Protest against Gyanesh Kumar Vote Chori in Ahmedabad: અમદાવાદમાં શનિવારે, 10 ઓક્ટોબરની સાંજે એલિસબ્રિજ ચાર રસ્તા પાસે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે Gen-Zના યુવાનો અને કોંગ્રેસના કેટલાક નેતાઓ રસ્તા પર ઉતર્યા હતા. પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એમ.જે. લાયબ્રેરીની આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. પ્રદર્શનકારીઓએ ‘વોટ ચોર ગદ્દી છોડ’ અને ‘જ્ઞાનેશ કુમાર હટાવો, લોકશાહી બચાવો’ના નારા લગાવ્યા હતા. આ દરમિયાન પોલીસે પ્રદર્શનકારીઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના નેતાઓને ટીંગાટોળી કરીને પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા હતા.
અગાઉ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના કાફલા સામે કાળા વાવટા ફરકાવનાર શુભમ ઠાકર પણ આ વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પોલીસે તેમની પણ અટકાયત કરી હતી. પોલીસ વાહનમાં બેસાડવામાં આવ્યા બાદ શુભમ ઠાકરે આગામી સમયમાં અમદાવાદમાં ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી.
ભાજપ કોંગ્રેસની સામું પડ્યું
બીજી તરફ, શનિવારે બપોરે પાલડીમાં રાજીવ ગાંધી ભવનની બહાર ભાજપ મહિલા મોરચા દ્વારા પણ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. JNUના પ્રોફેસર અને કોંગ્રેસના સાંસદ અંગોમચા બિમોલ અકોઈજાન (Angomcha Bimol Akoijam) સામે વિદ્યાર્થિનીઓની જાતીય સતામણીના આરોપોને લઈને ભાજપ મહિલા મોરચાએ કોંગ્રેસ સામે વિરોધ નોંધાવ્યો હતો. આ પ્રદર્શન દરમિયાન ડીજે અને સાઉન્ડ સિસ્ટમ સાથે કાર્યકર્તાઓએ ‘એક કચોરી દો સમોસા, રાહુલ તેરા ક્યા ભરોસા’ અને ‘કોંગ્રેસ હાય હાય, રાહુલ ગાંધી હાય હાય’ જેવા નારા લગાવ્યા હતા.
ભાજપ મહિલા મોરચાના વિરોધ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને એક DCP, બે ACP, છ PI સહિત 600થી વધુ પોલીસકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં મહિલા મોરચાની કાર્યકર્તાઓ રાજીવ ગાંધી ભવન તરફ આગળ વધતાં પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જેને પગલે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ કાર્યકર્તાઓ રસ્તા પર ધરણાં પર બેસી ગયાં હતાં અને વિરોધ પ્રદર્શન પૂર્ણ કર્યું હતું. આમ, અમદાવાદમાં એક જ દિવસે જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે કોંગ્રેસ અને Gen-Zનું પ્રદર્શન તથા રાજીવ ગાંધી ભવન બહાર ભાજપ મહિલા મોરચાનો વિરોધ જોવા મળ્યો હતો.








