નવજીવન ન્યૂઝ. ડીસા: ગુજરાતમાં મહિલા સશક્તિકરણની વાતો કરવામાં આવે છે, પરંતુ દરેક જગ્યાએ મહિલાઓનું શોષણ થતું હોય તેવી ઘટનાઓ હંમેશા સામે આવતી જ રહે છે. કેટલીક જગ્યાએ મહિલાઓનું સામાજિક શોષણ થાય છે તો કેટલીક જગ્યાએ ધાર્મિક કારણોથી મહિલાઓનું શોષણ થાય છે. કેન્દ્ર સરકાર દ્વારા થોડા સમય અગાઉ ‘ટ્રિપલ તલાક’ રદ કરતો એક કાયદો લાવવામાં આવ્યો હતો, જે મુજબ હવે એક સમાજમાં મહિલાઓનું શોષણ થતું અટકાવી શકાય, પરંતુ આ કાયદો આવ્યા બાદ પણ મહિલાઓનું શોષણ અટક્યું નથી તેવો કિસ્સો ડીસામાં સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ડીસામાં મહિલા સામે અત્યાચારને લઈને ટ્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ડીસા જિલ્લાના છોટાપુર ગાડી વિસ્તારમાં રહેતી એક મહિલાના ત્રણ વર્ષ અગાઉ સામાજિક રીતિ ધાર્મિક રીત રિવાજો મુજબ લગ્ન કરવામાં આવ્યા હતા. લગ્નની શરૂઆતમાં પતિ-પત્ની વચ્ચે સંબંધો સુમેળ ચાલ્યા હતા, પરંતુ છેલ્લા ઘણા સમયથી બંને વચ્ચે તકરાર થતી હતી. મહિલાના જણાવ્યા અનુસાર તેમના પતિના રાજસ્થાનમાં કોઈ અન્ય યુવતી સાથે સંબંધો છે, જેના કારણે પતિ મહિલાને શારીરિક અને માનસિક ત્રાસ આપતો હતો.
ત્યાર બાદ એક અઠવાડિયા અગાઉ મહિલાના પતિએ તેમની સાથે ગેરવર્તણૂક કરીને માર માર્યો હતો અને મહિલાના પિયરના વ્યક્તિઓ સહિત મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી અને ત્રણ વાર તલાક બોલીને મહિલાને તલાક આપી દીધા હતા. આ ઘટના બાદ મહિલાએ ડીસાના દક્ષિણ પોલીસ સ્ટેશનમાં પતિ અને અન્ય 5 વ્યક્તિઓ સામે મુસ્લિમ વુમન પ્રોટેક્શન ઓફ રાઇટ ઓન મેરેજ એક્ટ મુજબ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું છે.








