નવજીવન ન્યૂઝ. અમદાવાદ: વિધાનસભાની ચૂંટણીના ચોંકાવનારા પરિણામ બાદ નેતાઓમાં વિવિધ ગણગણાટ જોવા મળે છે. પરંતુ હારનો સ્વાદ ચાખેલા નેતાઓ માટે કપરા દિવસો હોય તેવી સ્થિતી છે. એવામાં અમદાવાદની જમાલપુર વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ઈમરાન ખેડાવાલા (Imran Khedawala)એ જીત હાંસલ કરી હોવા છતાં પણ રડતા જોવા મળ્યા હતા. આ રડવાનું કારણ તેમના જૂના સાથી મિત્ર પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ (Gyasuddin shaikh)નો કારમો પરાજય થયો હતો.
અમદાવાદની જમાલપુર ખાડિયા વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા બેઠક બચાવવામાં સફળ રહ્યાં છે. પરંતુ દરિયાપુર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દિન શેખને પરાજીત કરવામાં ભાજપ સફળ રહ્યું છે. ત્યારે ગ્યાસુદ્દિન શેખને મળવા માટે ઈમરાન ખેડાવાલા તેમની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં બંને એક બીજાને ભેટી પડ્યા હતા, આ સમયે ઈમરાન ખેડાવાલા અને ગ્યાસુદ્દિન શેખ ધ્રુસ્કે ધ્રુસ્કે રડતા જોવા મળ્યા હતા.
ઈમરાન ખેડાવાલા ગ્યાસુદ્દિન શેખને મળવા માટે તેમની ઓફિસ પર પહોંચ્યા ત્યારે ગ્યાસુદ્દિને ઈમરાન ખેડાવાલને હાર તોરા કરી જીતની શુભેચ્છા આપી હતી. બાદમાં બંને એક બીજાના ગળે વળગ્યા અને ભાવુક રીતે ગ્યાસુદ્દિન શેખની હારને કારણે રડવા લાગ્યા હતા. આ તકે ગ્યાસુદ્દિન શેખે ઈમરાન ખેડાવાલાને હિંમત રાખવા સાંત્વના આપી હતી. આ દ્રશ્યો જોઈ હાજર સૌ કોઈની આંખના ખુણા ભીના થઈ ગયા હતા. આ ઘટનાનો વિડીયો વાયરલ થતા સોશિયલ મીડિયા પર ગ્યાસુદ્દિન શેખ અને ઈમરાન ખેડાવાલા છવાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દરિયાપુર વિધાનસભા બેઠક પરથી ભાજપના વિજેતા ઉમેદવાર કૌશિક જૈનને 61490 મત મળ્યા છે, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દિન શેખને 56005 મત મળ્યા હતા. જ્યારે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તાજમહંમદ કુરેશીને 4395 મત મળ્યા હતા.
સાર્થક પ્રકાશન દ્વારા પ્રકાશિત પ્રશાંત દયાળનાં ચાર યાદગાર પુસ્તકો
- લતીફઃ દારૂબંધીનું અર્થકારણ, કોમવાદનું રાજકારણ (કિંમતઃ રૂ.110)
- જીવતી વારતાઃ સૂતેલી સંવેદનાઓને ઢંઢોળતી સત્યકથાઓ (કિંમતઃ રૂ.150)
- 2002: રમખાણોનું અધૂરું સત્ય (કિંમતઃ રૂ. 150)
- દીવાલઃ અમદાવાદ બોમ્બ બ્લાસ્ટના આરોપીઓએ સાબરમતી જેલમાં આચરેલા સુરંગકાંડ પર આધારિત નવલકથા (કિંમતઃ રૂ. 300)
પુસ્તકો મેળવવાનું સ્થળઃ બુક શેલ્ફ, સ્વસ્તિક ચાર રસ્તા, અમદાવાદ | પુસ્તકો ઘરે બેઠાં મેળવવા માટે ફોન/વોટ્સએપ સંપર્કઃ 98252 90796








