નવજીવન ન્યૂઝ.રાજકોટઃ જેતપુરમાં તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ અને વિરપુર જુથ સેવા સહકારી મંડળીની સામાન્ય સભાનું આયોજન થયું હતું. આ સભામાં ભાજપના ધારાસભ્ય જયેશ રાદડિયા પણ હાજર રહ્યા હતા. તેમણે આ કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને આડેહાથ લીધી હતી. તેમણે કહ્યું કે, આપ ટોળકી ગેરંટી કાર્ડ વહેંચવા નીકળી છે પણ એની ગેરંટી લેવા ક્યાં જશો. અત્યાર સુધી જેતપુરમાં કોંગ્રેસ હોય કે ભાજપ, હજુ સુધી કોઈ પાર્ટીએ ખંડણી ક્યારેય માગી નથી. ગુજરાતમાં આપનું હજુ આગમન પણ નથી થયું ત્યાં આમ આદમી પાર્ટીના લોકો કારખાનેદારો પાસેથી દસ લાખની ખંડણી માગવા નીકળ્યા છે. જો આવી પાર્ટી સત્તામાં આવશે, આવા લોકો આપણા વિસ્તારમાં આવી જશે તો આપણી સુરક્ષાનું શું?
રાદડિયાએ કહ્યું, તમને મારાથી વિશેષ ધારાસભ્ય મળે ત્યારે મને ના પાડી દેજો કે હવે મારી જરુરત નથી. મારી નીચે બેસી જવાની પણ તૈયારી છે. એવા લોકો પાસે સત્તા ન જય કે જેઓ આપણને ઓળખતા જ નથી, જેની પાસે આપણી ગેરંટી નથી. ઉલ્લેખનીય છે કે હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં કારખાનેદાર પોતાના કર્મચારીઓને આમ આદમી પાર્ટીનો પ્રચાર કરતી પોસ્ટ સોશિયલ મીડિયામાં નહીં મુકવા ફરમાન કરે છે અને જો કરવી હોય તો હિસાબમાં બનતો પગાર લઈ નીકળી જવા કહે છે. જે મામલે આપ સમર્થકો પણ કહે છે કે, કારખાનેદાર પર કેટલું પ્રેશર હશે તેનો વિચાર તો કરો. આમ બંને પાર્ટીઓ ચૂંટણી નજીક છે ત્યારે એક બીજા સામે ધારદાર શબ્દોથી પ્રચારમાં લાગી ગઈ છે તેનો અંદાજ લગાવી શકાય છે.








