Accused in Madhya Pradesh mass murder case arrested : મધ્યપ્રદેશના મુરેના જિલ્લાના લેપા ગામે જમીન વિવાદમાં એક જ પરિવારના 6 સભ્યોની હત્યા કરવાના કેસમાં 3 વર્ષથી ફરાર હત્યારાને અમદાવાદ ક્રાઈમ બ્રાંચે (Ahmedabad Crime Branch) ઝડપી પાડ્યો છે. મુરેના જિલ્લાના સિહોનિયા પોલીસ સ્ટેશનની હદમાં વર્ષ 2023માં સર્જાયેલા સામૂહિક હત્યા કેસમાં હરિયાણાના ગુરુગ્રામ ખાતેથી 30 હજાર રૂપિયાના ઇનામી આરોપી રામુસિંહ તોમર (ઉ. 37) ને પકડી પાડવામાં આવ્યો છે. પકડાયેલો આરોપી રામુ તોમર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે, તે વર્ષ 2021માં હત્યાના પ્રયાસના ગુનામાં મધ્યપ્રદેશ પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો છે.
બનાવની વિગત એવી છે કે, મે 2023 માં મધ્યપ્રદેશ રાજ્યના ચંબલ વિસ્તારના મુરેના જિલ્લાના લેપા ગામે જમીન વિવાદની અદાવતમાં બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. આ બનાવમાં એક જૂથના સભ્યોએ બીજા જૂથના પરિવારજનો ઉપર બંદૂકોથી અંધાધૂંધ ગોળીબાર કરી એક જ પરિવારના કુલ 6 સભ્યોની હત્યા કરી નાંખી હતી. મૃતકોમાં 3 મહિલા અને 3 પુરુષનો સમાવેશ થતો હતો. સામૂહિક હત્યાકાંડ સર્જ્યા બાદ આરોપીઓ ફરાર થઈ ગયા હતા. આ મામલે સિહોનિયા પોલીસ સ્ટેશનમાં હત્યા, હત્યાનો પ્રયાસ સહિતની કલમો હેઠળ કુલ 9 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આરોપીઓ ફરી હુમલો કરે તેવી દહેશતના પગલે ફરિયાદી પક્ષને પોલીસ રક્ષણ આપવામાં આવ્યું હતું.
લેપા ગામમાં અગાઉ વર્ષ 2013માં જમીન વિવાદના સંબંધમાં હાલના આરોપી રામુસિંહ ધીરસિંહ તોમરના કાકા વિરભાણસિંહ મુનસીસિંહ તોમર તથા મોટા કાકા શોભરણસિંહ મુનસીસિંહ તોમરની રણજીતસિંહ મુન્નેસિંહ તોમર તથા તેમના પરિવારજનો દ્વારા હત્યા કરવામાં આવી હતી. જે હત્યાનો બદલો લેવા માટે રામુસિંહ ધીરસિંહ તોમર તથા તેના પરિવારના સભ્યો રણજીતસિંહ મુન્નેસિંહ તોમર અને તેમના પરિવારજનોની હત્યા કરવાની તક શોધી રહ્યા હતા. દરમિયાન રણજીતસિંહ મુન્નેસિંહ તોમરના પરિવારની દીકરીનાં લગ્ન પ્રસંગે પરિવારજનો લેપા ગામે આવ્યા હતા. તે સમયે તેમના પરિવારજનો ઉપર બંદૂકોથી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં કુલ 6 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં હતાં.
ચકચારી હત્યાકાંડના ફરાર આરોપીઓ પૈકીના રામુસિંહ તોમરની જાણકારી અમદાવાદ ક્રાઈમ બ્રાંચને મળી હતી. હરિયાણા રાજ્યના ગુરુગ્રામના ગોપાલપુર GIDC વિસ્તારમાં આવેલા એક વેરહાઉસમાં રામુ તોમર કામ કરતો હોવાની જાણકારીના આધારે પોલીસે તેની પાસે પહોંચી હતી. આરોપી રામુ તોમરની ઓળખ સ્પષ્ટ થતાં તેને અમદાવાદ ખાતે લઈ આવવામાં આવ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે હત્યાકાંડના બનાવ બાદ તે મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન તથા હરિયાણા રાજ્યોમાં અલગ-અલગ સ્થળોએ ઓળખ છુપાવીને રહેતો હતો. આ સમયગાળા દરમિયાન તે સિક્યુરિટી ગાર્ડ તરીકે તથા છૂટક મજૂરી કામ કરીને ગુજરાન ચલાવતો હતો.








