નવજીવન ન્યૂઝ.અમદાવાદઃ ગુજરાતમાં ઉનાળાની આગઝરતી ગરમીથી જનજીવન ત્રસ્ત બન્યું છે. હવામાન વિભાગે આગામી 48 કલાક સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં હીટવેવની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. બુધવારે અમદાવાદ 44.1 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું હતું, જ્યારે સુરતમાં એક જ દિવસમાં તાપમાનમાં નોંધપાત્ર 8 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. રાજ્યના 10 શહેરોમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ નોંધાતા ગરમીનો પ્રકોપ સ્પષ્ટ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગ દ્વારા 13 મે 2026ના રોજ જાહેર કરાયેલા પૂર્વાનુમાન અનુસાર, આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. જોકે ત્યારબાદ તાપમાનમાં ધીમે ધીમે 2થી 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થઈ શકે છે. આગામી બે દિવસ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાન 41થી 45 ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આજે અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ અને વડોદરામાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. અમરેલીમાં 45 ડિગ્રી સુધી પારો પહોંચી શકે છે, જ્યારે ભૂજમાં 42 ડિગ્રી અને ડીસામાં 44 ડિગ્રી તાપમાન નોંધાઈ શકે છે. સુરતમાં તાપમાન 34 ડિગ્રી આસપાસ રહેવાની સંભાવના છે.
અમદાવાદમાં આજે પણ આકાશ મુખ્યત્વે સ્વચ્છ રહેવાની શક્યતા છે. બુધવારે શહેરનું મહત્તમ તાપમાન 44.1 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.5 ડિગ્રી વધુ હતું. દિવસ દરમિયાન અને મોડી રાત સુધી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગરમ પવન ફૂંકાતા લોકોને લૂ જેવી સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. શહેરનું રાત્રિ તાપમાન પણ 30 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, જેના કારણે ગરમીમાંથી રાહત મળી નહોતી.
હવામાન વિભાગે જણાવ્યું છે કે 14 અને 15 મે દરમિયાન સૌરાષ્ટ્ર-કચ્છના કચ્છ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં તેમજ ઉત્તર અને મધ્ય ગુજરાતના બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ અને વડોદરા જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હીટવેવની સ્થિતિ ચાલુ રહી શકે છે. આ સિવાય રાજકોટ, અમરેલી, દ્વારકા અને બોટાદ જિલ્લાઓમાં પણ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે.
હીટવેવની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છ અને સુરેન્દ્રનગર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે દ્વારકા, રાજકોટ, અમરેલી, બોટાદ, અમદાવાદ, વડોદરા, ગાંધીનગર, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
હવામાન વિભાગના અનુમાન મુજબ આગામી 20 મે સુધી સમગ્ર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ તેમજ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં હવામાન મુખ્યત્વે સૂકું રહેવાની પ્રબળ શક્યતા છે.
ગરમીના વધતા પ્રકોપ વચ્ચે લોકોને બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવા, પૂરતું પાણી પીવા અને ખાસ કરીને બપોરના સમયે સાવચેતી રાખવા સલાહ આપવામાં આવી છે.








