Minister Rekha Arya video, husband’s Domestic Violence: ઉત્તરાખંડ રાજ્યના મહિલા સશક્તિકરણ અને બાળ વિકાસ મંત્રી રેખા આર્ય જ આજે મહિલાઓની સૌથી મોટી સમસ્યા એટલે કે ગૃહસ્થ હિંસાનો ભોગ બન્યા છે. તેમણે પોતાના પતિ લાલ સાહૂ સામે દગાખોરી, જાતિગત હેરાનગતિ અને જીવથી મારવા તથા ષડયંત્ર કરવાના આરોપ લગાવ્યા છે. કેબિનેટ મંત્રીની ફરિયાદ પર કૈંટ પોલીસ મથકે FIR પણ નોંધાવાઈ ગઈ છે. મંત્રીનો આરોપ છે કે તેમના પતિ પહેલાથી જ વિવાહીત છે અને હાલમાં તેમના લગ્નેતર સંબંધો છે.
રેખા આર્યએ ઘરેલુ હિંસાના મુદ્દે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો છે. વીડિયોમાં તેઓ ભાવુક થઈને રડતાં જોવા મળે છે. તેમણે જણાવ્યું કે પોતાનાં બાળકોની સુરક્ષા માટે પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી છે. મંત્રીના જણાવ્યા અનુસાર, તેમના પતિના એક ઓડિયોએ તેમના વૈવાહિક જીવન સામે સવાલો ઊભા કર્યા છે. તેમણે કહ્યું કે શું સત્ય અને ઈમાનદારીથી જીવન જીવવાના બદલામાં આવું પરિણામ મળે છે? આ ઓડિયો સાંભળ્યા બાદ તેમને ભારે માનસિક આઘાત લાગ્યો હતો અને ત્યારબાદ બાળકોની રક્ષા તથા સુરક્ષા માટે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો હતો.
રેખા આર્યએ વધુમાં જણાવ્યું કે તેમણે ઓડિયો જાહેર કરવાનો હેતુ એ સંદેશ આપવાનો છે કે સામાન્ય મહિલા હોય કે ખાસ હોદ્દા પર બેઠેલી મહિલા, કોઈએ પણ ઘરેલુ અત્યાચાર સહન કરવો ન જોઈએ. તેમણે કહ્યું કે તેઓ બંધારણને સાક્ષી માનીને પોતાની ફરજો નિભાવતાં આવ્યાં છે અને આગળ પણ નિભાવતાં રહેશે. આ મુશ્કેલ સમયમાં દેવભૂમિ ઉત્તરાખંડના લોકો તેમનો સાથ આપશે એવો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો. બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પોલીસમાં ફરિયાદ નોંધાવવી પડી હોવાનું તેમણે ફરી જણાવ્યું હતું.
આ મામલે ફિલ્મ અભિનેતા હેમંત પાંડે પણ રેખા આર્યના સમર્થનમાં આવ્યા છે. તેમણે કહ્યું કે ઉત્તરાખંડ જ નહીં, પરંતુ દેશની કોઈ પણ દીકરી સાથે અન્યાય થવો જોઈએ નહીં. રેખા આર્યના મામલે કાર્યવાહી કરવા માટે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને વિનંતી કરશે તેમ પણ જણાવ્યું હતું.








