમાં બે નંબરી ધંધાવાળા અને સાંઠગાંઠ ધરાવતા ખાખી-ખાદીધારીઓએ 3 વર્ષ અને 11 મહિના બાદ રાયની SMC માંથી બદલી થતાં રાહતનો શ્વાસ લીધો. પણ છતા એટલો ઓક્સિજન ખેંચી ના જાય તેનું નિર્લિપ્ત રાયે ખુબ ધ્યાન રાખ્યું અને હવે રાજકોટ રેન્જ માટે કાઠા દિવસો આવ્યાં છે.
રાજકોટ રેન્જ સરકાર માટે માથાનો દુઃખાવો
રાજકોટ રેન્જમાં સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. રાજકોટ જિલ્લાના ગોંડલમાં અનિરૂદ્ધસિંહ જાડેજા રીબડા (Aniruddhsinh Jadeja Ribda) અને જયરાજસિંહ જાડેજા (Jayrajsinh Jadeja) વચ્ચે વર્ચસ્વની લડાઈ વર્ષોથી ચાલી આવે છે. આવી જ સ્થિતિ જામનગરમાં છે. સાઈડલાઈન થયેલા એક બાહુબલી નેતા જિલ્લામાં કઈ કંપની કોને કોન્ટ્રાક્ટ આપશે તેમાં દખલગીરી કરે છે. સુરેન્દ્રનગરમાં ગેરકાયદે ખનન, દારૂના ધંધા અને લુખ્ખાગીરી પોલીસના કાબૂમાં નથી. બાકી જિલ્લાઓમાં પણ રાજકીય રીતે હલચલવાળા છે.
રાયનું પોસ્ટિંગ અને દોંગાની પૉસ્ટ
નિર્લિપ્ત રાય રાજકોટ રેન્જમાં મુકાય છે તેવી વાતો મહિનાથી ચાલી આવતી હતી. ગુરૂવારે મધરાતે થયેલા ગૃહ વિભાગના હુકમમાં વાતો પર સિક્કો વાગ્યો છે. નિર્લિપ્ત રાયના પોસ્ટિંગને લઈને અનેક ગંભીર અપરાધોના આરોપી નિખિલ દોંગાએ ફેસબુક પર એક પોસ્ટ મુકીને લખ્યું છે કે, રાયના બદલીને એક શક્તિશાળી નેતાએ અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. નિખિલ દોંગાની પોસ્ટ બાદ ગોંડલના જયરાજસિંહ જાડેજા (Jayarajsinh Jadeja Gondal) એ નિર્લિપ્ત રાયની બદલીને આવકારી છે. તેમણેે આ દરમિયાન મીડિયા સાથે વાત કરતા કહ્યું છે કે, મેં જ માગ કરી હતી કે કોઈ કડક અધિકારીને મુકવામાં આવે. આ માગણીને સરકારે ગ્રાહ્ય રાખી નિર્લિપ્ત રાય જેવા અધિકારીને પોસ્ટિંગ આપતા જયરાજસિંહે આ નિર્ણયને આવકાર્યો છે.
પ્રશાંત દયાળનાં સાત યાદગાર પુસ્તકો
- અક્ષરધામ – ત્રાસવાદી હુમલો, પોલીસ-તપાસ અને અદાલતી કાર્યવાહી વિશેની કડીબદ્ધ વિગતો (કિંમતઃ રૂ.200)
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.140)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 200)
- શતરંજ : ક્રાઇમ થ્રિલર નવલકથા(કિંમતઃ રૂ. 500)
- દીવાલ : સાબરમતી જેલ સુરંગકાંડની સત્યઘટનાને સ્પર્શતી નવલકથા (કિંમતઃ રૂ. 300)
- નાદાન : એક કેદીના જીવનની સત્યઘટનાઓ ઉપર આધારિત નવલકથા(કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








