નવજીવન. ગાંધીનગર: ગુજરાતમાં રવિવારે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા હેડ કલાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ પરીક્ષા અગાઉ જ પેપર લીક થઈ ગયું હોવાનો આક્ષેપ આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજાએ કર્યો હતો. ત્યાર બાદ પોલીસ દ્વારા આ અંગે તાપસ શરૂ કરવામાં આવી હતી. તાપસના અનુસંધાનમાં આજે ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પેપર લીક થયું હોવાનું કબુલ્યું હતું.
હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે,”પેપર લીક કાંડમાં જેટલા ગુનેગારો છે તેમની સામે કડકમાં કડક પગલાં લેવામાં આવશે આ કેસમાં મુખ્ય 10 આરોપીઓ છે જેમાંથી 6ની ધરપકડ કરી લેવામાં આવી છે બાકીના 4ની શોધખોળ ચાલી રહી છે. આગામી સમયમાં ફરી એવું ન થાય તે મુજબ ઉદાહરણ બેસાડતી સજા તેમને કરવામાં આવશે.”
પેપર લીક થયું હતું તે અંગે બે દિવસ અગાઉ ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન અસિત વોરાએ જણાવ્યું હતું કે, મંડળ સમક્ષ હજુ આ અંગે કોઈ ફરિયાદ આવી નથી ફરિયાદ આવશે ત્યાર બાદ યોગ્ય પગલાં લેવામાં આવશે. અસિત વોરાના આ નિવેદન બાદ યુવરાજસિંહ જાડેજાએ અસિત વોરાને મળીને બધા પુરાવા આપ્યા હતા.
પેપર લીક કાંડમાં સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આરોપીઓ સામે ફરિયાદમાં કલમ 406, 409, 420 અને 120 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરકાંઠા પોલીસ દ્વારા અત્યાર સુધી છ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અન્ય ચાર આરોપીઓની શોધખોળ ચાલી રહી છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે તબક્કાવાર રીતે બધી માહિતી પ્રજા સમક્ષ મુકવામાં આવશે.








