Monday, September 9, 2024
HomeGujaratગુજરાત ડ્રગ માફિયા માટે કેમ હોટ ફેવરિટ રહ્યુ છે? ડ્રગ સિન્ડિકેટને સમજવા...

ગુજરાત ડ્રગ માફિયા માટે કેમ હોટ ફેવરિટ રહ્યુ છે? ડ્રગ સિન્ડિકેટને સમજવા વાંચો આ લેખ

- Advertisement -

નશો જેટલો અણસમજથી થાય છે તેટલાં જ સમજણથી તેનો ધંધો થાય છે; અને આ ધંધો હવે ગુજરાતમાં ઘર કરી રહ્યો છે. 17 સપ્ટેમ્બરે તેનો પુરાવો મુન્દ્રા બંદર પર મળ્યો. મુન્દ્રા બંદરેથી 3000 કિલો હિરોઈનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો. વિશ્વભરમાં જે ડ્રગ્સના જથ્થા પકડાય છે તેમાંનો સૌથી મોટો આ જથ્થો ગુજરાતમાંથી જપ્ત કરવામાં આવ્યો. જથ્થો પકડાયો ત્યારે બે વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને અન્ય અફઘાનીઓની સંડોવણીની તપાસ થઈ રહી છે. 3000 કિલોનો હિરોઈનની માર્કેટમાં આશરે કિંમત 21,000 કરોડની છે અને તેથી અહીં લાવવામાં તેની કાળજી પણ લેવાઈ હશે. હિરોઈનને જપ્તી કરનારા એજન્સી ‘ધ ડિરેક્ટર ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ’ને એક ટિપ મળી અને પૂરું ઓપરેશન પાર પડ્યું. હિરોઈનનો જથ્થો અફઘાનથી આવ્યો હતો; અને તેનો રૂટ ઇરાનનું અબ્બાસ પોર્ટ હતો. મુન્દ્રા બંદર પર આ જથ્થો ઉતર્યો હતો ત્યારે તેના ઉપર લાગેલું લેબલ ‘સેમી પ્રોસેસ્ડ ટાલ્ક સ્ટોન્સ’નું હતું. આ લેબલ સાથે જ હિરોઈન અફઘાનિસ્તાનમાંથી મુન્દ્રા સુધી પહોંચ્યું. જે કંપનીના નામે આ કન્સાઇમેન્ટ આવ્યું હતું તે આંધ્ર પ્રદેશના વિજયવાડામાં આવેલી આશિ ટ્રેડિંગ કંપની છે.

- Advertisement -

‘ધ ડિરેક્ટર ઑફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ’ને જ્યારે આ જથ્થા વિશે ટિપ મળી ત્યારે તેઓએ ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક્સપર્ટ ટીમ તપાસ અર્થે મુન્દ્રા બોલાવી હતી. અને તે એક્સપર્ટના હાજરીમાં જ સર્ચ ઓપરેશન કર્યું. ઇનપુટના આધારે બે કન્ટેનરની તપાસ કરવામાં આવી, અને તેમાં શંકાસ્પદ જથ્થો મળ્યો. એક્સપર્ટ ટીમે ત્યાં જ કન્ફર્મ કર્યું કે આ ડ્રગ્સ છે. આ રીતે જુલાઈમાં પણ નવી મુંબઈના ન્હાવા શેવા પોર્ટ પર 300 કિલોગ્રામ હિરોઈન પકડાયું હતું. મુંબઈમાં આવેલું ડ્રગ્સ પણ ઇરાનના અબ્બાસ પોર્ટ પરથી જ આવ્યું હતું. તેના પર ‘ટેલ્કમ પાવડર’નું લેબલ હતું. મુંબઈના આ જ પોર્ટ પર 2020માં ઓગસ્ટમાં 191 કિલોગ્રામ ડ્રગ્સ પકડાયું હતું. તે પણ ઇરાનના છબાહાર બંદરેથી પાકિસ્તાનના ગ્વાદર બંદરેથી મુંબઈ પહોંચ્યું હતું. આ કન્સાઇમેન્ટ પર આયુર્વેદીક દવા મુલેઠીનું લેબલ હતું, જેની ઇમ્પોર્ટર કંપની દિલ્હી સ્થિત સર્વિસ એક્સપોર્ટ્સ હતી.

ગુજરાત અને મુંબઈના પોર્ટ પર મોટાં પ્રમાણમાં જે રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન ડ્રગ્સના કન્સાઇમેન્ટ ઉતરી રહ્યાં છે. ડ્રગ્સના આ પૂરા પ્રકરણ વિશે કૉંગ્રેસે એક પ્રેસ કોન્ફરન્સ બોલાવી અને તેમાં કોંગ્રેસના પ્રવક્તા પવન ખેરાએ કેટલીક સ્ફોટક વિગતો પણ જણાવી. તેમણે કહ્યું કે જૂનમાં મુન્દ્રા બંદર પરથી જ 2500 ટન્સ ડ્રગ્સ દેશમાં પ્રવેશી ચૂક્યું છે. યાદ રાખશો પવન ખેરા 2500 ટન્સ કહ્યાં છે. પવન ખેરાએ એ પ્રેસ કોન્ફરન્સમાં કેટલાંક વેધક સવાલ પૂછ્યા. જેમ કે, કેમ બધા જ ડ્રગ્સના કન્સાઇમેન્ટ અદાણીની માલિકી ધરાવતા મુન્દ્રામાંથી જપ્ત થઈ રહ્યા છે? અને કન્સાઇમેન્ટ ઇમ્પોર્ટ કરનારી કંપની આંધ્ર પ્રદેશના વિજયવાડાની હતી તો તે કન્સાઈમેન્ટ આંધ્ર પ્રદેશ, તમિલનાડુ કે ઓડિશાના બંદર પર કેમ ન ઊતર્યું? કેમ બધાં જ કન્સાઇમેન્ટ ગુજરાત પોર્ટ પર ઉતરી રહ્યા છે? ખેરાના પ્રશ્નો વધુ વાજબી ત્યારે લાગે જ્યારે તેમના તરફથી જ એક સવાલ એવો પૂછાયો કે કેમ ગુજરાતના બંદરના નારકોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોના ચીફનું પદ છેલ્લા અઢાર મહિનાથી ખાલી પડ્યું છે? ખેરા કહે છે કે ડ્રગ્સનું નેટવર્ક પ્રસરી રહ્યું છે ત્યારે તુરંત એક્શન એ જ ઇલાજ છે.

કોંગ્રેસ પ્રવકતા પવન ખેરા જે કહી રહ્યાં છે તેને ગુજરાતની ડ્રગ્સ સંબંધિત ઘટનાઓ સાથે જોઈએ-તપાસીએ તો તેનો જવાબ આપોઆપ મળે છે. જેમ કે મુન્દ્રા પરથી ડ્રગ્સ મળ્યું તે દિવસોમાં જ 19 સપ્ટેમ્બરના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ અને એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ દ્વારા એક જોઈન્ટ ઓપરેશન થયું. આ ઓપરેશનમાં ગુજરાતના દરિયાકાંઠેથી એક ઇરાનિયન બોટને આંતરવામાં આવી. આ બોટમાં 30 કિલોગ્રામ હિરોઈન હતું, જેની કિંમત દોઢસો કરોડ થાય છે. સાત ઇરાની ખલાસીઓ સાથે આ બોટ ભારતીય દરિયાની હદમાં પ્રવેશી અને તેમની ડ્રગ્સના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી. એપ્રિલ મહિનામાં પણ આઠ પાકિસ્તાની ગુજરાતના દરિયાકાંઠે દોઢસો કરોડની ડ્રગ્સ સાથે પકડાયા હતા. આ અગાઉ પણ 2017માં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ દ્વારા એક માલવાહન બોટ પરથી 1500 કિલોગ્રામ હિરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો. આ રીતે સિલસિલાવાર ડ્રગ્સની જપ્તીની ઘટના બની છે જે સાબિત કરી આપે છે કે ગુજરાતના બંદરો અને દરિયો ડ્રગ્સ માફિયા માટે હબ બની રહ્યા છે. ગૃહમંત્રી અમિત શાહે પણ અંગે નિવેદન આપ્યું છે કે, ‘દેશ નાર્કો-ટેરરના જોખમનો સામનો કરી રહ્યો છે.’

- Advertisement -

હવે ગુજરાત કેમ ડ્રગ્સ કન્સાઇમેન્ટ ઉતારવાનું હબ બની રહ્યું છે તે વિશેનું એક મહત્ત્વનું કારણ લાંબા પટના દરિયાકાંઠાનું છે. આ ઉપરાંત મુન્દ્રા જેવાં બંદર છે જે દેશના એકદમ છેવાડાના વિસ્તારમાં છે. અહીં એ યાદ રાખવું કે દેશની સૌથી મોટી આંતકવાદીમાંની એક ઘટના 1992ના મુંબઈના બોમ્બ બ્લાસ્ટ છે અને તેનું એક કન્સાઇમેન્ટ ગુજરાતના જ પોરબંદર ખાતે ઉતર્યું હતું. આમ માફિયાઓ માટે ગુજરાત અજાણ્યું નથી. ગુજરાતના દરિયો પાકિસ્તાન અને અન્ય અરબ દેશોથી નજીક હોવાના કારણે પણ ગુજરાત ફેવરિટ રૂટ બને છે. એક વાર ગુજરાતના બંદરે આવું કન્સાઇમેન્ટ ઉતરે પછી તેમાંથી માફિયાઓને પસાર થવા માટે કચ્છનું રણ પણ છે. આ દુર્ગમ ભૌગૌલિક સ્થિતિ પણ ડ્રગ્સની હેરાફેરી કરનારાઓને લલચાવે છે.

ગુજરાત ડ્રગ્સનું હબ બન્યું છે તે વિશે અને આંતરરાષ્ટ્રિય ડ્રગ્સ માર્કેટ વિશે ‘નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો’ના હાલમાં ડિરેક્ટર જનરલ એસ. એન. પ્રધાને પણ કેટલાંક તથ્ય સામે મૂક્યા છે. જેમા તેમણે જણાવ્યું છે કે, અફીણનું સૌથી વધુ ઉત્પાદન કરનાર અફઘાનિસ્તાન છે. વિશ્વની એંસી ટકાથી વધુ અફીણની ખેતી અફઘાનિસ્તાનમાં થાય છે. અફઘાનિસ્તાનમાં તાલિબાનોનું વર્ચસ્વ જેમ જેમ વધતું ગયું તેમ અફીણનું માર્કેટ પણ બદલાયું. હવે ભારત જે ભૌગોલિક સ્થિતિ, જેટલી વસતી છે અને જે પ્રકારે અહીંયા ડ્રગ્સ એડિક્ટ છે તેથી ડ્રગ્સ માફિયાઓને તે સૌથી મોટું માર્કેટ લાગે છે. ઉપરાંત ડ્રગ્સને અન્ય જગ્યાએ પહોંચાડવા માટે પણ ભારતને એક રૂટ છે. એનસીબી ડિરેક્ટર એસ.એન. પ્રધાન એવું સુદ્ધા જણાવે છે કે ડ્રગ્સ માફિયાઓ માત્ર દરિયાઈ માર્ગનો જ ઉપયોગ કરતાં નથી; બલકે તેઓ હવાઈ માર્ગે અને સડક માર્ગે પણ ડ્રગ્સને નિશ્ચિત જગ્યાએ પહોંચાડે છે. અને ઉપરાંત હવે તેઓ નવી નવી રીત પણ અપનાવી રહ્યા છે. માફિયાઓ કોમ્યુનિકેશન માટે ‘ડાર્ક વેબ’નો ઉપયોગ કરે છે. આ ડાર્ક વેબ માટે તેઓ સ્પેસિફીક સોફ્ટવેર અને ચુનિંદાના એક્સેસ સાથે કોમ્યુનિકેશન કરે છે. આ રીતે કોમ્યુનિકેશનથી કોઈ તપાસ એજન્સી તેમના સંદેશા આંતરી શકતા નથી અને તેઓ બિન્દાસ રીતે પોતાના સાથીઓને સંદેશ પહોંચાડી શકે છે. ગુજરાતના દરિયાકાંઠે જે સાત ઇરાની પકડાયા હતા તેઓ સેટેલાઈટ ફોન દ્વારા કોમ્યુનિકેશન કરી રહ્યા હતા. પ્રધાન જે કહી રહ્યા છે તે માટે ગુજરાત હજુ પણ માફિયાઓ માટે મોકળું મેદાન લાગે છે.

- Advertisement -

આ ઉપરાંત પણ ડ્રગ્સ માટે અગાઉ પંજાબ અને જમ્મુ કાશ્મીર ફેવરીટ રૂટ હતો. પરંતુ કાશ્મીરમાં જે રીતે ડિફેન્સની નીતિ બદલાઈ છે તેથી ત્યાંના ડ્રગ્સ રૂટ મર્યાદિત થયા છે. પંજાબમાં ડ્રગ્સ પર કન્ટ્રોલ લાવવા અર્થે હવે સરકાર સજાગ થતાં ત્યાં પણ મર્યાદા આવી છે. આ કારણે પણ ગુજરાતનો રૂટ વધુ અનુકૂળ બની રહ્યો છે. એસ.એન. પ્રધાને આ ખુદ એવું માને છે કે મુન્દ્રામાં જે રીતે આટલાં પ્રમાણમાં ડ્રગ્સ મળ્યું તે જોખમી સંકેત છે. અને તેઓ એવું જરા સરખું પણ માનતા નથી કે બધું જ સમુસૂતરું થઈ જશે, બલકે તેઓ ખરાબમાં ખરાબ સ્થિતિ માટે તૈયાર રહેવા જણાવે છે.

Follow on Social Media
RELATED ARTICLES
- Advertisment -

Most Popular